Get The App

અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શનમાં ઢીલાશ

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શનમાં ઢીલાશ 1 - image

Surat Municipal Corporation Election: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 59.32 ટકા જેટલું મતદાન થયું છે. આ ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, પરંતુ પક્ષની મજબૂતી પાછળ આંતરિક જૂથબંધીના કારણે ખોખલાપણાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. બહારથી શક્તિશાળી દેખાતો ભાજપ પક્ષ ખાસ કરીને સુરતમાં અંદરખાને અસંતોષના વમળમાં ફસાયેલો જોવા મળે છે.

આંતરિક જૂથબંધીએ અંદરખાને ખેલ પાડ્યો હોવાની ચર્ચા

ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એવી વિગતો બહાર આવી છે કે ભાજપના જ કેટલાક નારાજ નેતાઓ પક્ષના નબળા દેખાવની ઇચ્છા રાખી રહ્યા છે. મુખ્યત્વે જે નેતાઓની ટિકિટ કપાઈ છે અથવા જેમના સમર્થકોને ટિકિટ નથી મળી, તેઓએ મતદાન દરમિયાન નકારાત્મક ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. તેમ છતાં નેતાઓ અને કાર્યકરોની પ્રવૃતિઓ પર ચાંપતી નજર રાખતું શહેર ભાજપનું મોવડી મંડળ કાર્યવાહી કરવામાં 'ઠાગાઠૈયા' કરી રહ્યું છે, તે વાત ગાંધીનગર સુધી ઉડી અને આંખે વળગે તેવી છે. 

ક્રોસ વોટિંગની આશંકા, રેલીમાં નિરુત્સાહ

મહત્ત્વનું છે કે નારાજ નેતાઓએ ક્રોસ વોટિંગ કરાવ્યું હોવાની અથવા ભાજપ વિરુદ્ધ વાતાવરણ ઊભું કર્યું હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. અગાઉ મુખ્યમંત્રીની રેલીમાં પણ અપેક્ષા કરતાં ઓછી મેદની ભેગી થાય તેવા પ્રયાસો આ નારાજ જૂથ દ્વારા કરાયા હોવાથી ચર્ચાઓ વેગ પકડ્યો છે.

શહેર ભાજપમાં ક્યાં કચાશ?

શહેર ભાજપની બિનઅનુભવી નેતાગીરીને કારણે જૂથબંધી વકરી હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ, મતદારો ભાજપનો વિકલ્પ શોધી રહ્યા છે, પરંતુ વિપક્ષી વિકલ્પો નબળા અને વિવાદાસ્પદ હોવાને કારણે મજબૂરીમાં પણ લોકો ભાજપ તરફ પસંદગી ઉતારી રહ્યા હોવાનું વિશ્લેષણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી, જાણો શું છે સમગ્ર મામલો

શિસ્તભંગના પગલાં અંગે સવાલ

હાલમાં તો પાલિકામાં મહત્વના હોદ્દા મેળવવા ઇચ્છતા અને ભૂતકાળના ટ્રેક રૅકોર્ડને કારણે ટિકિટ ગુમાવનારા અનેક નેતાઓએ પક્ષ વિરુદ્ધ કામ કર્યું હોવાની ફરિયાદો પક્ષના મોવડીમંડળ સુધી પહોંચી છે  હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પરિણામો બાદ શહેર ભાજપ આંતરિક નુકસાન પહોંચાડનારા તત્ત્વો સામે કડક પગલાં ભરે છે કે પછી નબળી નેતાગીરીને કારણે મામલો થાળે પાડી દેવામાં આવે છે. આ બાબત પરિણામો બાદ જ સ્પષ્ટ થશે.