Entertainment

ગોવિંદાને સ્ટાર બનાવનારા સર્જક પહલાજ નિહલાણીનું નિધન

By GS Team
5 Jun 20261 min read
ગોવિંદાને સ્ટાર બનાવનારા સર્જક પહલાજ નિહલાણીનું નિધન

- સેન્સર બોર્ડના ચેરમેન પણ રહ્યા હતા

- ગોવિંદા, નીલમ, શત્રુધ્ન, ફરહાન અખ્તર, બોની કપૂર સહિતની હસ્તીઓ અંતિમવિધિમાં પહોંચી

મુંબઈ : પીઢ ફિલ્મ નિર્માતા  તથા સેન્સર બોર્ડના માજી ચેરમેન પહલાજ નિહલાણીનું લીવરની બીમારીને કારણે ૭૬ વર્ષની વયે અવસાન થયું હતું. પહલાજ નિહલાણીએ ૮૦-૯૦ના દાયકા દરમિયાન, 'ઈલ્ઝામ, આંખે, પાપ કી દુનિયા, આગ હી આગ, શોલા ઔર શબનમ' સહિતની અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. 

આજે સાંતાક્રુઝ ખાતે મોડી બપોરે અંતિમ વિધિ વખતે ગોવિંદા, નીલમ,  બોની કપૂર, ફરહાન અખ્તર, શત્રુધ્ન સિંહા, રમેશ તૌરાણી, વરુણ ધવન સહિતની હસ્તીઓ હાજર રહી હતી. આ પહેલાં મલાઈકા અરોરા તથા ડેવિડ ધવન સહિતની હસ્તીઓ અંતિમ દર્શન માટે તેમના ઘરે પહોંચી હતી. 

બોલિવુડમાં અનેક કલાકારો, દિગ્દર્શકો તથા કલાકારો કસબીઓની કેરિયર  પહલાજ  નિહલાણીએ બનાવી હતી. ખાસ કરીને ગોવિંદાને તેમની ફિલ્મો થકી જ સ્ટારડમ મળ્યું હતું. અગાઉ તેમણે કહ્યું હતું તેમ ગોવિંદાનો ચહેરો ફિલ્મ સ્ટાર જેવો ચોકલેટી ન હતો પરંતુ તેની ડાન્સ સ્કિલ જોઈને તેમણે તેના પર ભરોસો મૂક્યો હતો અને તેને 'ઈલ્ઝામ' ફિલ્મથી બોલિવુડમાં પ્રવેશ અપાવ્યો હતો.   

ચંકી પાંડેને પણ તેમણે જ 'આગ હી આગ' ફિલ્મથી પહેલીવાર તક આપી હતી.