Get The App

સુરત મનપાની બેધારી નીતિ: દબાણ કર્યું તો સામાન્ય જનતા માટે બુલડોઝર અને નેતાજીનો સામાન પરત?

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
સુરત મનપાની બેધારી નીતિ: દબાણ કર્યું તો સામાન્ય જનતા માટે બુલડોઝર અને નેતાજીનો સામાન પરત? 1 - image

SMC Demolition Controversy: સુરત મહાનગરપાલિકા શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી અને બુલડોઝર મોડલના દાવા કરતી રહી છે. પરંતુ કતારગામ ઝોનના સિંગણપોર વિસ્તારમાં સામે આવેલી એક ઘટનાએ આ દાવાઓની વિશ્વસનીયતા પર જ સવાલો ઊભા કરી દીધા છે. સ્થાનિકોની ફરિયાદના આધારે પાલિકાએ ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી સાથે સંકળાયેલા હોવાનું કહેવાતા એક મકાનમાં થયેલા પતરાના ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરીને તેને તોડી પાડ્યું હતું અને સામાન જપ્ત કર્યો હતો. જોકે, આશ્ચર્યજનક રીતે માત્ર 2 કલાકમાં જ એ જ પાલિકાનું વાહન જપ્ત કરેલો સામાન પાછો સ્થળ પર પહોંચાડી ગયું હોવાના આક્ષેપો થતાં સમગ્ર ઘટનાક્રમ વિવાદના કેન્દ્રમાં આવ્યો છે. સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોના કારણે હવે કતારગામ ઝોનની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

ફરિયાદના આધારે તોડી પાડેલું ગેરકાયદે બાંધકામ

સિંગણપોર ગામમાં પાલવ પાર્ક-2 સોસાયટીની બાજુમાં આવેલી કૃપા રેસિડેન્સીના ફ્લેટ નં. 104માં ગેરકાયદે રીતે પતરાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સ્થાનિક રહીશ કિરણભાઈ સુમરાએ પાલિકાને કરી હતી. ફરિયાદના આધારે 2 જૂનના રોજ પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બાંધકામ તોડીને પતરા સહિતનો સામાન જપ્ત કર્યો હતો. પાલિકાનું વાહન સામાન ભરીને સ્થળ પરથી રવાના થતાં સ્થાનિકોને લાગ્યું હતું કે ફરિયાદના આધારે નિયમસર કાર્યવાહી થઈ છે.

સુરત મનપાની બેધારી નીતિ: દબાણ કર્યું તો સામાન્ય જનતા માટે બુલડોઝર અને નેતાજીનો સામાન પરત? 2 - image
પહેલા દબાણ કરેલા પતરાંનો સેડ દૂર કર્યો

માત્ર બે જ કલાકમાં સામાન પરત

પરંતુ થોડા જ સમયમાં સમગ્ર ઘટનાએ નાટકીય વળાંક લીધો હતો. સોસાયટીના સીસીટીવી ફૂટેજ મુજબ બપોરે 1:33 કલાકે પાલિકાનું વાહન જપ્ત કરેલો સામાન લઈને સ્થળ પરથી નીકળ્યું હતું. ત્યારબાદ બપોરે 3:24 કલાકે એ જ વાહન ફરીથી કૃપા રેસિડેન્સી ખાતે પહોંચ્યું હતું. સ્થાનિકોના દાવા મુજબ, ફૂટેજમાં પાલિકાના કર્મચારીઓ અગાઉ જપ્ત કરાયેલા પતરા ગાડીમાંથી ઉતારીને ફરીથી સ્થળ પર મૂકી રહ્યા હોવાનું જોવા મળે છે. જપ્તીથી લઈને સામાન પરત પહોંચાડવા સુધીની સમગ્ર પ્રક્રિયા માત્ર 2 કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ જતાં સ્થાનિકોમાં આશ્ચર્ય અને રોષ બંને જોવા મળી રહ્યા છે.

સુરત મનપાની બેધારી નીતિ: દબાણ કર્યું તો સામાન્ય જનતા માટે બુલડોઝર અને નેતાજીનો સામાન પરત? 3 - image
બાદમાં પાલિકાની ટીમ આવીને પરત મૂકી ગઈ

પાલિકાની અસાધારણ ઝડપથી જનતામાં રોષ

સામાન્ય નાગરિકોના કિસ્સામાં પાલિકા દ્વારા જપ્ત કરાયેલો સામાન છોડાવવા માટે લાંબી પ્રક્રિયા, દંડ અને અનેક ધક્કા ખાવા પડતા હોય છે. ઘણી વખત મહિનાઓ સુધી સામાન છોડાવવામાં વિલંબ થતો હોવાના ઉદાહરણો પણ છે. ત્યારે આ કેસમાં પાલિકાએ દર્શાવેલી અસાધારણ ઝડપને લઈને અનેક સવાલો ઊભા થયા છે. રહીશોમાં ચર્ચા છે કે પાલિકાએ દબાણ હટાવવાની કાર્યવાહી કરી હતી કે પછી જપ્ત કરેલા સામાનની 'હોમ ડિલિવરી' સેવા આપી હતી?

રાજકીય પ્રભાવ હેઠળ કાર્યવાહીના આક્ષેપો

સ્થાનિકોનું કહેવું છે કે જે કૃપા રેસિડેન્સી બિલ્ડિંગમાં આ વિવાદ થયો છે, તે ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયાની માલિકીનું હોવાનું કહેવાય છે. હાલ આ ફ્લેટ ભાડે અપાયેલો હોવાનું પણ જણાવવામાં આવે છે. આ વિગતો સામે આવ્યા બાદ, રાજકીય પ્રભાવના કારણે જ જપ્ત કરાયેલો સામાન પરત કરવામાં આવ્યો હોવાની ચર્ચાને વધુ વેગ મળ્યો છે. જોકે, પાલિકા તરફથી હજુ સુધી આ સમગ્ર ઘટનાક્રમ અંગે કોઈ સ્પષ્ટ અને સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી.

પાલિકાની બેધારી નીતિ સામે સવાલો

આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જો બાંધકામ નિયમો વિરુદ્ધ હતું તો પાલિકાની કાર્યવાહી અધૂરી કેમ રહી? અને જો બાંધકામ કાયદેસર હતું તો તોડફોડ અને જપ્તીની કાર્યવાહી કેમ કરવામાં આવી? બંને સ્થિતિમાં પાલિકાની કામગીરી, અધિકારીઓના નિર્ણય અને કાર્યવાહી પાછળના કારણો અંગે સ્પષ્ટતા થવી જરૂરી બની છે. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો હવે કતારગામ ઝોનના અધિકારીઓ માટે અસહજ સ્થિતિ સર્જી રહ્યા છે.

કાયદો સૌ માટે સમાન હોવો જરૂરી

વેડ રોડ સ્થિત નાસીર નગર ઝૂંપડપટ્ટીમાં ગરીબ પરિવારો સામે થયેલી કડક ડિમોલિશન કાર્યવાહી હજુ લોકોના મનમાંથી ભૂંસાઈ નથી. ત્યાં કોઈ વિશેષ રાહત કે મુદત આપ્યા વગર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું, જ્યારે સિંગણપોરની ઘટનામાં જપ્ત કરાયેલો માલ જ ઝડપભેર પરત પહોંચાડવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પરિણામે શહેરમાં એક જ ચર્ચા જોર પકડી રહી છે કે શું પાલિકાનું બુલડોઝર ગેરકાયદે બાંધકામને જોઈને નહીં, પરંતુ સામેવાળાની આર્થિક અને રાજકીય તાકાતને જોઈને ચાલે છે? જો કાયદો ખરેખર સૌ માટે સમાન હોય તો આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ, નિર્ણય પ્રક્રિયા અને સામાન પરત કરવાનો આધાર જાહેર થવો જોઈએ. અન્યથા 'ગરીબો માટે બુલડોઝર અને નેતાઓ માટે બ્રેક' જેવી છાપ વધુ ઘેરી બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

જવાબદારીમાંથી છટકવા અધિકારીઓના હવાતિયાં

નાસીર નગર ડિમોલિશન વિવાદમાં જેમ અધિકારીઓ એક પછી એક સવાલના જવાબમાં "મને ખબર નથી" કહીને જવાબદારીઓથી દૂર ભાગતા જોવા મળ્યા હતા, તેવી જ સ્થિતિ હવે સિંગણપોરના પતરા કાંડમાં પણ સામે આવી છે. પાલિકાની સરકારી ગાડી જપ્ત કરેલો માલ પાછો સ્થળ પર મૂકી આવે અને ઝોનના કાર્યપાલક ઇજનેરને તેની જાણ ન હોય, તે દાવો પોતે જ અનેક સવાલો ઊભા કરે છે.

અધિકારીઓનો ચોંકાવનારો 'માનવતા'નો દાવો

કાર્યપાલક ઇજનેર કમલેશભાઈ વસાવાએ "મને આ બાબતે કોઈ માહિતી નથી" કહીને જવાબદારી ટીપી (TP) વિભાગ પર ઢોળી દીધી હતી. કાર્યપાલક ઇજનેરે જેમના પર જવાબદારી ઢોળી હતી તે ટીપી વિભાગના અધિકારી જીગ્નેશભાઈ પટેલનો જવાબ તો વધુ ચોંકાવનારો હતો. તેમણે સ્વીકાર્યું કે પતરા પાલિકાએ જ હટાવ્યા હતા, પરંતુ બાદમાં સંબંધિત વ્યક્તિએ ફોન કરીને પોતે મધ્યમવર્ગીય હોવાનું જણાવી આજીજી કરતા 'માનવતાના ધોરણે' પતરા પાછા આપી દેવામાં આવ્યા હતા.

શંકાના દાયરામાં સુરત મહાનગરપાલિકા

અધિકારીઓના વિરોધાભાસી જવાબો અને દસ્તાવેજો રજૂ કરવામાં થયેલો ઇનકાર સમગ્ર ઘટનાને વધુ શંકાસ્પદ બનાવે છે. શહેરમાં હવે ચર્ચા એ નથી કે પતરા કોણે મૂક્યા, પરંતુ ચર્ચા એ છે કે શું સુરત મનપામાં ગરીબો માટે કાયદો અને પ્રભાવશાળી લોકો માટે 'માનવતાના' અલગ ધોરણો અમલમાં છે? જો આવું નથી તો પછી સમગ્ર ઘટનાનું સત્ય બહાર લાવવા માટે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરીને કડક પગલાં ભરવાની માંગણી થઈ રહી છે.