Entertainment

લગ્ન કે બાળકો કોઈના દબાણમાં આવીને ન કરાય..., ક્રિતી સેનને પહેલીવાર જણાવ્યું એગ્સ ફ્રીઝ કરાવવાનું કારણ

By GS Team
7 Jul 20263 mins read
TukuTouch Logo
બોલીવૂડ અભિનેત્રી ક્રિતી સેનને મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, તેણે થોડા વર્ષો પહેલા જ પોતાના એગ્સ ફ્રીઝ કરાવ્યા હતા. 'મિમી' ફિલ્મની તૈયારી દરમિયાન આ નિર્ણય લીધો હતો. ભવિષ્યમાં માતા બનવાના આ આયોજન પાછળનું કારણ સમજાવતા કહ્યું કે, લગ્ન કે બાળકનો નિર્ણય ઉંમરના દબાણ હેઠળ નહીં, પરંતુ જ્યારે વ્યક્તિ અંદરથી તૈયાર હોય ત્યારે લેવો જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

લગ્ન કે બાળકો કોઈના દબાણમાં આવીને ન કરાય..., ક્રિતી સેનને પહેલીવાર જણાવ્યું એગ્સ ફ્રીઝ કરાવવાનું કારણ

Kriti Senon on Freezing her Eggs: બોલીવૂડ અભિનેત્રી ક્રિતી સેનન પોતાની ફિલ્મી કરિયરની સાથે સાથે પર્સનલ લાઈફના નિર્ણયોને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. તાજેતરમાં એક મોટો ખુલાસો કરતાં ક્રિતીએ જણાવ્યું છે કે, તેણે થોડા વર્ષો પહેલાં જ પોતાના એગ્સ ફ્રીઝ કરાવી લીધા હતા. ભવિષ્યમાં માતા બનવાના આ આયોજન વિશે વાત કરતાં તેણે કહ્યું કે, આ નિર્ણય તેણે કોઈના દબાણમાં આવીને નહીં પરંતુ ખૂબ જ વિચારીને લીધો હતો. આ દિવસોમાં ક્રિતી પોતાની નવી ફિલ્મ 'કોકટેલ 2'ની સફળતાની ઉજવણી કરી રહી છે, જેણે દુનિયાભરમાં 140 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે.

એક ખાસ વાતચીતમાં જ્યારે ક્રિતીને પૂછવામાં આવ્યું કે, લગ્નના પ્લાનિંગ અંગે વારંવાર પૂછાતા સવાલો વચ્ચે શું તેઓ ક્યારેય 'મહિલાઓની બાયોલોજિકલ ક્લોક' વિશે વિચારે છે? ત્યારે ક્રિતીએ પહેલીવાર આ રહસ્ય પરથી પડદો હટાવતા કહ્યું, "હું આ વાત પહેલીવાર કહી રહી છું, મેં મારી ફિલ્મ 'મિમી'ની તૈયારી દરમિયાન જ મારા એગ્સ ફ્રીઝ કરાવી લીધા હતા."

કેમ લીધો એગ્સ ફ્રીઝ કરવાનો નિર્ણય?

ક્રિતીએ પોતાના આ નિર્ણય પાછળનું કારણ વિસ્તારપૂર્વક સમજાવતા કહ્યું,

"એક સમય એવો હતો જ્યારે હું આ વિશે વિચારી રહી હતી. હું ક્યારેય એવા બંધનમાં બંધાવા નહોતી માંગતી કે મારે અત્યારે જ લગ્ન કરવા પડશે કે અત્યારે જ બાળક પેદા કરવું પડશે, કારણ કે મારી પાસે સમય ઓછો છે. લગ્ન હોય કે બાળક, વ્યક્તિએ આ નિર્ણયો ત્યારે જ લેવા જોઈએ જ્યારે તે અંદરથી તૈયાર હોય. આ કોઈ ઘડિયાળના કાંટે કે ઉંમરના દબાણના કારણે ન થવું જોઈએ."

'નસીબદાર હતી કે હું આ મોંઘો ખર્ચ ઉઠાવી શકી'

એગ્સ ફ્રીઝિંગની પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ હોય છે તે વાતનો સ્વીકાર કરતાં ક્રિતીએ કહ્યું, "હું જાણું છું કે દરેક વ્યક્તિ આ મેડિકલ પ્રક્રિયાનો ખર્ચ ઉઠાવી શકતી નથી. હું નસીબદાર હતી કે મારી આર્થિક સ્થિતિ સારી હતી, તેથી મેં આ નિર્ણય લીધો."

તેણે આગળ રસપ્રદ ખુલાસો કરતાં જણાવ્યું કે, "મેં ખૂબ જ સમજદારીપૂર્વક આ પ્રક્રિયા એવા સમયે કરી જ્યારે મારે ફિલ્મ 'મિમી'ના રોલ માટે વજન વધારવાનું હતું. આ ટ્રીટમેન્ટથી શરીરમાં સોજો આવે છે અને તે સમયે હું ઓલરેડી વજન વધારી જ રહી હતી. કોઈકે મને સલાહ આપી હતી કે જો તમે આ કરાવી શકો, તો આ તમારા માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુ અને તમારી જાતને આપેલી સૌથી મોટી ભેટ હશે. બસ, આ વાત મારા મગજમાં ચાલી રહી હતી. જ્યારે મારી પાસે શૂટિંગ વિનાના 2 મહિના હતા અને મારે માત્ર વજન જ વધારવાનું હતું, ત્યારે મેં વિચાર્યું કે આ ફિલ્મ પણ સરોગસી પર આધારિત છે, તો લાવ આ પ્રક્રિયા અત્યારે જ પૂરી કરી લઉં!"


હાર્મોનલ ઉતાર-ચઢાવથી ભરેલી હોય છે પ્રક્રિયા

ક્રિતીએ સ્વીકાર્યું કે આ પ્રક્રિયા બિલકુલ સરળ નહોતી. તેણે કહ્યું, "એક સમય એવો આવે છે જ્યારે તમારા શરીરમાં હાર્મોન્સના સ્તરે ભારે ઉથલપાથલ થાય છે. એક સગર્ભા સ્ત્રીની જેમ જ તમારા મૂડમાં સતત ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. જોકે, મને ખુશી છે કે મેં આ કર્યું, કારણ કે હું મારા મગજ પર કોઈ ટેન્શન રાખવા નહોતી માંગતી. હું નહોતી ઈચ્છતી કે જિંદગીના સૌથી મહત્ત્વના નિર્ણયો માટે મારા મગજમાં કોઈ સમયની પાબંદી હોય."

તેણે ઉમેર્યું કે,

"જ્યારે લોકો પૂછે છે કે તમે લગ્ન ક્યારે કરો છો, ત્યારે તેમનો અસલી સવાલ એ જ હોય છે કે તમે બાળક ક્યારે પેદા કરશો. કમનસીબે સ્ત્રીઓનું શરીર એવું છે કે એક ચોક્કસ ઉંમર પછી હેલ્ધી પ્રેગ્નન્સી અને સ્વસ્થ બાળક મેળવવું મુશ્કેલ બની જાય છે. તેથી મને લાગે છે કે મારો આ નિર્ણય લાંબા ગાળે ઘણો સારો સાબિત થશે."

ફિલ્મની સફળતાને માણી રહી છે ક્રિતી

કામની વાત કરીએ તો, ક્રિતી સેનનની ફિલ્મ 'કોકટેલ 2' તાજેતરમાં જ રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે. હોમી અદાજાણિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ક્રિતીની સાથે શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના પણ મુખ્ય ભૂમિકામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્રિતી આગામી સમયમાં મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ડોન 3'માં પણ જોવા મળી શકે છે, જોકે હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.