ગુજરાતમાં ખરીફ સિઝનનું 70 ટકા વાવેતર: તેલીબિયાં અને રોકડિયા પાકો તરફ ખેડૂતોનો વિશેષ ઝુકાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Kharif Crop Updates: ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન-2026 દરમિયાન સાર્વત્રિક વરસાદ બાદ વાવેતરની કામગીરીએ ઝડપ પકડી છે. કૃષિ વિભાગના આંકડા મુજબ, રાજ્યના અત્યાર સુધીમાં 59.26 લાખ હેક્ટર એટલે કે આશરે 70 ટકા જેટલાં વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. જેમાં કપાસ અને મગફળીનું કુલ વાવેતરમાં 63 ટકાથી વધુ યોગદાન છે. રાજ્યમાં કપાસનું સૌથી વધુ 20 લાખ હેક્ટરમાં અને ત્યારબાદ બીજા ક્રમે મગફળીનું 17.50 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે. જેના પરથી અંદાજ લગાવી શકાય કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેડૂતોનો તેલીબિયાં અને રોકડિયા પાકો તરફ ઝુકાવ વધારે જોવા મળ્યો છે.
ગુજરાતમાં ખરીફ સિઝનનું 70 ટકા વાવેતર
ચાલુ ખરીફ સિઝનમાં સોયાબીનના વાવેતરમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યમાં સોયાબીનના સામાન્ય વાવેતર વિસ્તારની સામે અત્યાર સુધીમાં 99 ટકા એટલે કે 2.79 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જ્યારે સોયાબીન બાદ સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ મગફળીનું 91 ટકા, મકાઈનું 90 ટકા, અડદનું 86 ટકા અને કપાસનું 84 ટકા વાવેતર થઈ ચૂક્યું છે.
તેલીબિયાં અને રોકડિયા પાકો તરફ ખેડૂતોનો વિશેષ ઝુકાવ
રાજ્યમાં કઠોળ પાકોના વાવેતરમાં નોંધપાત્ર સુધારો વર્તાઈ રહ્યો છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કઠોળ પાકોનું વાવેતર 2.52 લાખ હેક્ટર હતું, જે ચાલુ વર્ષે વધીને 2.85 લાખ હેક્ટર થયું છે. કઠોળ પાકોમાં મુખ્યત્ત્વે તુવેરનું 1.94 લાખ હેક્ટર અને અડદનું 70,772 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. આ ઉપરાંત, મગનું વાવેતર હાલમાં માત્ર 11,900 હેક્ટરમાં નોંધાયું છે.
રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ 8.39 લાખ હેક્ટર વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં 4.63 લાખ હેક્ટર વાવેતર સાથે ડાંગર મોખરે અને 2.54 લાખ હેક્ટર વાવેતર સાથે મકાઈ દ્વિતીય ક્રમે છે. રોપણી આધારિત પાક હોવાથી આગામી દિવસોમાં ડાંગરના વાવેતરમાં હજુ પણ મોટો વધારો થવાની સંભાવના છે. જ્યારે જુવારનું ચાલુ વર્ષે 10,301 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન અડધા કરતાં પણ ઓછું એટલે કે 4,319 હેક્ટર હતું.
આ પણ વાંચો: પંચમહાલમાં પાવાગઢ રોપ-વે 5 દિવસ બંધ રહેશે, યાત્રાળુઓએ પગથિયાં ચઢી માતાના દર્શન કરવા પડશે
આ ઉપરાંત, રાજ્યમાં દિવેલા (એરંડા)નું વાવેતર હાલ 52,655 હેક્ટર અને તલનું વાવેતર 7,597 હેક્ટર થયું છે. દિવેલા એ મુખ્યત્ત્વે ઓગસ્ટ મહિના દરમિયાન વાવવામાં આવતો પાક હોવાથી આગામી બે અઠવાડિયામાં તેના વિસ્તારમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.
અન્ય પાકોમાં રાજ્યમાં ચાલુ વર્ષે ઘાસચારાનું 5.21 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તદુપરાંત, શાકભાજીનું 1.71 લાખ હેક્ટરમાં અને બાજરાનું 1.06 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે.









