Gandhinagar

રાજ્યની પ્રા. શાળાઓમાં આવતીકાલથી 2 દિવસ બાળકોનું 'મૂલ્યાંકન': બાલવાટિકાથી ધો. 5ના વિદ્યાર્થીઓ ભણવામાં કેવા છે તેની થશે ચકાસણી

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે NEP-2020 હેઠળ 'નિપુણ ગુજરાત અભિયાન' અંતર્ગત મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલથી રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાથી ધોરણ-5ના વિદ્યાર્થીઓ માટે રાજ્યવ્યાપી 'બેઝલાઇન સર્વે' યોજાશે. 4 ઓગસ્ટે ગુજરાતી અને 5 ઓગસ્ટે ગણિતનો સર્વે થશે. આ સર્વેનો હેતુ વિદ્યાર્થીઓની પાયાની સાક્ષરતા અને ગણનક્ષમતાનું મૂલ્યાંકન કરી ઉપચારાત્મક શિક્ષણ દ્વારા "નિપુણ બાળક" બનાવવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યની પ્રા. શાળાઓમાં આવતીકાલથી 2 દિવસ બાળકોનું 'મૂલ્યાંકન': બાલવાટિકાથી ધો. 5ના વિદ્યાર્થીઓ ભણવામાં કેવા છે તેની થશે ચકાસણી
AI તસવીર

Nipun Gujarat Abhiyan: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NEP-2020) ના અમલીકરણના ભાગરૂપે દેશવ્યાપી 'નિપુણ ભારત મિશન' અંતર્ગત ગુજરાતમાં ચાલી રહેલા 'નિપુણ ગુજરાત અભિયાન' હેઠળ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની તમામ સરકારી, અનુદાનિત (ગ્રાન્ટેડ) અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાથી ધોરણ-5 સુધીના વિદ્યાર્થીઓ માટે આવતીકાલથી રાજ્યવ્યાપી 'બેઝલાઇન સર્વે'નું આયોજન કરવામાં આવ્યું છે.

સર્વેનું ટાઇમટેબલ અને હેતુ

આ સર્વેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની પાયાની સાક્ષરતા (FLN) અને પાયાની ગણનક્ષમતાની વર્તમાન અધ્યયન સ્થિતિનું સચોટ મૂલ્યાંકન કરવાનો છે, જેથી સમગ્ર વર્ષ દરમિયાન જરૂરી શૈક્ષણિક આયોજન કરી શકાય. જેમાં આવતીકાલે 4 ઓગસ્ટે ગુજરાતી ભાષા વિષયનો બેઝલાઇન સર્વે કરાશે, જ્યારે 5 ઓગસ્ટે ગણિત વિષયનો બેઝલાઇન સર્વે હાથ ધરાશે.

પ્રગતિનું સતત ટ્રેકિંગ અને થર્ડ પાર્ટી એસેસમેન્ટ

બેઝલાઇન સર્વે પૂર્ણ થયા બાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની પ્રગતિ ચકાસવા માટે આગળ જતાં 'મિડલાઇન સર્વે' અને 'એન્ડલાઇન સર્વે' પણ યોજાશે. ત્રણેય સર્વેના પરિણામોના આધારે વિદ્યાર્થીઓની પ્રગતિનું રાજ્યકક્ષાના ઓનલાઈન પ્લેટફોર્મ પર ધોરણવાર તથા વિષયવાર ટ્રેકિંગ કરવામાં આવશે. મૂલ્યાંકનની ગુણવત્તા અને પારદર્શિતા જાળવવા માટે રાજ્યકક્ષાએથી પસંદ કરેલી શાળાઓમાં 'થર્ડ પાર્ટી એસેસમેન્ટ' હાથ ધરવામાં આવશે.

ઉપચારાત્મક શિક્ષણ દ્વારા "નિપુણ બાળક" બનાવવાનો લક્ષ્યાંક

સર્વેના પરિણામો બાદ જે વિદ્યાર્થીઓને વાંચન, લેખન કે ગણિતમાં સુધારાની જરૂર હશે, તેમને ખાસ ઉપચારાત્મક શિક્ષણ (Remedial Education) આપવામાં આવશે. આ માટે 'FLN ગુજરાતી શિક્ષક માર્ગદર્શિકા' મુજબ ખાસ શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરીને નિયમિત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, જેથી દરેક બાળક "નિપુણ બાળક" બની શકે.

ગેરહાજર વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા

જો કોઈ વિદ્યાર્થી સર્વેના દિવસે ગેરહાજર રહેશે, તો તે શાળામાં હાજર થયા બાદ તેનો સર્વે પૂર્ણ કરવાની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.

અધિકારીઓ દ્વારા સીધું મોનીટરીંગ

સમગ્ર શિક્ષા અને GCERTના માધ્યમથી રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના શિક્ષણ અધિકારીઓ તેમજ BRC અને CRC કો-ઓર્ડિનેટર્સ દ્વારા શાળાઓની પ્રત્યક્ષ મુલાકાત લઈને મોનીટરીંગ કરવામાં આવશે, જેથી સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રહે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ આચાર્યો, શિક્ષકો, વાલીઓ, SMCના સભ્યો અને શિક્ષણપ્રેમીઓને આ રાજ્યવ્યાપી અભિયાનમાં સક્રિય ભાગીદાર બની બાળકોના પાયાના શિક્ષણને મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી છે.