ગાંધીનગર: સાબરમતીના સંત સરોવર ડેમમાં પાણીની આવક વધતાં 10 ગેટ ખોલાયા, નીચાણવાળા 21 ગામોને એલર્ટ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar Sant Sarovar Dam 10 Gates Opened: ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી રાજ્યના જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ગાંધીનગરની જીવાદોરી સમાન સાબરમતી નદી પર આવેલા સંત સરોવરમાં પાણીની આવક યથાવત રહેતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, ત્યારે સંત સરોવરમાં 1380 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમની જળસપાટીને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક ધોરણે ડેમના 10 જેટલાં ગેટ ખોલી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં પાણીની સપાટી જાળવણી માટે જ 1380 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
સાબરમતીના સંત સરોવરમાં પાણીની આવક વધતા 10 ગેટ ખોલાયા
હાલમાં સંત સરોવરની પાણીની સપાટી 50.70 મીટર પર પહોંચી ગઈ છે. જો ઉપરવાસમાં વરસાદનું જોર વધશે, તો પાણીની આવકમાં હજુ પણ મોટો વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. આ ઉપરાંત, સંત સરોવરમાંથી પાણી છોડાતા નદીના પટમાં પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે ગાંધીનગર જિલ્લાના નીચાણવાળા 21 ગામોને વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને નદીના પટમાં ન ઉતરવા અને પશુઓને પણ નદી કિનારે ન લઈ જવા સખત સૂચના આપવામાં આવી છે. ગ્રામ પંચાયતોને પણ સાવધ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સોમવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે! રવિવારે 8 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
તેમજ કોઈપણ અઘટિત ઘટનાને રોકવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વરસાદી માહોલને જોતા તંત્ર દ્વારા 24 કલાક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. વરસાદી મોસમમાં નદીની સપાટીમાં થતાં સતત ફેરફારને જોતા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સરકારી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.












