અભિનેત્રી અદિતી શર્માએ પતિ અને સાસરિયાં સામે નોંધાવી ઘરેલું હિંસાની ફરિયાદ, સોના-હીરાના દાગીના પચાવી પાડવાનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aditi Sharma Domestic Violence Complaint: ટીવી અભિનેત્રી અદિતિ શર્માએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરૂદ્ધ ઘરેલું હિંસા અને દહેજના આરોપસર ફરિયાદ નોંધાવી છે. અદિતી જે 'અપોલેના, સપનોં કી ઊંચી ઉડાન', 'રબ્બ સે હૈ દુઆ' અને 'કલીરેં' જેવા શો માટે જાણીતી છે, તેણે મુંબઈમાં પોતાના પતિ અને તેના પરિવાર સામે ઘરેલું હિંસા તેમજ મારઝૂડની ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. 31 જુલાઈના રોજ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં તેના પતિ અભિનીત વિદ્યાનંદ કૌશિક, સાસુ ઊર્મિલા કૌશિક (65) અને નણંદ કીર્તિ કૌશિક (29) સામે FIR નોંધવામાં આવી છે. પોલીસે આ આરોપો અંગે તપાસ શરૂ કરી દીધી છે.
ઘરેલું હિંસા અને ઉત્પીડનના આરોપો
પોતાની ફરિયાદમાં અદિતિએ આ ત્રણેય પર શારીરિક અને માનસિક ઉત્પીડન, ઘરેલું હિંસા, મારપીટ, અપશબ્દો અને તેના ચરિત્ર પર સવાલો ઉઠાવવા અને તેના સ્ત્રીધનના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. પોલીસને આપેલા નિવેદનમાં અભિનેત્રીએ જણાવ્યું કે, તે જૂન 2021માં એક ઓનલાઇન એક્ટિંગ ક્લાસ દરમિયાન અભિનીતને પહેલીવાર મળી હતી. તેમની મિત્રતા ધીમે ધીમે પ્રેમસંબંધમાં બદલાઈ ગઈ હતી. આ દંપતી સપ્ટેમ્બર 2024થી ગોરેગાંવ વેસ્ટના એક એપાર્ટમેન્ટમાં સાથે રહેવા લાગ્યું હતું, અને 12 નવેમ્બર 2024ના રોજ બંને પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતા.
'લગ્નના થોડા દિવસોમાં જ વર્તન બદલાઈ ગયું'
ફરિયાદ મુજબ, અદિતિએ આરોપ લગાવ્યો છે કે, લગ્નના થોડા દિવસોમાં જ તેના પતિનું વર્તન બદલાઈ ગયું હતું. તેના કપડાં અને અન્ય નાની નાની બાબતો પર અવારનવાર ઝઘડા શરૂ થઈ ગયા હતા. તેણે વધુમાં આરોપ લગાવ્યો કે, ઘરના ખર્ચમાં યોગદાન આપવાને બદલે તેનો પતિ નિયમિતપણે તેની પાસેથી પૈસા લેતો હતો. ફરિયાદમાં એ પણ જણાવાયું છે કે, 1 જાન્યુઆરી 2025ના રોજ કોફી અંગે થયેલો અણબનાવ વધીને ગાળાગાળી સુધી પહોંચી ગયો હતો. આ ઘટના પછી, અદિતિએ આરોપ લગાવ્યો કે, તેનો પતિ તેના ચરિત્ર પર શંકા કરવા લાગ્યો, તેનો મોબાઈલ ફોન ચેક કરતો અને અલગ રૂમમાં સૂવા લાગ્યો હતો. તેને તેના માતાપિતા સાથે વાત કરતા પણ રોકવામાં આવતી હતી.
દાગીના પાછા ન આપ્યાનો આરોપ
પોતાની ફરિયાદમાં અદિતિએ તેની સાસુ પર સોનાની ચેન, વીંટીઓ, હીરાની વીંટી, મંગળસૂત્ર અને બંગડીઓ સહિતના લગ્નના દાગીના પોતાની પાસે રાખી લેવાનો આરોપ લગાવ્યો છે. તેણે દાવો કર્યો છે કે, વારંવાર વિનંતી કરવા છતાં દાગીના પાછા આપવામાં આવ્યા નથી. અભિનેત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે, વિવાદો ઉકેલવાના પ્રયાસો દરમિયાન તેની સાસુ અને નણંદે તેના પતિનો પક્ષ લીધો હતો, અને તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું.
પોલીસે તપાસ શરૂ કરી
અદિતિ શર્માની ફરિયાદના આધારે ગોરેગાંવ પોલીસે પતિ, સાસુ અને નણંદ સામે FIR નોંધીને તપાસ શરૂ કરી છે. હજુ સુધી આ મામલે આરોપીઓ તરફથી કોઈ જાહેર નિવેદન આવ્યું નથી.









