ગોઝારો રવિવાર: અલગ-અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી 6 માસૂમ સહિત 7 લોકોનાં મોત, રાજકોટ, આણંદ અને સેલવાસની ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

7 Dead In Drowning Incidents: ગુજરાતમાં રવિવારે રજાના દિવસ દરમિયાન પ્રવાસે તેમજ દર્શનાર્થે ગયેલા પરિવારજનો માથે કાળ ત્રાટક્યો હોય તેમ જુદી-જુદી જગ્યાએ પાણીમાં ડૂબી જવાથી કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં સેલવાસમાં સેલ્ફી લેવાના ચક્કરમાં કિશોરી, આણંદના રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં બે માસૂમ બાળકો અને રાજકોટ નજીક જન્મદિવસની ઉજવણી દરમિયાન તળાવમાં ડૂબી જવાથી 4 લોકોના કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. આમ, અલગ-અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી 6 માસૂમ સહિત 7 લોકોનાં મોત થયા છે.
આ પણ વાંચો: VIDEO: સેલવાસમાં દમણગંગા નદી કિનારે સેલ્ફી લેવાના ચક્કરમાં કિશોરીએ જીવ ગુમાવ્યો
સેલવાસ: દમણગંગા નદી કિનારે સેલ્ફી લેવાના ચક્કરમાં કિશોરી ડૂબી
સેલવાસના દમણગંગા રિવરફ્રન્ટ પર રજા માણવા ગયેલા મસાટ ગામના પરિવારની 15 વર્ષીય કિશોરી કાજલકુમારી જિતેન્દ્ર રામ ચેકડેમ નજીક મોબાઈલથી સેલ્ફી લઈ રહી હતી. આ દરમિયાન અચાનક તે નદીના ઊંડા પાણીમાં પડી જવાથી ડૂબવા લાગી હતી. સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોની બૂમાબૂમ વચ્ચે ફાયર બ્રિગેડ અને પોલીસે શોધખોળ આદરી હતી. રાત્રે અંધારું થઈ જતાં કામગીરી અટકી હતી, પરંતુ રવિવારે(16 ઓગસ્ટ) સવારે ફાયરની ટીમે કિશોરીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ચોમાસા દરમિયાન નદી કે દરિયા કિનારે જવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ હોવા છતાં બેદરકારી જીવલેણ સાબિત થઈ રહી છે.
આણંદ: ઉમેટા રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબતાં વડોદરાના બે બાળકોના મોત
આંકલાવ તાલુકાના ઉમેટા નજીક આવેલા 'કામધેનુ રિસોર્ટ' ખાતે વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી શનિ-રવિની રજાઓ માણવા આવેલા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. રિસોર્ટમાં રોકાયેલા પરિવારના બે નાના બાળકો રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં નહાવા પડ્યા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પરિવારે તાત્કાલિક બાળકોને બહાર કાઢી પોલીસની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.
રાજકોટ: તળાવમાં ડૂબી જતાં 4ના મોત
રાજકોટ નજીક વીડી વાળા પીરની દરગાહ પાસેના તળાવમાં ડૂબી જવાથી રોણકી ગામના એક જ પરિવારના ત્રણ બાળકો અને એક યુવાન સહિત ચાર લોકોના કરુણ મોત નિપજ્યા હતા. રોણકી ગામનો સોરા પરિવાર માસૂમ બાળક સોહાનના 10મા જન્મદિવસની ઉજવણી કરવા અને દર્શન કરવા દરગાહે ગયો હતો. આ દરમિયાન 5 વર્ષીય નાનો બાળક સેફુ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગતા તેને બચાવવા માટે તેનો ભાઈ સોહાન, અલીફા (ઉં.વ.10) અને સાહિલ (ઉં.વ. 18) પણ પાણીમાં કૂદી પડ્યા હતા.
જોકે, પાણીના ભારે પ્રવાહમાં ચારેય ડૂબી ગયા હતા. સ્થાનિકો અને કુવાડવા રોડ પોલીસે ચારેયને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પણ તબીબોએ મૃત જાહેર કર્યા હતા. પોતાના જન્મદિવસે જ સોહાને આખરી શ્વાસ લેતાં પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી.









