NEET પેપર લીક વિવાદ પર સમય રૈનાએ કર્યો કટાક્ષ, ફેન્સે- આવું બોલવા હિંમત જોઈએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Samay on Neet Exam: પોતાના બેબાક અને કોમેડી અંદાજ માટે જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાએ ફરી એકવાર ચર્ચા જગાવી છે. સમય રૈનાએ પોતાના લોકપ્રિય શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની બીજી સીઝનના લેટેસ્ટ એપિસોડમાં દેશના સૌથી ચર્ચિત NEET પેપર લીક વિવાદ પર જોરદાર કટાક્ષ કર્યો છે. ગંભીર મુદ્દા પર હળવી શૈલીમાં કરવામાં આવેલી સમયની આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેના આ સ્ટેન્ડની મન મૂકીને પ્રશંસા કરી રહ્યા છે.
શું હતો સમગ્ર કિસ્સો?
‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના નવા એપિસોડમાં કોમેડિયન હર્ષ લિંબાચિયા, કીકૂ શારદા અને ચંદન પ્રભાકર ગેસ્ટ જજ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શો દરમિયાન 'જેની' નામની એક મહિલા મેડિકલ વિદ્યાર્થીની પોતાની સિંગિંગ ટેલેન્ટ રજૂ કરવા સ્ટેજ પર આવી હતી.
પરફોર્મન્સ પૂરું થયા બાદ જેનીએ વાતચીતમાં જણાવ્યું કે તે હોમિયોપેથીનો અભ્યાસ કરી રહી છે. તેણે વધુમાં ઉમેર્યું કે, તે પહેલીવાર મુંબઈ આવી છે પરંતુ કોલેજમાં અટેન્ડન્સની સમસ્યા હોવાને કારણે તેણે બીજા જ દિવસે તાત્કાલિક પરત ફરવું પડશે, કારણ કે કોલેજ જવું અત્યંત જરૂરી છે.
સમય રૈનાએ આ રીતે કર્યો કટાક્ષ
જેનીની કોલેજ જવાની ઉતાવળ અને હોમિયોપેથીના અભ્યાસની વાત સાંભળીને સમય રૈનાએ મજાકિયા અંદાજમાં તેને એલોપેથી પસંદ કરવાની સલાહ આપી. વાતચીત દરમિયાન જ સમય રૈનાએ NEET પેપર લીક વિવાદ તરફ ઈશારો કરતા કહ્યું:
"તમે અસલી ડૉક્ટર (એલોપેથી) કેમ નથી બની જતા? અત્યારે તો પેપર પણ લીક થઈ રહ્યા છે, સરળતાથી એડમિશન મળી જશે."
સમયનો આ પંચ સાંભળીને શોમાં હાજર તમામ જજ અને ઓડિયન્સ હસી પડ્યા હતા. પરંતુ હાસ્યની સાથે જ સમય રૈનાએ દેશની શિક્ષણ વ્યવસ્થા અને પેપર લીક માફિયાઓ પર મોટો કટાક્ષ કરી દીધો હતો.
સોશિયલ મીડિયા પર ક્લિપ વાયરલ, ફેન્સે વધાવ્યો
આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ધૂમ મચાવી રહી છે. સામાન્ય રીતે સેલિબ્રિટીઓ આવા વિવાદાસ્પદ અને સંવેદનશીલ રાષ્ટ્રીય મુદ્દાઓ પર મૌન સેવતા હોય છે, ત્યારે સમય રૈનાએ જે હિંમત બતાવીને આ વિષયને પોતાના શોમાં વણી લીધો, તેનાથી નેટીઝન્સ ખૂબ પ્રભાવિત થયા છે. એક સોશિયલ મીડિયા યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, "બધા સેલેબ્સ મોં છુપાવીને બેઠા છે, ત્યારે કેટલાક સેલેબ્સમાં સાચે જ અવાજ ઉઠાવવાની હિંમત છે."
ઉલ્લેખનીય છે કે, ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની પ્રથમ સીઝન વિવાદોમાં રહી હોવા છતાં, સમય રૈનાએ બીજી સીઝન સાથે ધમાકેદાર કમબેક કર્યું છે. આ સીઝનના પ્રથમ એપિસોડમાં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને શરવરી વાઘ પણ મહેમાન બની ચૂક્યા છે અને શો હાલ ડિજિટલ સ્પેસમાં જોરદાર વ્યુઝ મેળવી રહ્યો છે.









