અમદાવાદ: ઘી કાંટા કોર્ટમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો, વિરોધ પ્રદર્શનને પગલે પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Interfaith Marriage In Ahmedabad: અમદાવાદની ઘી કાંટા કોર્ટ આજે (સાતમી મે) પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી, કારણ કે, એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન રજિસ્ટ્રેશનને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યો હતો. મામલાની ગંભીરતાને જોતા કોર્ટ પરિસરમાં 50થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરોધને પગલે હાલ પૂરતી આંતરધર્મીય લગ્ન પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે.
રજિસ્ટ્રાર સામે ગંભીર આક્ષેપો
મળતી માહિતી અનુસાર, એક હિન્દુ યુવતી છેલ્લા બે મહિનાથી નારી સંરક્ષણ ગૃહમાં રહેતી હતી. આજે તેને લગ્ન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે ઘી કાંટા કોર્ટમાં રજૂ કરવાના હતા. આ આંતરધર્મીય લગ્ન રજિસ્ટ્રાર એમ. એમ. સૈયદની કોર્ટમાં થવાના હતા. જોકે, આ અંગેની જાણ થતાં જ VHPના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટ પરિસરે પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યો હતો.
VHPના જિલ્લા અધ્યક્ષે રજિસ્ટ્રાર એમ. એમ. સૈયદ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, 'રજિસ્ટ્રાર નિયમ મુજબ લગ્નની નોટિસ બોર્ડ પર લગાવતા નથી અને એકપક્ષીય રીતે મુસ્લિમ યુવકોને સહયોગ આપી રહ્યા છે. સૈયદ સાહેબ અગાઉ પણ આવા અનેક વિવાદાસ્પદ લગ્નો કરાવી ચૂક્યા છે. આજે જ્યારે અમે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તેઓ જાણી જોઈને રજા પર ઉતરી ગયા હતા. અમે ચાર્જમાં રહેલા અધિકારીને રજૂઆત કરી છે અને હાલ પૂરતું આ લગ્ન અટકાવવામાં આવ્યું છે.'
આ પણ વાંચો: 6 જિલ્લામાં વરસાદની આગાહી, બે દિવસ બાદ ગુજરાતભરમાં શરૂ થશે હીટવેવનો દોર
લવ જેહાદના આક્ષેપ સાથે આંદોલનની ચીમકી
આ ઘટનાને 'લવ જેહાદ' ગણાવીને તંત્ર સામે રોષ વ્યક્ત હતો. VHPના જિલ્લા અધ્યક્ષે જણાવ્યું હતું કે, 'આ લગ્ન માટે હાઈકોર્ટનો ઓર્ડર હોવાથી અમે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી હતી, પરંતુ રજિસ્ટ્રારની કાર્યપ્રણાલી શંકાસ્પદ છે. અમે સરકાર સમક્ષ માંગ કરી છે કે વિવાદાસ્પદ રજિસ્ટ્રારની તાત્કાલિક સજાકીય બદલી કરવામાં આવે. જો આગામી દિવસોમાં કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરીશું.'
પોલીસનો લોખંડી બંદોબસ્ત
કોર્ટ પરિસરમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી અને પોલીસે કોર્ટના દરવાજા પર કડક પહેરો રાખ્યો હતો. હાલમાં આ આંતરધર્મીય લગ્ન પ્રક્રિયા અટકી પડી છે અને આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાય તેવી શક્યતાઓ છે.
શું છે સમગ્ર મામલો
મહેસાણા જિલ્લામાં અલગ-અલગ ધર્મના 22 વર્ષીય યુવક અને 21 વર્ષીય યુવતી સાથે રહેતા હતા. તેઓને અલગ કરવામાં આવ્યા હતા અને યુવતીને પાલનપુર સ્થિત મહિલા સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. યુવકે આ બળજબરીપૂર્વકના અલગાવ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. યુવકે તેની પાર્ટનરની કસ્ટડી માંગી હતી અને કોર્ટને જણાવ્યું હતું કે તેઓ લગ્ન કરવા ઈચ્છે છે.
હાઈકોર્ટે યુવતીને તેની ઈચ્છા જાણવા માટે બોલાવી હતી. હાઈકોર્ટે ભવિષ્યમાં કોઈ કમનસીબ પરિસ્થિતિ ઊભી થાય તો યુવતીની આર્થિક સુરક્ષા જોખમમાં હોવાની ચિંતા વ્યક્ત કર્યા બાદ યુવકને 3 લાખ રૂપિયા જમા કરાવવાની તૈયારી દર્શાવતું સોગંદનામું ફાઇલ કરવા જણાવ્યું હતું. હવે આ મામલે આઠમી મે 2026ના રોજ વધુ સુનાવણી યોજાશે.








