Young SRP Trainee Dies After Chest Pain In Vadodara: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના વડોદરામાં બની છે, SRP ગ્રુપ-9માં તાલીમ લઈ રહેલા 27 વર્ષીય લોકરક્ષક જવાનનું છાતીમાં દુ:ખાવા બાદ મોત નીપજ્યું છે.
તાલીમ બાદ અચાનક તબિયત લથડી
મળતી માહિતી અનુસાર, રાજપીપળા નજીકના તિલકવાડાના રહેવાસી દીપકકુમાર બારીયા SRP ગ્રુપ-9માં ગત 15મી માર્ચથી લોકરક્ષક તરીકેની તાલીમ લઈ રહ્યા હતા. છેલ્લા ચાર અઠવાડિયાથી તે સઘન તાલીમમાં વ્યસ્ત હતા. સવારનું ટ્રેનિંગ સત્ર પૂરું થયા બાદ તે અન્ય સાથી જવાનો સાથે કપડાં બદલવા અને ફ્રેશ થવા ગયા હતા. આ દરમિયાન અચાનક તેને છાતીમાં તીવ્ર દુ:ખાવો ઉપડ્યો હતો.
સારવાર મળે તે પહેલા જ ઢળી પડ્યા
દીપકકુમારે છાતીમાં દુ:ખાવાની જાણ સાથી જવાનોને કરી હતી. સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક SRPની ડિસ્પેન્સરીમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરને બતાવવા માટે કેસ કઢાવી રહ્યા હતા, આ દરમિયાન તે અચાનક ઢળી પડ્યા હતા. હાજર ડોક્ટરોએ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી બોટલ ચડાવ્યા બાદ વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
હાર્ટ એટેકની આશંકા
પ્રાથમિક તબીબી તપાસમાં યુવાન જવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. માત્ર 27 વર્ષની ઉંમરે દેશસેવા માટે સજ્જ થઈ રહેલા આશાસ્પદ જવાનના નિધનને પગલે SRP કેમ્પસ સહિત તેમના વતન રાજપીપળામાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. સાથી જવાનોએ પણ પોતાના મિત્રને ગુમાવતા ઘેરો શોક વ્યક્ત કર્યો છે.


