Gandhinagar

શહેરોમાં 12 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા બંગલા હવે 'એપાર્ટમેન્ટ' ગણાઈ શકે, શહેરી વિકાસ વિભાગે પ્રસ્તાવ કરી સૂચનો મંગાવ્યા

By GS Team
5 Aug 20263 mins read
TukuTouch Logo
રાજ્ય સરકારે CGDCR માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. 28 જુલાઈ, 2026ના નોટિફિકેશન મુજબ, હવે 12 મીટરથી વધુ ઊંચાઈના રહેણાંક બાંધકામોને એપાર્ટમેન્ટ ગણીને તેના નિયમો લાગુ પડશે. આનાથી બંગલાના નામે ફ્લેટ બનાવી વેચવા પર રોક લાગશે. અમદાવાદ સહિતના શહેરોમાં બંગલા માટે 3 માળ અને 12 મીટરની ઊંચાઈ મર્યાદા નક્કી કરાઈ છે, જેથી સ્પષ્ટતા વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શહેરોમાં 12 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા બંગલા હવે 'એપાર્ટમેન્ટ' ગણાઈ શકે, શહેરી વિકાસ વિભાગે પ્રસ્તાવ કરી સૂચનો મંગાવ્યા
AI તસવીર

Gujarat CGDCR Amendment 2026: રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા 28 જુલાઈ, 2026ના રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ 'કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ' (CGDCR) માં સુધારા કરવાનો પ્રસ્તાવ મૂકીને નાગરિકો પાસેથી વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા છે. સૂચિત પ્રસ્તાવિત સુધારા હેઠળ જો રહેણાંક બાંધકામ 12 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતું હશે, તો તેના પર એપાર્ટમેન્ટ બાંધકામના નિયમો લાગુ પડી શકે છે.

12 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી સિંગલ રેસિડેન્સ હવે એપાર્ટમેન્ટમાં મુકાઇ શકે

પ્રથમ વખત, CGDCRમાં બંગલાના બાંધકામ માટેની ઊંચાઈની મર્યાદા સ્પષ્ટ અને નિશ્ચિત કરવામાં આવી છે. અમદાવાદ શહેર સહિતના શહેરી વિસ્તારોમાં 12 મીટર સુધીની ઊંચાઈ અને 3 માળ સુધીના રહેણાંક બાંધકામને જ હવે 'બંગલો' તરીકે વર્ગીકૃત કરવામાં આવી શકે. જો રહેણાંક બાંધકામ 12 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતું હશે, તો તેના પર એપાર્ટમેન્ટ બાંધકામના નિયમો લાગુ પાડવાની તૈયારી છે. આવી પરિસ્થિતિમાં બંગલાના બદલે એપાર્ટમેન્ટ પ્રકારનું માળખું ગણીને નિયમ મુજબ ફરજિયાત ખુલ્લી જગ્યા (માર્જિન) છોડવી પડશે.

બંગલાના નામે ફ્લેટ બનાવીને વેચવાની પ્રવૃત્તિ પર લાગશે રોક

આ વિકાસ સાથે સંકળાયેલા ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે 2017માં CGDCR અમલમાં મૂક્યું હતું, પરંતુ તેમાં રહેણાંક બંગલાની ઊંચાઈ અંગે સ્પષ્ટતાનો અભાવ હતો. શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં જમીનના ભાવ ખૂબ વધી ગયા છે અને રહેણાંક વિકાસ ઝડપથી વિસ્તરી રહ્યો છે. છતાં, હાલના CGDCR માં બંગલાની ઊંચાઈ અંગે કોઈ ચોક્કસ જોગવાઈ ન હતી.' કેટલાક કિસ્સાઓમાં, બંગલાના નામે 4 કે 5 માળની રહેણાંક ઈમારતોના પ્લાન મંજૂર કરાવી લેવામાં આવતા હતા અને B.U. પરમિશન (વપરાશની મંજૂરી) મળ્યા બાદ તેને ફ્લેટ તરીકે વેચવામાં આવતા હતા. બંગલાના નામે મંજૂરી મેળવીને બાદમાં તેને એપાર્ટમેન્ટ તરીકે વેચવાના આવા કિસ્સાઓને અટકાવવા માટે CGDCR માં આ સુધારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.'

12 મીટરથી વધુ ઊંચાઈ માટે DW3 કેટેગરીના નિયમોનું પાલન કરવું પડશે

અધિકારીએ વધુમાં ઉમેર્યું કે- "પ્રસ્તાવિત સુધારા હેઠળ, માત્ર 12 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા રહેણાંક બાંધકામોને જ બંગલા તરીકે વિકાસની મંજૂરી આપવામાં આવશે. જો 12 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા રહેણાંક માળખાના પ્લાન સબમિટ કરવામાં આવશે, તો એપાર્ટમેન્ટના નિયમો લાગુ થશે અને DW3 કેટેગરીના બાંધકામ નિયમોનું પાલન કરવું પડશે." આથી, જો કોઈ જમીનમાલિક કે પ્લોટધારક બંગલાના પ્લાન મંજૂરી માટે રજૂ કરશે, તો તેમને 12 મીટરથી વધુ ઊંચાઈની મંજૂરી મળશે નહીં. શહેરી વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, DW3 કેટેગરીમાં નિર્ધારિત ઊંચાઈના આધારે બાંધકામમાં યોગ્ય સીડી (Staircase) રાખવી, માર્જિનની જગ્યા છોડવી અને ફાયર NOC મેળવવું ફરજિયાત રહેશે.

બંગલામાં 50 ચોરસ મીટર સુધી વ્યાવસાયિક ઓફિસ ખોલવાની છૂટ

12 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા રહેણાંક બંગલાના બાંધકામમાં ડોકટરો, વકીલો, આર્કિટેક્ટ્સ, એન્જિનિયરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CAs) જેવા વ્યાવસાયિકોને તેમના વ્યાવસાયિક કામકાજ (ઓફિસ) માટે 50 ચોરસ મીટર સુધીના બિલ્ટ-અપ વિસ્તારનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી શકે.