Get The App

નેપાળના પીઢ અભિનેતા સુનીલ થાપાનું નિધન, બોલિવૂડમાં દેવ આનંદે આપ્યો હતો બ્રેક

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
નેપાળના પીઢ અભિનેતા સુનીલ થાપાનું નિધન, બોલિવૂડમાં દેવ આનંદે આપ્યો હતો બ્રેક 1 - image


Sunil Thapa Died : નેપાળી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સુનીલ થાપાનું 68 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે. નેપાળી ફિલ્મોમાં 'રાતે કાઈલા' તરીકે જાણીતા આ કલાકારે પોતાની અભિનય ક્ષમતાથી હિન્દી, નેપાળી અને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઊંડી છાપ છોડી છે.

દેવ આનંદે આપ્યો હતો બ્રેક, અમિતાભ બચ્ચન વાળો રોલ મળ્યો

સુનીલ થાપાની ફિલ્મી સફર અત્યંત રસપ્રદ રહી છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દેવ આનંદે તેમને હિન્દી સિનેમામાં કામ કરવાની તક આપી હતી. તેમની ડેબ્યૂ ફિલ્મ 'એક દુજે કે લિયે' માં કમલ હાસન અને રતિ અગ્નિહોત્રી જેવા કલાકારો હોવા છતાં તેમણે પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વર્ષ 2014માં આવેલી 'મેરી કોમ' ફિલ્મ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. એક ઈન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે 'મેરી કોમ'માં ટ્રેનરનો જે રોલ તેમણે ભજવ્યો હતો, તે પહેલા અમિતાભ બચ્ચન અને ડેનીને ઓફર કરવામાં આવ્યો હતો. આ રોલ માટે તેમને ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.

નેપાળી સિનેમાના 'ગબ્બર' અને રિયલ લાઈફ મેન્ટર

નેપાળી સિનેમામાં સુનીલ થાપાનું કદ ઘણું મોટું હતું. 1989માં આવેલી ફિલ્મ 'ચિનો' ને નેપાળી સિનેમાની 'શોલે' કહેવામાં આવે છે અને તેમાં સુનીલ થાપાએ ભજવેલું 'રાતે કાઈલા'નું પાત્ર એટલું ખતરનાક હતું કે લોકો તેમને 'ગબ્બર' સાથે સરખાવવા લાગ્યા હતા. અભિનયની સાથે તેઓ નવી પેઢીને તૈયાર કરવામાં પણ માનતા હતા. તેઓ કાઠમાંડુમાં પોતાની 'એવરેસ્ટ ફિલ્મ એકેડમી' ચલાવતા હતા, જ્યાં તેઓ યુવા કલાકારોને માત્ર એક્ટિંગ જ નહીં પણ શિસ્ત અને સમયની કદર કરતા પણ શીખવતા હતા.

ફેન્સમાં શોકની લહેર

સુનીલ થાપાના નિધનના સમાચારથી નેપાળ અને ભારતના ફિલ્મી ચાહકોમાં ગમગીની છવાઈ ગઈ છે. હાલમાં તેમના પરિવારના સભ્યો કાઠમાંડુ પહોંચ્યા બાદ સત્તાવાર અંતિમ સંસ્કારની વિગતો જાહેર કરવામાં આવશે.