આમિરને લગ્નની હોબી છે કે છૂટાછેડાની? - એક પેચીદો સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અગડમ્ બગડમ્-બાબા આદમ
આમિર જાહેર કરી દે કે તે એક પરફેક્ટ પતિ બનવા જ વારંવાર લગ્નની પ્રેક્ટિસ કરે છે
લગ્ન રજિસ્ટર કરાવી આપતા અને છૂટાછેડા કરાવી આપતા વકીલોનાં એક ગૂ્રપે ભેગા થઈ આમિર ખાનનું જાહેર સન્માન યોજવાનું નક્કી કર્યું.
પ્રમુખ વકીલ : આમિર એક કલાકાર તરીકે ઉત્તમ છે કે નહિ તે બાબતે મતમતાંતર હોઈ શકે, પરંતુ આપણા ગુ્રપનો સર્વસામાન્ય ચુકાદો એ છે કે એક પુરુષ તરીકે એ આપણા માટે આદર્શ ક્લાયન્ટ પુરવાર થઈ શકે. આ માટે આપણે આમિરનું જાહેર સન્માન ગોઠવવાનું નક્કી કર્યું છે.
સભ્ય ૧ : પણ આપણે આમિરને સન્માનપત્રમાં શું લખીશું? એને વારંવાર લગ્ન કરવા બદલ આપણો આદર્શ ક્લાયન્ટ ગણાવીશું કે વારંવાર છૂટાછેડા લેવા બદલ?
સભ્ય ૨ : છોકરા-છોકરી એકબીજાને લગ્ન માટે જોવાનું ગોઠવે ત્યારે હોબીનો સવાલ સૌથી પહેલાં પૂછે છે. આમિર દર વખતે લગ્નનું નક્કી કરતી વખતે આ હોબીના સવાલમાં શું જવાબ આપતો હશે? મને લગ્ન કરવાની હોબી છે એમ? કે પછી મને છૂટાછેડા લેવાની હોબી છે એમ? આ પણ એક પેચીદો સવાલ તો છે જ.
સભ્ય ૩: મારો તો આમિરને સન્માન આપવા સામે જોકે વિરોધ છે. છૂટાછેડાના કેસમાં ભરણપોષણનો ઝઘડો થાય, બાળકોની કસ્ટડી બાબતે તકરાર થાય એમાં આપણને વધુ સારી રીતે કાનૂની લડાઈની તક મળે છે. આમિરના કેસમાં આવા ભરણપોષણ કે બાળકોની કસ્ટડીના ઝઘડા થયાનું હજુ સુધી જાણમાં આવ્યું નથી.
સભ્ય ૪: મારી પાસે પાકી બાતમી છે કે આમિરે કઈ વાઈફથી કયો છોકરો છે અને કોના જન્મ પછી પોતે કોની સાથે લગ્ન કર્યાં છે એ બધું પેલા ગઝનીની જેમ બાવડાં અને પીઠ પર ચીતરાવવા માંડયું છે. એટલે જ તેને બાળકોની કસ્ટડી બાબતે બહુ ઝઘડા નથી થતા.
સભ્ય ૫ : આપણે આમિરને સન્માન માટે બોલાવીએ ત્યારે એને વિનંતી કરીશું કે એમ બોલે કે પોતાને લગ્ન કે છૂટાછેડાની કોઈ હોબી નથી. પરંતુ એક પરફેક્શનિસ્ટ તરીકે એક પરફેક્ટ પતિ બનવા જ તે વારંવાર લગ્નની પ્રેક્ટિસ કર્યા કરે છે. અને વારંવાર લગ્ન માટે તેણે વારંવાર છૂટાછેડા લેવા પડે છે. આ રીતે આપણા ક્લાયન્ટને પ્રેરણા મળશે.
સભ્ય ૬ : મારે તો આપણું સન્માન સ્વીકારવા આમિર આવે ત્યારે એની પાસે એનાં બીજી-ત્રીજી વારનાં લગ્નની કંકોતરી જોવા માગવી છે. એની કંકોતરીમાં એ પોતાનાં આગલાં લગ્નોનાં છોકરાંના નામે 'મારા અબ્બાના લગ્નમાં જલૂલ જલૂલથી આવજો' એવું કાંઈ લખાવે છે કે નહિ એ જરા મારે જોવું છે.
ગૂ્રપના સેક્રેટરી: ભાઈઓ, આમિરના સન્માનનો પ્લાન હમણા પડતો મૂકો. મેં એને આપણા વતી સન્માન માટે કહેડાવ્યું હતું તો એનો જવાબ આવ્યો છે કે વારંવાર લગ્નો બદલ સન્માન કરવા માટે પહેલેથી જ દેશભરના મંડપવાળા, બેન્ડવાળા , કેટરિંગવાળા , ફૂલવાળા, હોટલોવાળા, મહેંદીવાળા, સંગીતસંધ્યાવાળા, ફોટો અને વિડીયોવાળા એમ કંઈ કેટલાંય સંગઠનોની દરખાસ્તો પહેલેથી આવી ગઈ છે, પણ હવે એ ફરી છૂટાછેડા લેવા તથા નવાં લગ્નની તૈયારીમાં વ્યસ્ત થવાનો હોવાથી હાલ તેની પાસે કોઈ પ્રકારના સન્માનો સ્વીકારવાનો સમય નથી.
આદમનું અડપલું
આમિરની બાયોપિક બને તો ટાઈટલ શું હોય? શાદી સે શાદી તક.









