તેઓ ક્યારેય મળ્યા જ નથી...: ક્રિકેટર તિલક વર્મા સાથે અફેરની અટકળો પર એક્ટ્રેસ શ્રીલીલાની ટીમની સ્પષ્ટતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tilak Varma and Sreeleela Dating? મુંબઈ ઇન્ડિયન્સના સાથી ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા વચ્ચેની મજાક-મસ્તીની એક પળે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ કરી દીધી છે. આ વાઈરલ વીડિયોના કારણે યુવા ભારતીય ક્રિકેટર તિલક વર્મા અને તેલુગુ અભિનેત્રી શ્રીલીલાના ડેટિંગની અફવાઓને ફરી હવાની મળી છે. જોકે, આ અફવાઓ ઉડતાની સાથે જ અભિનેત્રીની ટીમે તાત્કાલિક સામે આવીને આ અહેવાલોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.
શ્રીલીલા અને તિલક વર્માની અફવા ક્યાંથી શરૂ થઈ?
તિલક વર્મા અને શ્રીલીલા વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે અભિનેત્રીની માતા ડૉ. સ્વર્ણલતા ધર્મશાલામાં પંજાબ કિંગ્સ સામેની મુંબઈ ઇન્ડિયન્સની IPL મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર ફેન્સે આ વાત પકડી લીધી હતી. આ ચર્ચા ત્યારે વધુ તેજ થઈ જ્યારે એવો દાવો કરવામાં આવ્યો કે શ્રીલીલા પણ એક મેચ જોવા આવી હતી જ્યાં તેની ટીમની કોઈ વ્યક્તિ 'તિલક' નામ લખેલી જર્સી પહેરેલી જોવા મળી હતી. આ ઉપરાંત, બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા હોવાના દાવાઓએ પણ આ અફવાઓમાં ઘી હોમવાનું કામ કર્યું હતું.
સૂર્યકુમાર યાદવની મસ્તીએ વધાર્યું સસ્પેન્સ
ડેટિંગની અફવાઓ ત્યારે ફરી ચર્ચામાં આવી જ્યારે એક નવો વીડિયો વાઇરલ થયો. આ વીડિયોમાં તિલક વર્મા કાનમાં ઈયરફોન લગાવીને હોટેલની લોબીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે જ પાછળથી સૂર્યકુમાર યાદવ તેને ચીડવતા કહે છે કે તે 'પ્રેમમાં છે'. સૂર્યાની આ કમેન્ટનો વીડિયો આગની જેમ વાઇરલ થઈ ગયો. સૂર્યકુમારે અભિનેત્રીનું નામ નહોતું લીધું, છતાં ફેન્સે આ વાતને સીધી શ્રીલીલા સાથે જોડી દીધી હતી.
શ્રીલીલાની ટીમે આપી સ્પષ્ટતા: 'બંને ક્યારેય મળ્યા પણ નથી'
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે શ્રીલીલાની ટીમે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું છે કે, 'તિલક વર્મા અને શ્રીલીલાના ડેટિંગના અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે. આ બંને ક્યારેય એકબીજાને મળ્યા પણ નથી અને તેમની વચ્ચે કોઈ વાતચીત પણ થઈ નથી. આ માત્ર મનઘડત વાર્તાઓ છે અને આવી વાતો પર ફેન્સે વિશ્વાસ ન કરવો જોઈએ.'
રેડિટ યુઝર્સે પણ અફવા ઉડાવનારાઓને ટ્રોલ કર્યા
શ્રીલીલાની ટીમ સિવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર પણ અનેક યુઝર્સે આ પ્રકારની અફવાઓ ફેલાવનારાઓની ઝાટકણી કાઢી છે. એક યુઝરે લખ્યું, 'કોઈપણ વ્યક્તિ મેચ જોવા આવી શકે છે. આ લોજિક પ્રમાણે તો અભિનેત્રી પ્રતિભા રાંટા પણ મેચ જોવા આવી હતી, તો શું તે શ્રેયસ અય્યરને ડેટ કરે છે? ગમે તેમ વાતો ન બનાવો.' અન્ય એક યુઝરે લખ્યું, 'શ્રુતિ હાસન પણ કેટલીય વાર સીએસકે (CSK)ની જર્સી પહેરીને મેચ જોવા આવી છે, તો એનો મતલબ એવો નથી કે તે કોઈ ક્રિકેટરને ડેટ કરી રહી છે.' ભારે વિવાદ બાદ રેડિટ પરથી આ વાઇરલ વીડિયો પણ ડિલીટ કરી દેવામાં આવ્યો છે.
પોતાના કામમાં વ્યસ્ત છે બંને સ્ટાર્સ
હાલના સમયમાં આ બંને યુવા સ્ટાર્સ પોતપોતાની કરિયર પર ધ્યાન આપી રહ્યા છે. અભિનેત્રી શ્રીલીલા હાલમાં ડાયરેક્ટર અનુરાગ બાસુની આગામી રોમેન્ટિક ડ્રામા ફિલ્મનું શૂટિંગ કરી રહી છે, જેમાં તે કાર્તિક આર્યન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બીજી તરફ, 23 વર્ષીય ક્રિકેટર તિલક વર્મા પણ સફળતાના નવા શિખરો સર કરી રહ્યો છે. તાજેતરમાં જ શ્રીલંકામાં યોજાનારી વનડે ત્રિ-કોણીય શ્રેણી (ODI Tri-Series) માટે તેને 'ઇન્ડિયા એ' (India A) ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.









