નશાના વ્યસનથી પીડાતા લોકોને મળશે રાહત: ગુજરાતના દરેક જિલ્લાની હૉસ્પિટલમાં શરૂ કરાશે ડી-એડિક્શન સેન્ટર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Government De-Addiction Centers: રાજ્યમાં નશા-મુક્તિની લડતને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ 34 જિલ્લા હૉસ્પિટલોમાં 15 બેડની ક્ષમતા ધરાવતા ડી-એડિક્શન સેન્ટરો(નશામુક્તિ કેન્દ્રો) શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 14.90 કરોડના ખર્ચને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે.
ગુજરાતના દરેક જિલ્લાની હૉસ્પિટલમાં શરૂ કરાશે ડી-એડિક્શન સેન્ટર
અત્યાર સુધી નશાના વ્યસનથી પીડાતા લોકોને વિશેષ સારવાર કે કાઉન્સેલિંગ માટે મોટા શહેરો પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ હવે તેમને પોતાના જ જિલ્લામાં સારવાર, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવાઓ અને પુનર્વસનની સુવિધા સરળતાથી મળી રહેશે.
એક જ છત નીચે મળશે સર્વગ્રાહી સારવાર
દરેક જિલ્લા હૉસ્પિટલ ખાતે શરૂ થનારા આ ડી-એડિક્શન સેન્ટરમાં દર્દીઓને નશાની લતમાંથી મુક્ત કરવા માટે તમામ આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે.
સર્વગ્રાહી સુવિધાઓ: કેન્દ્રોમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ડિટોક્સ સારવાર, ડી-એડિક્શન થેરાપી, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવા, પરિવાર પરામર્શ અને પુનર્વસન જેવી સેવાઓ ઉપલબ્ધ કરાશે.
IPD અને OPD સેવાઓ: દર્દીઓ માટે ઇન-પેશન્ટ (IPD) એટલે કે દાખલ થઈને સારવાર લેવાની અને આઉટ-પેશન્ટ (OPD) બંને પ્રકારની સેવાઓ શરૂ થશે.
નિષ્ણાત સ્ટાફની તૈનાતી: દરેક સેન્ટરમાં તબીબો, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર, મનોવિજ્ઞાનીઓ અને પ્રશિક્ષિત કર્મચારીઓની ટીમ તૈનાત રહેશે, જેથી દર્દીને એક જ સ્થળે તમામ સારવાર મળી રહે.
પારદર્શિતા અને ગુણવત્તા પર વિશેષ ભાર
- નશો માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ આખા પરિવાર અને સમાજને અસર કરે છે. આથી, દર્દીને વ્યસનમુક્ત કરવાની સાથે તે સમાજમાં પુનઃ સ્વાભિમાની જીવન જીવી શકે તેવો પ્રયાસ કરાશે.
- આ યોજનાના અમલીકરણમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે જરૂરી સાધન-સામગ્રીની ખરીદી GeM (Government e-Marketplace) પોર્ટલ મારફતે કરવામાં આવશે. આ ઉપરાંત, કામગીરીનું નિયમિત મોનિટરિંગ, સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ હાથ ધરવામાં આવશે.
- છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સરકારે નશાના ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહી કરવાની સાથે વ્યસનપીડિતોના પુનર્વસન પર ભાર મૂક્યો છે. જિલ્લા સ્તરે શરૂ થનારા આ સેન્ટરોથી દર્દીઓના પરિવાર પરથી આર્થિક અને માનસિક બોજ ઘટશે અને વ્યસનમુક્ત સમાજના નિર્માણને વેગ મળશે.









