Celebs on Sanchita Sucide: મનોરંજન જગતમાંથી ફરી એકવાર અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જાણીતી ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ 14 જૂનના રોજ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું છે. આશાસ્પદ અભિનેત્રીના આવા આકસ્મિક વિદાયથી સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે. સંચિતાના અવસાનથી તેની ખાસ મિત્ર અને સહ-કલાકાર જ્યોત્સના ચંદોલા ભારે આઘાતમાં સરી પડી છે, જ્યારે અન્ય અભિનેત્રી આંચલ ખુરાનાએ ઇન્ડસ્ટ્રીના ગ્લેમર પાછળ છુપાયેલા ભયાનક અને કાળા સચ્ચાઈનો પર્દાફાશ કરીને સનસનાટી મચાવી દીધી છે.
'કેમેરા પાછળ તૂટી જઈએ છીએ, કોઈને આપણો થાક નથી દેખાતો'
અભિનેત્રી આંચલ ખુરાનાએ સોશિયલ મીડિયા પર પોતાની પીડા ઠાલવતા એક લાંબી પોસ્ટ શેર કરી છે. આંચલે લખ્યું કે, "હોઈ શકે છે કે મારી આ વાતોથી ચેનલ અને પ્રોડ્યુસર્સ નારાજ થઈ જાય, પરંતુ જે સત્ય છે તે આ જ છે. કેમેરાની સામે ભલે હું હસતી જોવા મળું, પણ અંદર એક ભયંકર તોફાન ચાલતું હોય છે. દરરોજ અમે એક નવા ઓડિશન અને સપનાને સાકાર કરવાની આશા સાથે જાગીએ છીએ. અમારો આ અવિરત થાક કોઈને દેખાતો નથી. ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવાનું દબાણ અને લોકો દ્વારા ભૂલી જવાનો ડર એટલો બધો હોય છે કે તે માનસિક રીતે તોડી નાખે છે. બંધ દરવાજા પાછળ અમે અંદરથી કેટલા ભાંગી પડ્યા છીએ, તે બહારની દુનિયા ક્યારેય જોઈ શકતી નથી."
'30 વર્ષની સંચિતાએ આત્મહત્યા કરી લીધી, અહીં સ્વાર્થ સિવાય કંઈ નથી'
આંચલે ગ્લેમર વર્લ્ડના પ્રોડ્યુસર્સ અને ચેનલોની માનસિકતા પર આકરા પ્રહારો કરતા ઉમેર્યું કે, "બીજા એક કલાકારે આપઘાત કરી લીધો. માત્ર 30 વર્ષની સંચિતા હવે આ દુનિયામાં નથી. ટીવી ચેનલોને માત્ર ટીઆરપી જોઈએ છે, પ્રોડ્યુસર્સને પોતાનું બજેટ બચાવવું છે અને દર્શકોને મનોરંજન જોઈએ છે. પરંતુ શું કોઈએ ક્યારેય એ વિચાર્યું છે કે એક કલાકાર કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય છે? અહીં નાની અમથી વાતમાં કહી દેવાય છે - રિપ્લેસમેન્ટ! જો તમે કોઈની સાથે સૂવા તૈયાર નહીં થાઓ, તો તમારું રિપ્લેસમેન્ટ થઈ જશે. જો તમે તમારી આત્મગૌરવ બચાવવા કોઈની સાથે દલીલ કરશો, તો પણ તમને રિપ્લેસ કરી દેવાશે."
તેણે વધુમાં જણાવ્યું કે, "બધા કહે છે કે મજબૂત બનો, પણ કોઈ એ નથી કહેતું કે ક્યાં સુધી અને કેટલી વાર મજબૂત બનવું? જ્યાં સુધી ચેનલ અને પ્રોડ્યુસર્સનો સવાલ છે, તેઓ સૌથી ખરાબ માનસિકતા ધરાવે છે. તેમને નફા સિવાય કંઈ દેખાતું નથી. મારી સાથે પણ આવું બન્યું છે. તેઓ તમને માત્ર 1 હજાર રૂપિયા માટે પણ રિજેક્ટ કરી શકે છે. હાલમાં હું દિલ્હીમાં મારા માતા-પિતા સાથે છું. હું પણ ભયંકર માનસિક પ્રેશરમાં હતી. એકલતામાં આ ડિપ્રેશન માણસને જીવતેજીવ ખાઈ જાય છે. મારી દરેકને નમ્ર અપીલ છે કે પ્લીઝ, ગમે તેવી સ્થિતિમાં તમારા પરિવારની નજીક રહો."
સંચિતાને યાદ કરીને ચોધાર આંસુએ રડી પડી જ્યોત્સના ચંદોલા
બીજી તરફ, સંચિતાની ગાઢ મિત્ર અને અભિનેત્રી જ્યોત્સના ચંદોલાએ રડતા-રડતા એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં જ્યોત્સના અત્યંત ભાવુક દેખાઈ રહી છે. તેણે જણાવ્યું કે, "સંચિતા મારી માત્ર કો-એક્ટર નહીં પણ એક સારી મિત્ર હતી, જેને હું વારંવાર ઘણી બાબતો સમજાવતી હતી. તેણે આવું કેમ કર્યું, કઈ પરિસ્થિતિમાં કર્યું, તે વિશે મારે કંઈ બોલવું નથી અને હું જાણતી પણ નથી. જે થયું તે અત્યંત દુઃખદ છે. એનો અર્થ એ નથી કે તે નબળી હતી. બસ, એટલું જ કે તે ક્ષણે તે માનસિક રીતે સક્ષમ નહોતી. મેન્ટલ પ્રેશર બહુ મોટી વસ્તુ છે."
તેણે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, "છેલ્લા એક મહિનાથી મારી તેની સાથે વાત નહોતી થઈ શકી. એ જરૂરી નથી કે રોજ વાત થાય, પણ આજે મને એવું થાય છે કે કાશ... જો મારી તેની સાથે વાત થઈ હોત! ક્યારેક તો તેણે મનની કોઈ વાત શેર કરી હોત. જે વાત આપણા માટે સામાન્ય હોય, તે સામેવાળી વ્યક્તિ માટે કદાચ ગંભીર હોઈ શકે છે. મને કોઈ ન પૂછે કે તેણે આ કેમ કર્યું. બસ, હવે તે જ્યાં પણ હોય, આત્માને શાંતિ મળે. જ્યારે પણ કોઈ તમારી સાથે પોતાની પરેશાની શેર કરે, ત્યારે તેને ક્યારેય હળવાશથી ન લો, તેની વાત પૂરી સંવેદનશીલતાથી સાંભળો."
ઉલ્લેખનીય છે કે, સંચિતા ઉગલેએ બોલિવૂડની આગામી ભવ્ય ઐતિહાસિક ફિલ્મ 'છાવા'માં પણ કામ કર્યું હતું. અત્યંત પ્રતિભાશાળી કલાકારના આવા અંતથી ઇન્ડસ્ટ્રીના કાસ્ટિંગ કાઉચ, પ્રોડક્શન હાઉસના શોષણ અને કલાકારોની માનસિક સ્થિતિ પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.


