ઓપરેશન મિલાપ: ગુજરાત પોલીસે 10 દિવસમાં 500 ગુમ નાગરિકો શોધ્યા, વડોદરાની સગીરાનું કર્ણાટકથી હેમખેમ રેસ્કયૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Police Operation Milap: ગુજરાત પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકો અને નાગરિકોને શોધવા માટે ચલાવવામાં આવી રહેલું 'ઓપરેશન મિલાપ' અભૂતપૂર્વ સફળ રહ્યું છે. અગાઉના એક મહિનાના સફળ અભિયાન બાદ, તેને માત્ર 10 દિવસ માટે લંબાવવામાં આવ્યું હતું. આ ટૂંકા ગાળામાં પોલીસે રેકોર્ડબ્રેક કામગીરી કરીને વધુ 500 ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢીને તેમના પરિવારો સાથે મિલન કરાવ્યું છે.
ગુજરાત પોલીસે 10 દિવસમાં 500 ગુમ નાગરિકો શોધ્યા
સીઆઈડી ક્રાઈમ (વુમન સેલ)ના એડિશનલ ડીજીપી અજય ચૌધરીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, 12 જૂનથી 21 જૂન દરમિયાન ઓપરેશન મિલાપનો બીજો તબક્કો લંબાવવામાં આવ્યો હતો. આ 10 દિવસમાં જ પોલીસે 288 મહિલાઓ, 103 પુરુષો, 88 બાળકીઓ અને 21 છોકરાઓ સહિત કુલ 500 લોકોને સુરક્ષિત શોધી કાઢ્યા છે. આ અગાઉ 07 મે થી 05 જૂન સુધીના પ્રથમ તબક્કામાં પણ પોલીસે 1,478 નાગરિકોને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.
પૂજારી બનેલા અપહરણકારની ચુંગાલમાંથી વડોદરાની સગીરા મુક્ત
પોલીસની આ 10 દિવસની લંબાવેલી ઝુંબેશ દરમિયાન વડોદરા એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ને એક મોટી સફળતા મળી હતી. વડોદરાના છાણી વિસ્તારમાંથી ગત 18 ડિસેમ્બર, 2025થી ગુમ થયેલી 14 વર્ષની એક સગીરાને શોધવા માટે પોલીસે આશરે 1,200 કિલોમીટર દૂર કર્ણાટક સુધી ઓપરેશન હાથ ધર્યું હતું.
આ કેસનો આરોપી સુનિલકુમાર બારીયા સગીરાને ફોસલાવીને ભગાડી ગયો હતો. પકડાવવાની બીકે તેણે જયપુરમાં જઈને પૂજારીનો કોર્સ કર્યો, પોતાનું નામ બદલી નાખ્યું અને કર્ણાટકના શિવમોગાના એક જૈન મંદિરમાં પૂજારી તરીકે નોકરીએ લાગી ગયો હતો. ત્યાં તેણે આ સગીરાને પોતાની પત્ની હોવાની ખોટી ઓળખ આપીને ગોંધી રાખી હતી.
ગુજરાત પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ લોકેશન ટ્રેસ કર્યું હતું. કર્ણાટકમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે પણ વડોદરા AHTUની 5 સભ્યોની ટીમે જેમાં મહિલા પોલીસ અધિકારી પણ સામેલ હતા બે દિવસ સુધી મંદિર પર વોચ ગોઠવી હતી. આખરે ત્રીજા દિવસે વહેલી સવારે 4 વાગ્યે આરોપી મંદિરે આવતા જ તેને દબોચી લેવાયો હતો અને દીકરીને હેમખેમ મુક્ત કરાવી વડોદરા લાવી પરિવારને સોંપવામાં આવી હતી.









