Entertainment

પિતાના નિધનથી દુઃખી તારક મહેતાના સ્ટાર એક્ટરે કહ્યું - એમની અંતિમ ઈચ્છા પૂરી ના કરી શક્યો

By GS Team
1 Aug 20263 mins read
TukuTouch Logo
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'બાઘા' ઉર્ફે તન્મય વેકારિયા હાલ દુઃખદ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. જૂનમાં તેમના પિતા અરવિંદ વેકારિયાનું નિધન થયું હતું. શોના 18 વર્ષની ઉજવણીમાં તન્મયે પિતાને યાદ કરી જણાવ્યું કે, હોસ્પિટલમાં પિતાએ કહ્યું હતું કે, "શૂટિંગ અધૂરું ન છોડતો, પ્રોડ્યુસરને નુકસાન ન થવું જોઈએ." પિતાની બાઘા-બાવરીની લવસ્ટોરીના એપિસોડ યુટ્યુબ પર જોવાની ઈચ્છા અધૂરી રહી ગઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

પિતાના નિધનથી દુઃખી તારક મહેતાના સ્ટાર એક્ટરે કહ્યું - એમની અંતિમ ઈચ્છા પૂરી ના કરી શક્યો
IMAGE - instagram.com/tanmayvekariaofficial

TMKOC Bagha Aka Tanmay Vekaria Gets Emotional : લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ અસંખ્ય કલાકારોને સ્ટાર બનાવ્યા છે, જેમાંથી એક તન્મય વેકારિયા પણ છે. શોમાં 'બાઘા'ના પાત્રથી તેને ઘરે-ઘરે એક અલગ ઓળખ મળી છે. જોકે, હાલમાં તે પોતાની અંગત જિંદગીમાં એક ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જૂન મહિનામાં તન્મય વેકારિયાના પિતા અરવિંદ વેકારિયાનું અચાનક નિધન થઈ ગયું હતું. પિતાના જવાથી તન્મયને ઊંડો આઘાત લાગ્યો છે અને તે હજુ પણ આ દુઃખમાંથી બહાર આવી શક્યા નથી.

પિતાને યાદ કરીને તન્મયનું દર્દ છલકાયું

હાલમાં જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના 18 વર્ષ પૂરા થવાના ખાસ પ્રસંગે આયોજિત સેલિબ્રેશન દરમિયાન તન્મય વેકારિયા પોતાના પિતાને યાદ કરીને અત્યંત ભાવુક થઈ ગયો હતો. તેણે જણાવ્યું હતું કે, 'જ્યારે મારા પિતા હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારે તેણે એક ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ અફસોસ કે તે ઈચ્છા ક્યારેય પૂરી થઈ ન શકી. તે મુશ્કેલ સમયમાં પણ મારા પિતાએ મને હંમેશાં કામમાં સમર્પણ બતાવવા માટે સતત પ્રોત્સાહિત કર્યો હતો.'

'કામ પૂરું કરજે, પ્રોડ્યુસરને નુકસાન ન થવું જોઈએ'

શોની સક્સેસ પાર્ટી દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં તન્મયે પિતા સાથે થયેલી પોતાની છેલ્લી વાતચીત વિશે ખુલાસો કરતા કહ્યું કે, 'મારા પિતાએ મને હોસ્પિટલમાં સ્પષ્ટ કહ્યું હતું કે જો શૂટિંગ દરમિયાન સેટ પર કોઈ ખરાબ સમાચાર પણ આવે, તો તું તરત ભાગીને ન આવતો. તારાથી જેટલું શક્ય હોય એટલું કામ પૂરું કરજે. આપણા કારણે પ્રોડ્યુસરને કોઈ આર્થિક કે અન્ય નુકસાન ન થવું જોઈએ.' પિતાની આ વાતે તન્મયના દિલને સ્પર્શી લીધું હતું.

પિતાની એ છેલ્લી ઈચ્છા જે અધૂરી રહી ગઈ

તન્મયે આગળ પિતાની આખરી ઈચ્છા વિશે જણાવતા કહ્યું કે, મારા પિતા દરરોજ રાત્રે 8.30થી 9ની વચ્ચે નિયમિતપણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો જોતા હતા. હોસ્પિટલમાં હતા ત્યારે શોમાં બાઘા અને બાવરીની લવ સ્ટોરીનો ટ્રેક ઓન-એર થઈ રહ્યો હતો. ત્યારે પિતાએ કહ્યું હતું, 'તારી સ્ટોરી ખૂબ જ સરસ જઈ રહી છે. હું જ્યારે સાજો થઈને ઘરે આવીશ, ત્યારે મને યૂટ્યુબ પર આ બધા જ એપિસોડ બતાવજે, મારે બધું જોવું છે.' તન્મયે પિતાને આ વાયદો પણ આપ્યો હતો, પરંતુ વિધાતાને કઈંક અલગ જ મંજૂર હતું અને ઘરે પાછા ફરતા પહેલાં જ તેના પિતાનું નિધન થઈ ગયું.

શોએ પૂરા કર્યા સફળતાના 18 વર્ષ

ઉલ્લેખનીય છે કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોએ 28 જુલાઈ 2026ના રોજ પોતાના 18 વર્ષ સફળતાપૂર્વક પૂરા કર્યા છે. આ ખાસ પ્રસંગે આખી ટીમે એકસાથે મળીને શાનદાર ઉજવણી કરી હતી, જેના વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. તન્મય વેકારિયા લાંબા સમયથી આ શોનો મહત્ત્વ હિસ્સો રહ્યો છે અને તાજેતરમાં જ તેની લવ સ્ટોરીનો ટ્રેક દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.