ગાંધીનગર: અમદાવાદના માતા-પુત્રીએ અંબાપુરની નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, પુત્રીનું નીપજ્યું મોત, માતા સારવાર હેઠળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar News: ગાંધીનગર પાસે આવેલી અંબાપુર નર્મદા કેનાલમાં ગુરુવારે(27 ઓગસ્ટ) અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા માતા-પુત્રીએ અગમ્ય કારણોસર આપઘાત કરવા માટે ઝંપલાવ્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચીને ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર વિભાગના જવાનોએ બંનેને બહાર કાઢ્યા બાદ તાત્કાલિક CPR આપતા માતાનો જીવ બચાવી લેવામાં સફળતા મળી છે, જ્યારે પુત્રીનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
અંબાપુર નર્મદા કેનાલમાં અમદાવાદના માતા-પુત્રીએ ઝંપલાવ્યું
ફાયર વિભાગથી પ્રાપ્ત વિગતો અનુસાર, સવારે 10.59 વાગ્યે ગાંધીનગર ફાયર કંટ્રોલ રૂમમાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ દ્વારા ઇમરજન્સી કોલ કરવામાં આવ્યો હતો કે અંબાપુર નર્મદા કેનાલમાં બે વ્યક્તિઓએ ઝંપલાવ્યું છે. કોલ મળતાની સાથે જ માત્ર બે મિનિટમાં સરગાસણ ફાયર સ્ટેશનથી રેસ્ક્યૂની ટીમ રવાના થઈ હતી. આ ટીમમાં 01 અધિકારી, 01 ડ્રાઈવર, 04 ફાયરમેન અને 02 તાલીમાર્થીઓ અત્યાધુનિક રેસ્ક્યૂ સાધનો સાથે ફાયરના વાહનમાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ફાયર બ્રિગેડે CPR આપી માતાનો જીવ બચાવ્યો
ફાયર બ્રિગેડના જવાનોએ કેનાલમાં તાત્કાલિક શોધખોળ શરૂ કરી માતા અને પુત્રી બંનેને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. સ્થળ પર જ ફાયરની ટીમ દ્વારા સમયસૂચકતા વાપરીને માતા અને પુત્રી બંનેને તાત્કાલિક CPR આપ્યું હતું. ફાયર જવાનોની આ સઘન મહેનત અને તાત્કાલિક સારવારથી માતાને શ્વાસ પરત આવતા તેઓ બચી ગયા હતા. જો કે, કમનસીબે પુત્રીને સીપીઆર આપવા છતાં તેનો જીવ બચાવી શકાયો ન હતો.
પ્રાથમિક તપાસમાં બચાવી લેવાયેલા મહિલાનું નામ મંજુબહેન વિજયભાઈ પટણી અને મૃતક પુત્રીનું નામ રોશનીબહેન વિજયભાઈ પટણી હોવાનું સામે આવ્યું છે. આ બંને પીડિતો અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી ચમનપુરા, મામુ પઠાણની ચાલીના રહેવાસી છે.
ફાયર વિભાગ દ્વારા બંને માતા-પુત્રીને કેનાલમાંથી બહાર કાઢ્યા બાદ આગળની કાર્યવાહી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મૃતક પુત્રીના મૃતદેહને પોલીસની PCR વાનમાં અને જીવિત બચાવી લેવાયેલા માતા મંજુબહેનને પોલીસના પર્સનલ વાહનમાં અડાલજ PHC સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. માતા-પુત્રીના આપઘાત મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




