Heatwave Alert: ગુજરાતમાં હાલ અજીબ હવામાન જોવા મળી રહ્યું છે. એકતરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કમોસમી વરસાદી માહોલ છે, તો બીજી તરફ હવામાન વિભાગે આગામી નવમી મેથી ફરી આકરા હીટવેવની આગાહી કરી છે. રાજ્યના નાગરિકોએ આજે વરસાદ અને બે દિવસ બાદ કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
આજે ક્યાં-ક્યાં વરસી શકે છે વરસાદ?
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યાનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાથી આજે (સાતમી મે) રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે પૂર્વ-દક્ષિણ ગુજરાતમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં હળવા વરસાદની શક્યતા છે.
નવમી મેથી 'યલો એલર્ટ
અમદાવાદમાં આજે આકાશ વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેતા ભારે બફારાનો અનુભવ થશે. વરસાદી માહોલ ઓસરતાની સાથે જ નવમી મે (શનિવાર)થી રાજ્યમાં ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે. આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.
નવમી મેના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ માટે ઍલર્ટ જાહેર કરાઈ છે. 10થી 13મે દરમિયાન સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હીટવેવની અસર જોવા મળશે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં તીવ્ર લૂ ફૂંકાવાની શક્યતા છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધશે
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવન 15 થી 20 નોટની ઝડપે ફૂંકાઈ શકે છે. 8 મે બાદ વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ ગરમીના પ્રકોપ સામે નાગરિકોએ સાવચેત રહેવું પડશે.
ગરમીથી બચવા હવામાન વિભાગની સૂચના:
•બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું.
•લીંબુ પાણી, છાશ અને પુષ્કળ પાણી પીવું.
•હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા.


