Hina Khan vs Shilpa Shinde: ટેલિવિઝન જગતની બે જાણીતી અભિનેત્રીઓ હિના ખાન અને શિલ્પા શિંદે વચ્ચેનો જાહેરમાં ચાલી રહેલો વિવાદ હવે વધુ વકર્યો છે. શિલ્પા શિંદેએ પ્રોડ્યુસર સંજય કોહલી પર લગાવેલા યૌન શોષણના આરોપો ખોટા હોવાની કબૂલાત કર્યા બાદ હિના ખાને આક્રોશ વ્યક્ત કર્યો હતો. હવે આ મામલે હિના ખાને સીધા દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને કાયદા મંત્રીને સંબોધીને એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી છે, જે ભારે ચર્ચાનો વિષય બની છે.
હિના ખાને પીએમ અને રાષ્ટ્રપતિને કરી કટાક્ષભરી અપીલ
પોતાની લેટેસ્ટ પોસ્ટમાં હિના ખાને શિલ્પા શિંદેની કબૂલાત પર આકરા પ્રહારો કરતા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને કાયદા મંત્રીને કહ્યું કે: "ભારતના માનનીય વડાપ્રધાન, માનનીય રાષ્ટ્રપતિ અને કાયદા મંત્રી, કૃપા કરીને એવા તમામ ગુનેગારોને મુક્ત કરી દો જેમણે ગુનો કર્યા પછી પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે, કારણ કે તેમનામાં હિંમત છે. કારણ કે તેઓ ફાઈટર છે. કારણ કે તેઓ સત્યની સાથે ઊભા છે. ઉપરાંત, એટલા માટે પણ કે જ્યારે તેમણે ગુનો કર્યો ત્યારે કોઈએ તેમને સપોર્ટ કર્યો ન હતો."

શિલ્પા શિંદેએ હિના ખાનની બીમારી પર કર્યો હતો કટાક્ષ
આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ગુરુવારે શિલ્પા શિંદેએ હિના ખાનનું નામ લીધા વગર તેના પર પ્રહારો કર્યા હતા. શિલ્પાએ હિનાની બ્રેસ્ટ કેન્સરની બીમારી અને તેના પિતાના અવસાનનો ઉલ્લેખ કરીને તેના પર પોતાના નામે પબ્લિસિટી મેળવવાનો આરોપ લગાવ્યો હતો. શિલ્પા શિંદેએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને કહ્યું: "હું નથી જાણતી કે લોકો મારા નામે પબ્લિસિટી મેળવવાનું ક્યારે બંધ કરશે. ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ ન કરો, નહીંતર ઈજા થશે. પબ્લિસિટી મેળવવા માટે તમારી પાસે તમારી બીમારીઓ છે, તમારા પરિવારમાં મોતો થયા છે, તો પછી તમને શિલ્પા શિંદેની શું જરૂર છે? તમે તો ઓલરેડી ચર્ચામાં છો."
‘મહિલા હોવાનો દુરુપયોગ કરીને ચેક ક્લિયર કરાવવો ગુનો છે’
આ પહેલાં હિના ખાને શિલ્પા શિંદેની કબૂલાત પર આશ્ચર્ય વ્યક્ત કરતા એક લાંબી પોસ્ટ લખી હતી. હિનાએ કહ્યું હતું કે તે એ વાત પર વિશ્વાસ નથી કરી શકતી કે કોઈ સ્ત્રી આવા ‘અનૈતિક અને નીચલા સ્તરના કૃત્ય’ને માત્ર એટલા માટે સપોર્ટ કરી રહી છે કારણ કે તે વ્યક્તિએ પોતે ગુનો કબૂલ્યો છે. હિનાએ તેને ગંભીર ગુનો ગણાવતા કહ્યું કે, ‘જો તે પુરુષે શરમજનક પરિસ્થિતિના કારણે આત્મહત્યા કરી લીધી હોત કે તેનો સંસાર ઉજડી ગયો હોત, તો તેનું જવાબદાર કોણ હોત?’
હિનાએ વધુમાં ઉમેર્યું કે, ‘ઇન્ડસ્ટ્રીની મહિલાઓએ સમજવું પડશે કે આવા કૃત્યો બધી મહિલાઓની છબી ખરડે છે. મહિલાઓ ઓલરેડી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, તેમાં હવે પોતાના જેન્ડરનો ઉપયોગ કરીને ખોટા આરોપો લગાવી ચેક ક્લિયર કરાવવા જેવી બદનામી પણ જોડાઈ જશે. ભગવાનના ખાતર, બિગ બોસમાંથી બહાર આવો. તેને 9 વર્ષ થઈ ગયા છે. આ મુદ્દો ‘Hina vs XYZ’ નો નથી, આ મુદ્દો શું સાચું છે તેના વિશે છે."

શિલ્પા શિંદેએ શું કરી હતી કબૂલાત?
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે શિલ્પા શિંદેએ કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાના પોડકાસ્ટમાં સ્વીકાર્યું કે, વર્ષ 2016માં ‘ભાભીજી ઘર પર હૈ!’ શો છોડતી વખતે તેણે પ્રોડ્યુસર સંજય કોહલી પર યૌન શોષણનો ખોટો કેસ કર્યો હતો, કારણ કે તે સમયે તેની પાસે પેમેન્ટ કઢાવવા માટે અન્ય કોઈ રસ્તો નહોતો. બાદમાં આ મામલો સેટલ થઈ ગયો અને તેના પૈસા મળી ગયા હતા.
શિલ્પાની આ કબૂલાત બાદ દિલ્હીની મેન્સ રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન ‘NCMIndia કાઉન્સિલ ફોર મેન અફેર્સ’ દ્વારા મુંબઈ પોલીસને આ મામલે કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે, અને મનોરંજન જગતના ઘણા લોકો આ કૃત્યની ટીકા કરી રહ્યા છે.


