Gandhinagar

ગાંધીનગરમાં શિક્ષકોનો હલ્લાબોલ: TET ફરજિયાત કરાતા રાજ્યભરમાંથી શિક્ષકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
શિક્ષકો માટે સુપ્રીમ કોર્ટના TET ફરજિયાત કરવાના ચુકાદાથી નારાજ ગુજરાતના હજારો શિક્ષકો આજે (11મી જુલાઈ) ગાંધીનગર ઉમટી પડ્યા હતા. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાંથી આવેલા શિક્ષકોએ સરકાર સામે જોરદાર દેખાવો કર્યા. 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ અને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની મુખ્ય માંગણીઓ હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરમાં શિક્ષકોનો હલ્લાબોલ: TET ફરજિયાત કરાતા રાજ્યભરમાંથી શિક્ષકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા

Gandhinagar Teachers Protest: શિક્ષકો માટે સુપ્રીમ કોર્ટના એક તાજેતરના મહત્ત્વના ચુકાદા બાદ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભારે નારાજગી અને આક્રોશ ફેલાયો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી(પ્રમોશન) મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ(TET) પાસ કરવી ફરજિયાત રહેશે. આ નિર્ણયના વિરોધમાં આજે(11મી જુલાઈ) રાજ્યમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા અને દેખાવો કરીને સરકાર સામે મોરચો માંડ્યો હતો.

રાજ્યમાંથી શિક્ષકો ગાંધીનગર ઉમટ્યા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં સ્થાનિક સ્તરે દેખાવો કર્યા બાદ આજે આ આંદોલને રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કર્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા હતા. શિક્ષકોએ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને પડતર માંગણીઓ તાત્કાલિક સ્વીકારવા દબાણ કર્યું હતું. ગાંધીનગરમાં શિક્ષકોની આટલી મોટી જનમેદનીને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

શિક્ષકોની મુખ્ય માંગણીઓ

આંદોલન કરી રહેલા શિક્ષક સંગઠનોએ સરકાર સમક્ષ પોતાની મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. જેમ કે, વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ અનુભવી શિક્ષકોને ફરજિયાત TET પરીક્ષા આપવાના નિયમમાંથી કાયમી મુક્તિ આપવામાં આવે. પહેલી એપ્રિલ 2005 બાદ ભરતી થયેલા તમામ શિક્ષકોને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ. ધોરણ 6થી 8માં ફરજ બજાવતા શિક્ષકોની કામગીરી અને જવાબદારીને ધ્યાને રાખીને તેમને અલગ તથા વધુ ગ્રેડ પે આપવામાં આવે. HTAT આચાર્યોને સોંપવામાં આવેલા અન્ય શાળાઓના વધારાના ચાર્જનો નિર્ણય સરકાર તાત્કાલિક પરત ખેંચે.

શિક્ષક મહાસંઘના આગેવાનોએ ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું હતું કે, 'સરકાર દ્વારા અમારી લાંબા સમયથી પડતર રહેલી આ ન્યાયિક માંગણીઓ અંગે જો કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આ લડતને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આગામી દિવસોમાં ગુજરાતના શિક્ષકો પોતાની માંગ બુલંદ કરવા માટે દિલ્હી જઈને રાષ્ટ્રીય સ્તરે આંદોલન કરશે.'