Gujarat

'Free Fire'ની મિત્રતા બની 'કાળ': અમદાવાદની 16 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ અને દુષ્કર્મ, આરોપી પશ્ચિમ બંગાળથી પકડાયો

By GS TEAM
2 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિનીને ઓનલાઈન ગેમ 'ફ્રી-ફાયર' (Free Fire)ના માધ્યમથી થયેલી મિત્રતા ભારે પડી છે. પશ્ચિમ બંગાળના 21 વર્ષીય યુવકે સગીરા સાથે દોસ્તી કરી અમદાવાદ આવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ તેને ભગાડીને પશ્ચિમ બંગાળ લઈ જતી વખતે પોલીસે ખડગપુર રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'Free Fire'ની મિત્રતા બની 'કાળ': અમદાવાદની 16 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ અને દુષ્કર્મ, આરોપી પશ્ચિમ બંગાળથી પકડાયો

Ahmedabad Crime: અમદાવાદમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિનીને ઓનલાઈન ગેમ 'ફ્રી-ફાયર' (Free Fire)ના માધ્યમથી થયેલી મિત્રતા ભારે પડી છે. પશ્ચિમ બંગાળના 21 વર્ષીય યુવકે સગીરા સાથે દોસ્તી કરી અમદાવાદ આવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ તેને ભગાડીને પશ્ચિમ બંગાળ લઈ જતી વખતે પોલીસે ખડગપુર રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો છે.

દોઢ વર્ષની મિત્રતા અને વોટ્સએપ પર સંપર્ક

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, પશ્ચિમ બંગાળમાં છૂટક મજૂરી કરતા આશિક ઉર્ફે અરમાન મહંમદ અઝગરનો પરિચય સગીરા સાથે 18 મહિના પહેલા ગેમિંગ દરમિયાન થયો હતો. બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કર્યા બાદ વોટ્સએપ પર નિયમિત વાતચીત શરૂ કરી હતી. આ દરમિયાન આરોપીએ સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

ઘરમાં ઘૂસી આચર્યું દુષ્કર્મ

22 જાન્યુઆરીના રોજ આરોપી આશિક ખાસ સગીરાને મળવા માટે અમદાવાદ આવ્યો હતો. સગીરાના પરિવારજનો જ્યારે ઘરે ન હતા ત્યારે તે વેજલપુર સ્થિત તેના નિવાસસ્થાને પહોંચ્યો હતો અને ત્યાં સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ 23 જાન્યુઆરીએ તે સગીરાને લલચાવી-ફોસલાવી કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેન પકડી પશ્ચિમ બંગાળ જવા રવાના થયો હતો.

ટેકનિકલ સર્વેલન્સથી આરોપી ટ્રેસ થયો

દીકરી ગુમ થતા ગભરાયેલા પરિવારે વેજલપુર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મોબાઈલ લોકેશન અને કોલ રેકોર્ડ્સના આધારે તપાસ તેજ કરી હતી. એમ-ડિવિઝનના ACPએ જણાવ્યું હતું કે, "અમારા ટેકનિકલ સર્વેલન્સમાં આરોપી ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ તરફ જઈ રહ્યો હોવાનું જણાયું હતું. અમે તાત્કાલિક ખડગપુર રેલવે પોલીસને એલર્ટ કરી હતી."

આ પણ વાંચો: ગાંધીનગર: વિદ્યાર્થિનીને લાફો મારનાર શિક્ષિકાને 3 વર્ષની કેદ, બાળકીને કાને બહેરાશ આવી ગઈ હતી

ખડગપુર સ્ટેશન પરથી ધરપકડ

જેવી ટ્રેન ખડગપુર સ્ટેશને પહોંચી, રેલવે પોલીસે બંનેને આંતરી લીધા હતા. વેજલપુર પોલીસની ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી આરોપીનો કબજો મેળવી સગીરાને હેમખેમ અમદાવાદ પરત લાવી છે. પોલીસ તપાસમાં એવું પણ ખૂલ્યું છે કે આરોપી અગાઉ પણ બે વખત અમદાવાદ આવી સગીરાના ઘરે ગયો હતો. હાલમાં પોલીસે દુષ્કર્મ અને અપહરણની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની પૂછપરછ હાથ ધરી છે.