કરોડોનું ગાંધીનગર રેલવે સ્ટેશન બદહાલ: 5-સ્ટાર હોટલના પૂલનું લીકેજ અને દુર્ગંધ વચ્ચે મુસાફરોની વિજિલન્સ તપાસની માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar Capital Railway Station Swimming Pool Water Leakage: ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન દેશનું કદાચ એવું પ્રથમ અદ્યતન સ્ટેશન છે, જેને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે રિડેવલપ કરવામાં આવ્યું હતું. આ વર્લ્ડ ક્લાસ સ્ટેશનની બરાબર ઉપર 5-સ્ટાર હોટલ બનાવવામાં આવી છે. વર્ષ 2021માં, એટલે કે માત્ર 4 વર્ષ પહેલાં જ આ આખું સ્ટેશન અને અન્ય તમામ બાંધકામ અદ્યતન સ્વરૂપે નવું તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ આટલા ટૂંકા ગાળામાં જ બિલ્ડિંગમાંથી પાણી ટપકવાની ગંભીર સમસ્યા સામે આવતાં બાંધકામ અત્યંત નબળી ગુણવત્તાનું હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. સ્ટેશન પર સર્જાયેલી આ બદહાલી, ગંદકી અને કથિત ભ્રષ્ટાચારને લઈને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરાઈ છે.
સ્વિમિંગ પૂલમાંથી 4 મહિનાથી સતત પાણી લીકેજ: ગંદકી અને કાદવથી મુસાફરો પરેશાન
પ્લેટફોર્મ નંબર 1 પરથી 2 અને 3 પર જવા માટે જે લિફ્ટ તરફ જતો માર્ગ છે, જ્યાંથી ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મુસાફરો પસાર થાય છે, તેની બરાબર ઉપર 5-સ્ટાર હોટલનો સ્વિમિંગ પૂલ આવેલો છે. છેલ્લા 4 મહિનાથી પણ વધુ સમયથી આ સ્વિમિંગ પૂલમાંથી સતત પાણીનું લીકેજ થઈ રહ્યું છે. સતત પાણી પડવાના કારણે ફ્લોરિંગ પર પાણી ભરાયેલું રહે છે અને કાદવ તેમજ અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. એક તરફ રેલવે દ્વારા 'સ્વચ્છતા અભિયાન' અને 'સ્વચ્છતા પખવાડા' ચલાવવામાં આવે છે, ત્યારે સ્ટેશનની આવી સ્થિતિને લીધે રેલવે બોર્ડના આદેશો અને પરિપત્રો કાગળ પર જ રહી ગયા હોય તેવું જણાય છે.
ટિકિટ બારી પાસે 20થી વધુ પંખાઓ મહિનાઓથી બંધ
સ્ટેશન પરિસરના કોંકોર્સ એરિયામાં ટિકિટ બારી પાસે મુસાફરોના બેસવાના સ્થળે 20થી વધુ પંખાઓ લગાવવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી અડધાથી વધુ પંખાઓ ઘણા મહિનાઓથી સાવ બંધ હાલતમાં છે. લોકોના આક્ષેપ અનુસાર, કોન્ટ્રાક્ટર દ્વારા વીજળીના વાયરોનું ફિટિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી અને સમગ્ર વાયરિંગમાં ગંભીર ગરબડ છે. ઇલેક્ટ્રિકલ વિભાગ, ઉચ્ચ અધિકારીઓની દેખરેખ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન છતાં આવી સ્થિતિ સર્જાતા કામગીરીની ગુણવત્તા સામે મોટા સવાલો ઉભા થયા છે.
ઉચ્ચ સ્તરીય તપાસ અને કાર્યવાહીની માંગણીઓ
આ સમગ્ર મામલે પુરાવારૂપ વીડિયો સાથે વિજિલન્સ વિભાગને પત્ર પાઠવી કડક માંગણીઓ કરવામાં આવી છે.
- વિજિલન્સ તપાસ: આ સમગ્ર કામગીરી કયા કોન્ટ્રાક્ટર દ્વારા અને કયા અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી તેની તાત્કાલિક વિજિલન્સ તપાસ કરાવવામાં આવે.
- નુકસાનીની વસૂલાત: છેલ્લા 4 મહિનાથી થઈ રહેલા વોટર લીકેજ અને બંધ પંખાઓના કારણે જે નુકસાન થયું છે, તેની રકમ જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ પાસેથી વસૂલવામાં આવે.
- 15 દિવસમાં સ્થળ તપાસ: આ પ્રોજેક્ટની છબી ખરડાતી અટકાવવા 15 દિવસની અંદર સ્થળ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે.




