Bhagam Bhag 2 Cast Update: બોલિવૂડમાં એક સમયે 'હીરો નંબર 1' તરીકે ઓળખાતા ગોવિંદાના સિતારા હાલમાં કંઈક ખાસ ચમકી રહ્યા નથી. વર્ષ 2019માં આવેલી ફિલ્મ 'રંગીલા રાજા' ફ્લોપ થયા બાદ તે મોટા પડદા પરથી ગાયબ છે અને હાલમાં માત્ર રિયાલિટી શૉ, ઈવેન્ટ્સ કે લગ્ન પ્રસંગોમાં પરફોર્મન્સ આપીને જ કામ ચલાવે છે.
ગોવિંદાના ફેન્સ માટે માઠા સમાચાર
ગોવિંદાના ચાહકો લાંબા સમયથી તેના ગ્રાન્ડ કમબેકની રાહ જોઈ રહ્યો છે, પરંતુ તાજેતરમાં સામે આવેલા એક અહેવાલે તેને ચોંકાવી દીધો છે. વર્ષ 2006ની સુપરહિટ કોમેડી ફિલ્મ 'ભાગમ ભાગ'ની સીક્વલ બનવા જઈ રહી છે, પરંતુ સમાચાર છે કે આ સીક્વલમાંથી ગોવિંદાને બહાર કરી દેવામાં આવ્યો છે.
આગામી મહિનાથી મુંબઈમાં શરૂ થશે શૂટિંગ
ચર્ચા એવી છે કે ગોવિંદાની જગ્યાએ હવે મનોજ બાજપેયીની એન્ટ્રી થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, 'ભાગમ ભાગ 2'ના મેકર્સ મનોજ બાજપેયીને એક મહત્ત્વના રોલ માટે પસંદ કરી ચૂક્યા છે. આ ફિલ્મ નવી સ્ટોરીલાઈન સાથે તૈયાર કરવામાં આવશે, જેનું નિર્દેશન રાજ શાંડિલ્ય કરશે. ફિલ્મમાં અક્ષય કુમારની જોડી મીનાક્ષી ચૌધરી સાથે જામશે, પરંતુ મનોજ બાજપેયીની સામે હજુ કોઈ હિરોઈન ફાઈનલ કરવામાં આવી નથી. ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી મુંબઈમાં શરૂ થવાની શક્યતા છે.
આ પણ વાંચો: કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
ચાહકોમાં ભારે નારાજગી
જોકે, ગોવિંદાને રિપ્લેસ કરવાની આ ખબરથી ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આક્રોશ ઠાલવી રહ્યા છે કે મનોજ બાજપેયી ભલે બેસ્ટ અભિનેતા હોય, પણ તે ગોવિંદા જેવી કોમેડી ક્યારેય કરી શકે નહીં. કેટલાક યુઝર્સે તો ત્યાં સુધી કહ્યું કે જો ગોવિંદા ફિલ્મમાં ન હોય તો 'ભાગમ ભાગ'ની સીક્વલ બનાવવાનો કોઈ અર્થ જ નથી. ઉલ્લેખનીય છે કે ઓરિજિનલ ફિલ્મમાં અક્ષય કુમાર અને ગોવિંદાની જોડીએ ધૂમ મચાવી હતી, જેને લોકો આજે પણ યાદ કરે છે.


