Rajkot

રાજકોટમાં હૃદયવિદારક ઘટના! તળાવમાં ડૂબતાં 5 વર્ષીય સેફુને બચાવવા જતાં બે સગા ભાઈ સહિત 4 લોકોના મોત, એકનો જન્મદિવસ હતો

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટ નજીક વીડી વાળા પીરની દરગાહ પાસેના તળાવમાં કરુણ દુર્ઘટના સર્જાઈ છે. રોણકી ગામના એક જ પરિવારના 3 બાળકો અને 1 યુવાન સહિત 4ના ડૂબી જવાથી મોત થયા છે. સોહાનના 10મા જન્મદિવસની ઉજવણી કરવા ગયેલા પરિવાર પર કાળનો પંજો ત્રાટક્યો હતો. 5 વર્ષનો સેફુ તળાવમાં ડૂબતા તેને બચાવવા અન્ય 3 પણ પડ્યા અને બધાના મોત થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં હૃદયવિદારક ઘટના! તળાવમાં ડૂબતાં 5 વર્ષીય સેફુને બચાવવા જતાં બે સગા ભાઈ સહિત 4 લોકોના મોત, એકનો જન્મદિવસ હતો
AI તસવીર

Rajkot Drowning Tragedy: રાજકોટ નજીક આવેલી વીડી વાળા પીરની દરગાહ પાસેના તળાવમાં સર્જાયેલી એક અત્યંત દુઃખદ દુર્ઘટનામાં રોણકી ગામના એક જ પરિવારના ત્રણ બાળકો અને એક યુવાન સહિત ચાર લોકોના ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યા છે. સોહાન નામના માસૂમ બાળકના જન્મદિનની ઉજવણી કરવા ગયેલા પરિવાર પર ક્ષણવારમાં જ કાળનો પંજો ત્રાટકતાં ભારે શોકની લાગણી છવાઈ છે.

5 વર્ષીય નાનો બાળક સેફુ તળાવમાં ડૂબવા લાગ્યો

મળતી માહિતી મુજબ, રોણકી ગામના સાજીદભાઈ સોરાનો પરિવાર પુત્ર સોહાનના 10મા જન્મદિવસે કુટુંબ સાથે બેડીથી હડમતીયા રોડ પર સ્થિત વીડી પીર દરગાહે દર્શન અને ભોજન માટે ગયો હતો. આ દરમિયાન 5 વર્ષીય નાનો બાળક સેફુ તળાવના પાણીમાં કોઈ કારણોસર ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો.

સેફુને બચાવવા બે કિશોર સહિત યુવાન પણ તળાવમાં પડ્યા

પોતાના નાના ભાઈને ડૂબતો જોઈને તેને ઉગારવા માટે અન્ય બે બાળકો અને 18 વર્ષનો યુવક સાહિલ પણ પાણીમાં કૂદી પડ્યા હતા. પરંતુ કમ નસીબે, એક સાથે ત્રણ લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહેલો યુવાન પાણીના ભારે પ્રવાહ અને વજન સામે ટકી શક્યો ન હતો. જોત જોતામાં ચારેય જણ તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.

તબીબોએ ચારેયને મૃત જાહેર કર્યા

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકોએ તાત્કાલિક તળાવમાં ઝંપલાવી ચારેયને બહાર કાઢ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી કુવાડવા રોડ પોલીસે તેમને તાત્કાલિક એકને સિવિલ અને ત્રણને ઝનાના હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ પરિસરમાં સ્વજનોના હૃદયવિદારક આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

બે સગા ભાઈનો જીવ ગયો!

પ્રાથમિક માહિતી મુજબ મૃતકોમાં સગા ભાઈઓ સોહન (10 વર્ષ) અને સેફુ (5 વર્ષ) ઉપરાંત સાહિલ (18 વર્ષ) તથા અલીફા (10 વર્ષ)નો સમાવેશ થાય છે. જે બાળકનો જન્મદિવસ હતો તે સોહાને જ પોતાના જન્મદિને આખરી શ્વાસ લેતાં સમગ્ર રોણકી અને બેડી ગામ સહિત પંથકમાં ઘેરા આઘાતની લાગણી છવાઈ ગઈ છે. હાલ કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.