Get The App

ચાંદખેડા ઢોસાકાંડઃ પોલીસે શરૂ કરી માતાની પૂછપરછ, બાળકીઓના મોતનો એફએસએલ રિપોર્ટ આજે આવશે!

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
ચાંદખેડા ઢોસાકાંડઃ પોલીસે શરૂ કરી માતાની પૂછપરછ, બાળકીઓના મોતનો એફએસએલ રિપોર્ટ આજે આવશે! 1 - image


Chandkheda Dosa Case Update: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરું લાવીને ઢોસા બનાવી ખાધા બાદ બે માસૂમ બાળકીઓના મોતના મામલે પોલીસ તપાસનો ધમધમાટ તેજ થયો છે. માતા-પિતા અને પરિવારના સભ્યોના નિવેદનોમાં જોવા મળતી વિસંગતતાઓને પગલે પોલીસે હવે વિમલ પ્રજાપતિ અને તેની પત્ની ભાવનાનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે આજે FSL રિપોર્ટ પણ આવી શકે છે. આ દરમિયાન માતાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવાઈ છે. 

FSL રિપોર્ટ પર સૌની નજર

મળતી માહિતી અનુસાર, સોમવાર (13મી એપ્રિલ) એફએસએલનો સત્તાવાર રિપોર્ટ આવવાની શક્યતા છે. પોલીસને આશા છે કે આ રિપોર્ટથી બાળકીઓના મોતના સચોટ કારણો અને શરીરમાં રહેલા ઝેરી તત્વો વિશે મહત્ત્વની કડી મળી શકે છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના પ્રાથમિક રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇટના અંશ મળી આવ્યા હતા. જેમાં હત્યા અને આપઘાતની તરફ પોલીસની તપાસ ચાલી રહી છે. 

ચાંદખેડા ઢોસાકાંડઃ પોલીસે શરૂ કરી માતાની પૂછપરછ, બાળકીઓના મોતનો એફએસએલ રિપોર્ટ આજે આવશે! 2 - image

ઘટનાના આઠ દિવસ બાદ પણ ચાંદખેડા પોલીસ કોઈ નક્કર પુરાવા સુધી પહોંચી શકી નથી. આ દરમિયાન આજે વિમલ પ્રજાપતિની પત્ની ભાવનાને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લવાઈ છે. અહી પીઆઈ, એક મહિલા અને અન્ય એક અધિકારી દ્વારા મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન મહિલા સાથે તેના બે સંબંધીઓ પણ હાજર છે.

આ પણ વાંચો: ભાજપમાં અસંતોષનો ચરુ ઉકળ્યો, નેતાઓ ડેમેજ કન્ટ્રોલ કરવા દોડ્યા, બંધબારણે બેઠકોનો દોર

50થી વધુ CCTV ફૂટેજની તપાસ

પિતા વિમલની શંકાસ્પદ ભૂમિકાને ચકાસવા માટે પોલીસે ઘટનાના પાંચ દિવસ પહેલાના તેના લોકેશન ટ્રેસ કર્યા છે. આ ઉપરાંત, વિસ્તારના આશરે 50થી વધુ સીસીટીવી (CCTV) ફૂટેજ પણ તપાસવામાં આવ્યા છે જેથી તેના હલનચલન વિશે માહિતી મળી શકે.

શું હતી સમગ્ર ઘટના?

ઉલ્લેખનીય છે કે, ચાંદખેડામાં રહેતા પ્રજાપતિ પરિવારે ખીરું લાવીને ઢોસા બનાવ્યા હતા, જે ખાધા બાદ બંને બાળકીઓ અને માતા-પિતાની તબિયત લથડી હતી. સારવાર દરમિયાન બંને બાળકીઓના કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે માતા-પિતાને પણ હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો હતો. હાલમાં એફએસએલ રિપોર્ટ અને લાઇ ડિટેક્ટર ટેસ્ટ બાદ જ આ કેસમાં કોઈ મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા છે.