દિલ્હીની વાત : જમીન કૌભાંડના આક્ષેપો પછી મોહન યાદવનું શું થશે

નવીદિલ્હી : મધ્યપ્રદેશનું ઉજ્જૈન, રાજ્યનું એક સૌથી વધુ પ્રગતીશીલ શહેર ગણાય છે. ઉજ્જૈનમાં નવા રસ્તાઓ બની રહ્યા છે, હાઇવે આવી રહ્યા છે. જમીનના ઉપયોગમાં બદલાવ થઈ રહ્યો છે અને રહેઠાણની યોજનાઓને કારણે રીયલ એસ્ટેટ માટે ઉજ્જૈન બધાને આકર્ષિ રહ્યું છે.
એક અખબારે તપાસ કરી તો ખબર પડી કે મુખ્યમંત્રી મોહન યાદવ, એમના પરિવાર, ભાઇ-બહેન અને પિતરાઇ ભાઈઓએ ઉજ્જૈનમાં મોટા પ્રમાણમાં જમીન ખરીદી છે. ૨૦૨૩ની ૧૩મી ડિસેમ્બરે મોહન યાદવ મુખ્યમંત્રી બન્યા પછી એમના કુટુંબીઓએ અને એમની રીયલ એસ્ટેટ કંપનીઓએ ૧૩૭ પ્લોટ પોતાના નામે ખરીદ્યા છે. આ પ્લોટોની કુલ જમીન ૧૬૭ એકર છે અને એની પાછળ ૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ વિવાદને કારણે મધ્યપ્રદેશ ભાજપમાં ચર્ચાએ જોર પકડયું છે કે, પ્રમાણીકતાની વાતો કરતું ભાજપ હાઇકમાન્ડ મોહન યાદવને ઘરે બેસાડે છે કે ચાલુ રાખે છે એ જોવું રહ્યું.
પહેલા મમતાને હોદ્દાપરથી દુર કર્યા, પછી આપી બીજી ઓફર
તૃણમુલ કોંગ્રેસના બળવાખોર નેતાઓએ પક્ષના નેતૃત્વને એક આંચકો આપીને મમતા બેનર્જીની જગ્યાએ અરૂપ રોયને પક્ષ પ્રમુખ બનાવી દીધા છે. જોકે બળવાખોર નેતાઓ ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે થોડા નરમ પડયા છે. સાંસદ અભિષેક બેનર્જી માટે એમની નારાજગી બરકરાર છે. જાણવા મળ્યા પ્રમાણે મમતાને સલાહકાર બનાવવાની ઓફર પણ કરવામાં આવી છે. આ બળવાખોર જૂથ ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાને મળવા પણ જઈ શકે છે. રીતાબ્રતા બેનર્જીએ મમતા બેનર્જી પ્રત્યે કુણા પડીને કહ્યું હતું કે જો તેઓ સલાહકાર બનવા માંગતા હોય તો એમનું સ્વાગત છે. રીતાબ્રતાએ ચોખ્ખુ કહ્યું છે કે મીટીંગમાં અભિષેક બેનર્જી વિશે કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી. એમણે ટોણો મારતા કહ્યું હતું કે, 'કોણ છે અભિષેક'
કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનને અપમાનીત કરીને દુર કરાયા
કેન્દ્રીય રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયનએ મંત્રી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. આ જાણકારી રાષ્ટ્રપતિભવનએ આપી છે. પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહને કારણે એમનું રાજીનામુ સ્વિકારી લીધું છે. ૬૫ વર્ષના કુરિયન મોદી સરકારમાં લઘુમતિ તેમજ મત્સ્ય પાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા. ઓગસ્ટ ૨૦૨૪થી તેઓ મધ્યપ્રદેશથી ચૂંટાઈને રાજ્યસભામાં ગયા હતા. ૨૧મી જૂને રાજ્યસભાના સાંસદ તરીકે એમનો કાર્યકાળ પુરો થયો હતો. ભાજપએ એમને કોઈપણ કારણવગર ફરીથી રાજ્યસભામાં મોકલ્યા નહોતા. કુરિયન કેરળમાં ભાજપના સિનિયર નેતા ગણાય છે. ભાજપના કેટલાક નેતાઓનું માનવું હતું કે કેરળમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દેખાવ નબળો રહ્યા પછી કુરિયનને ખાસ ભાવ આપવાની જરૂર નથી. મોદી અને શાહના કેરળ પ્રવાસ વખતે કુરિયન એમના ભાષણોનું ભાષાંતર મલિયાલમમાં કરતા હતા.
રાઘવ ચઢ્ઢા પંજાબ પહોંચ્યા
આમ આદમી પાર્ટી છોડયા પછી સાંસદ રાઘવ ચઢ્ઢા પહેલીવાર પંજાબ ગયા હતા. આપ છોડીને ભાજપમાં જોડાયા પછી રાઘવ ચઢ્ઢા પાસે ખાસ કામ રહ્યું નહોતું. સોશ્યલ મીડિયા પર તેઓ પોતાની અંગત પ્રવૃત્તિની તસવીરો અને પોસ્ટ મૂકતા હતા. હવે એકાએક એમને ભાજપની અગત્યની મીટીંગમાં પંજાબ બોલવવામાં આવ્યા. આ મીટીંગમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નવીન પણ હાજર રહ્યા હતા. બંગાળની જીત પછી ભાજપના રણનીતિકારો પંજાબમાં પણ આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી જીતવા માંગે છે. વર્ષોથી ભાજપના નેતાઓનું સ્વપ્ન છે કે પંજાબમાં એમની સરકાર બને. એમ મનાય છે કે રાઘવ ચઢ્ઢાને ભાજપમાં લાવવા પાછળનો હેતુ પંજાબમાં એમની મદદ લેવાનો છે. મળેલી બેઠકમાં આવતા વર્ષે થનારી ચૂંટણીની રણનીતિ બાબતે ચર્ચા થઈ હતી અને ચઢ્ઢાને કેટલીક જવાબદારી સોંપવામાં આવી હોવાનું પણ કહેવાય છે.
આરએસએસના નેતાઓની ઝેડ સિક્યુરીટી બાબતે વિવાદ
સામાજીક - રાજકીય ચળવળકર્તા તેમજ પર્યાવરણ નિષ્ણાંત હંસરાજ મીનાએ સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, આરએસએસ કરોડો હિન્દુઓની રક્ષા કરવા ઉપરાંત હિન્દુ સંગઠન હોવાનો દાવો કરે છે. જો આમ જ હોય તો એમના સર્વોચ્ચ નેતાઓને ઝેડ પ્લસ સુરક્ષાની જરૂર કેમ પડે છે? શું સંગઠન પોતાના નેતાઓની સુરક્ષા કરવા માટે સક્ષમ નથી? સંઘ વારંવાર પોતાને હિન્દુ સંગઠન ગણાવીને શક્તિશાળી કહે છે તો પછી સરસંઘ ચાલકને સરકારી સુરક્ષાની જરૂર શા માટે પડે છે? એમના પર એવા તે કેવા જોખમો છે કે, આરએસએસના સ્વયં સેવકો એમની રક્ષા કરી શકતા નથી? જ્યારે સામાન્ય માણસ, સામાજીક કાર્યકર, પત્રકાર કે આદિવાસી અધિકાર માટે લડનારાઓ રક્ષણની માંગણી કરે છે તો એમને અવગણવામાં આવે છે. આ આક્ષેપનો જવાબ આપતા કેટલાકે લખ્યું હતું કે, મોહન ભાગવતને સુરક્ષા આપવામાં આવી છે, કારણ કે જાસુસી એજન્સીઓ પાસે માહિતી છે કે, આતંકવાદી સંગઠનોથી એમને ખતરો છે.
'હિન્દુત્વ છોડવાથી ઉદ્ધવ ઠાકરેની પડતી થઈ'
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ૬ સાંસદો એકનાથ શિંદેની શિવસેના સાથે જોડાઈ જવાથી મોટો વિવાદ થયો છે. ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત આ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી રહ્યા છે. ભાજપના પ્રવક્તા આરપી સિંહના કહેવા પ્રમાણે ઉદ્ધવ ઠાકરે હિન્દુત્વના રસ્તે ચાલવાનું ભૂલી ગયા એ કારણે પક્ષ તૂટયો છે. જોકે રાજકીય નીરિક્ષકોનું માનવું કંઈક જુદુ જ છે. કેટલાક રાજકીય નીરિક્ષકો માને છે કે, બાલા સાહેબ ઠાકરે હયાત હતા ત્યા સુધી શિવસૈનિકો કટ્ટર હિન્દુવાદી હતા. એમનું રાજકીય ઘડતર પણ હિન્દુત્વની વિચારધારાને આધારે થયું હતું. છેલ્લા થોડા વર્ષોથી ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ સાથે જોડાણ કર્યું અને વિચારધારા બદલી. નવી સેક્યુલર વિચારધારા પચાવવી કેટલાક નેતાઓ માટે શક્ય નહોતી. પૈસાની લાલચ અને ગમતી વિચારધારા સાથે જોડાવાની શક્યતાને કારણે સાંસદો બળવાખોર બન્યા.
સુતેલા અન્ના હજારે ફરીથી સળવળ્યા
૨૦૧૨માં અન્ના હજારેએ અરવિંદ કેજરીવાલ, પ્રશાંત ભૂષણ અને કુમાર વિશ્વાસ જેવા સાથીદારોની મદદથી તત્કાલીન સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કર્યું હતું. અન્ના હજારેને ખાનગીમાં આરએસએસ અને ભાજપનો ટેકો હતો. હજારેને આ આંદોલનમાં સફળતા મળી, પરંતુ ત્યાર પછી એમણે બીજા આંદોલનની જ્યારે જાહેરાત કરી ત્યારે એમની સાથે ચકલુ પણ ફરક્યું નહોતું. હવે જતી ઉંમરે અન્ના હજારેએ ફરીથી આંદોલન શરૂ કરીને ચર્ચામાં રહેવું છે. અન્નાએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી છે. એમણે કહ્યું છે કે જો રાજ્ય સરકાર માહિતીના અધિકારના નિયમોમાં કરેલા ફેરફાર પરત નહીં ખેચે તો તેઓ ૫મી જુલાઈથી અહમદ નગર જિલ્લાના રાલેગણ સિદ્ધિ ખાતે આમરણાંત ઉપવાસ પર ઉતરશે. એમનું કહેવું છે કે નવા નિયમોને કારણે પારદર્શિતા નબળી પડશે અને સામાન્ય વ્યક્તિને જાણકારી મેળવવી પહેલા કરતા અઘરી બનશે.








