આ અભિનેત્રીએ પણ કર્યો હતો NEET પેપરલીકનો સામનો! કહ્યું- માતા-પિતાએ દેવું કરીને કોચિંગમાં મોકલ્યા...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Manushi Recalls NEET Nightmare: દેશમાં હાલમાં જ NEET પેપર લીક વિવાદ અને તે બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનો હજુ શાંત પડ્યા નથી, ત્યાં જ બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે પોતાના ભૂતકાળના એક કડવા અને દર્દનાક અનુભવને શેર કરીને આ વિવાદમાં વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું છે. અભિનેત્રી સોહા અલી ખાનના યૂટ્યુબ ટોક શો 'ઓલ અબાઉટ હર' પોડકાસ્ટમાં મનોચિકિત્સક ડૉ. અંજલિ છાબ્રિયા સાથેની ખાસ વાતચીતમાં માનુષીએ વર્ષ 2015માં પોતાની સાથે બનેલી NEET પેપર લીકની ઘટનાને યાદ કરીને પોતાનું દર્દ બયાન કર્યું છે.
જ્યારે મહિનાઓની મહેનત બાદ પરીક્ષા રદ્દ થઈ, તો તે એક મોટો સદમો હતો
બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા એક સામાન્ય મેડિકલ સ્ટુડન્ટ રહી ચૂકેલી 29 વર્ષીય માનુષી છિલ્લરે જણાવ્યું કે, જ્યારે મહિનાઓની સખત મહેનત અને પરીક્ષામાં સારો રેન્ક મેળવ્યા બાદ અચાનક ખબર પડી કે NEET 2015નું પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે અને ફરીથી એક્ઝામ આપવાની છે, ત્યારે તે તેના માટે એક મોટો સદમો હતો.
પોતાના એ કાળા દોરને યાદ કરતાં માનુષીએ કહ્યું, "આના બે પાસા છે. એક મારો અંગત અનુભવ અને બીજું દેશના સામાન્ય વિદ્યાર્થીઓની વાસ્તવિકતા. મારા માતા-પિતા પણ મેડિકલ બેકગ્રાઉન્ડમાંથી હોવાથી હું માનસિક રીતે આ પ્રક્રિયા માટે તૈયાર હતી. પરંતુ જ્યારે બધું જ બરાબર ગયા પછી તમને કહેવામાં આવે કે હજુ વધુ 45 દિવસ સુધી આ જ પ્રેશરમાં તૈયારી ચાલુ રાખવાની છે, ત્યારે તમે અંદરથી તૂટી જાઓ છો. તમે વિચારવા મજબૂર થઈ જાઓ છો કે તમારી પાસે હવે સિસ્ટમને આપવા માટે વધુ શું બચ્યું છે?"
ડાન્સ અને પેઇન્ટિંગ છૂટી ગયું, ખુશીઓનું બલિદાન આપવું પડ્યું
માનુષીએ વધુમાં ઉમેર્યું કે,
"આ સમયગાળો મારા જીવનના સૌથી મુશ્કેલ તબક્કાઓમાંથી એક હતો. મેડિકલ એન્ટ્રન્સની તૈયારી માટે મારે એ બધું જ છોડવું પડ્યું હતું જે મને સૌથી વધુ ખુશી આપતું હતું. હું એક પ્રોફેશનલ કુચિપુડી ડાન્સર હતી અને મને પેઇન્ટિંગ કરવાનો પણ ઘણો શોખ હતો. પરંતુ પરીક્ષાના પ્રેશરને કારણે મારે એક આખું વર્ષ આ બધી જ ખુશીઓનું બલિદાન આપીને માત્ર ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું હતું."
માનુષીએ પોતાની મેડિકલ કોલેજના દિવસોને યાદ કરતા કહ્યું કે, પ્રવેશ પરીક્ષા પાસ કર્યા પછી પણ વિદ્યાર્થીઓ એટલા થાકી જાય છે કે તેઓ બર્નઆઉટનો ભોગ બને છે. અમને સિનિયર્સ કહેતા કે મેડિકલ કોલેજમાં તમે માત્ર બે જ દિવસ ખુશ રહેશો - એક તમારો પહેલો દિવસ અને બીજો કોલેજનો છેલ્લો દિવસ.
અન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ મારી પાસે સુવિધાઓ હતી
પોતાના દર્દની સાથે માનુષીએ દેશના અન્ય વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતા કહ્યું કે, "હું નસીબદાર હતી કે મારી પાસે પરિવારનો સંપૂર્ણ સપોર્ટ અને સુવિધાઓ હતી. મારા માતા-પિતા મને માનસિક તણાવથી દૂર રાખવા માટે રોજ એક કલાક જિમ અથવા બાસ્કેટબોલ રમવા માટે પ્રેશર કરતા હતા, જેના કારણે મારી મેન્ટલ હેલ્થ જળવાઈ રહી હતી. પરંતુ દેશના લાખો વિદ્યાર્થીઓ પાસે આ લક્ઝરી નથી હોતી." તેણે વધુમાં ઉમેર્યું,
"હું એવા વિદ્યાર્થીઓને મળી છું જેમના માતા-પિતાએ પોતાના બાળકોને કોચિંગ સેન્ટરમાં મોકલવા માટે પોતાની ક્ષમતા કરતાં વધુ દેવું કે કરજ લીધું હોય છે. ઘણા વિદ્યાર્થીઓ પોતાના ઘર-ગામ છોડીને નાના-નાના પીજી રૂમમાં રહીને આખો દિવસ એક જ પરીક્ષા માટે રાત-દિવસ એક કરતા હોય છે. તેમના માટે 'ફરીથી પરીક્ષા આપો' એમ કહી દેવું ખૂબ જ સરળ છે, પરંતુ તેનાથી તેમની ભાવનાત્મક અને માનસિક પીડા ઓછી થતી નથી."
સોશિયલ મીડિયા પર ચાહકો માનુષીના આ નિખાલસ અને સંવેદનશીલ નિવેદનને ખૂબ જ આવકારી રહ્યા છે અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય તેમજ શિક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગને ટેકો આપી રહ્યા છે.









