ગાંધીનગર: વિનાયક સરલ કોટિયાર્ડ સોસાયટીમાં વિદ્યાર્થીએ 11મા માળેથી કૂદીને આપઘાત કર્યો, કારણ અકબંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar News: ગાંધીનગરના રાયસણ સ્થિત PDEU યુનિવર્સિટી નજીક આવેલી વિનાયક સરલ કોટિયાર્ડ સોસાયટીમાં મોડી રાત્રે આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને આણંદ ખાતે B.Tech નો અભ્યાસ કરતા 19 વર્ષીય યુવક દેવર્ષ અજય દીક્ષિતે રહસ્યમય સંજોગોમાં 11મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે ઇન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મિત્ર સાથે વાત કર્યા બાદ પગલું ભર્યું
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક દેવર્ષના પિતાનો વિનાયક સરલ કોટિયાર્ડ સોસાયટીના 11મા માળે એક ફ્લેટ આવેલો છે, જે હાલમાં ભાડે આપેલો છે. રવિવારે (બીજી ઓગસ્ટ) દેવર્ષ પોતાના મામા સાથે કોઈ કામ અર્થે વડોદરા ગયો હતો. મોડી સાંજે વડોદરાથી પરત ફરી મામાને ઘોડાસર ઉતાર્યા બાદ તે પોતાના ઘરે જવા માટે નીકળ્યો હતો. જો કે, દેવર્ષ પોતાના ઘરે પહોંચવાને બદલે સીધો ગાંધીનગર ખાતે આવેલા પિતાના ફ્લેટ પર આવી પહોંચ્યો હતો. તે સમયે ભાડુઆત નોકરી પર હોવાથી ફ્લેટ બંધ હતો.
ફ્લેટ નજીક આવ્યા બાદ મોડી રાત્રે દેવર્ષે પોતાના રોનિત નામના મિત્ર સાથે સેલફોન પર લાંબી વાતચીત કરી હતી. વાતચીત પૂર્ણ થયા બાદ તેણે પોતાનો ફોન પાળી પર મૂકી દીધો હતો અને 11મા માળેથી નીચે ઝંપલાવ્યું હતું.
અચાનક મોટો અવાજ આવતાં સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ્સ અને રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર ઈજાઓને કારણે દેવર્ષનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ઇન્ફોસિટી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, યુવકના આ પગલાં પાછળનું ચોક્કસ કારણ હજી સુધી અસ્પષ્ટ છે.
પોલીસના જણાવ્યાનુસાર, બનાવ રાત્રિના સમયે બન્યો હોવાથી સોસાયટીમાં વિગતે પૂછપરછ અને પરિવારજનોની અંતિમ ક્રિયાઓ પૂર્ણ થયા બાદ તેમનાં નિવેદન નોંધવાની કામગીરી બાકી છે. હાલ મૃતકના મામાની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.









