Get The App

અમદાવાદની ચર્ચિત બેઠક પર ખરાખરીનો ખેલ, કોંગ્રેસ-અપક્ષ એક્ટિવ થતાં ભાજપની પેનલ તૂટવાનો ભય

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદની ચર્ચિત બેઠક પર ખરાખરીનો ખેલ, કોંગ્રેસ-અપક્ષ એક્ટિવ થતાં ભાજપની પેનલ તૂટવાનો ભય 1 - image


Gujarat Local Body Elections 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં ખાડિયા વોર્ડ સૌથી ચર્ચિત બેઠક બની રહી છે. ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાવાના સંકેતો મળી રહ્યા છે. કોંગ્રેસની સક્રિયતા અને મજબૂત અપક્ષ ઉમેદવારોના મેદાનમાં આવવાથી ભાજપની આખેઆખી પેનલ જીતશે કે કેમ તે અંગે પક્ષના આંતરિક વર્તુળોમાં ચિંતા જોવા મળી રહી છે.

‘ખાડિયા બચાવ આંદોલન’ની એન્ટ્રીથી સમીકરણો બદલાયા

ખાડિયા વોર્ડમાં છેલ્લા ઘણાં સમયથી વધી રહેલા કોમર્શિયલ બાંધકામો સામે સ્થાનિકોમાં રોષ છે. આ મુદ્દે ‘ખાડિયા બચાવ આંદોલન’ ચલાવતા આગેવાનો પૈકી એક અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરતા ભાજપની મુશ્કેલી વધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર સહિતના દિગ્ગજ નેતાઓને આ અપક્ષ ઉમેદવારને મનાવવા માટે મોકલ્યા હતા, પરંતુ સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.

આ પણ વાંચો: પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા

કોંગ્રેસની આક્રમકતા અને ઓછા મતદાનનો ડર

વર્ષો પછી ખાડિયા વિસ્તારમાં કોંગ્રેસ ફરી એકવાર સંગઠિત અને સક્રિય જોવા મળી રહી છે. ભાજપના નેતાઓને ડર છે કે જો રવિવારે (26મી એપ્રિલ) મતદાનની ટકાવારી ઓછી રહેશે, તો અપક્ષ અને કોંગ્રેસના મતોના ભાગલા ભાજપની પેનલને નુકસાન પહોંચાડી શકે છે. કોઈપણ સંજોગોમાં પેનલ તૂટતી બચાવવા માટે હવે ભાજપે તેના ટોચના નેતાઓને ખાડિયાના ગલી-મહોલ્લામાં પ્રચાર માટે ઉતારવાની વ્યૂહરચના અપનાવી છે.

વિકાસ સામે સ્થાનિક પ્રશ્નો

એક તરફ ભાજપ વિકાસના મુદ્દે મતો માંગી રહ્યો છે, ત્યારે બીજી તરફ વિપક્ષ અને અપક્ષો જૂના શહેરના હેરિટેજ મકાનોની જાળવણી અને આડેધડ થતા કોમર્શિયલ બાંધકામોને મુખ્ય મુદ્દો બનાવી રહ્યા છે. ખાડિયાના જાગૃત મતદારો આ વખતે કોના પક્ષે જશે તેના પર આખા શહેરની નજર છે.