Chitralok

તોરલ રાસપુત્રા પડદા પર 'કુંતી'ને કરી રહી છે હાજરાહજૂર

By GS Team
2 Jul 20263 mins read
તોરલ રાસપુત્રા પડદા પર 'કુંતી'ને કરી રહી છે હાજરાહજૂર

આપણા પૌરાણિક મહાકાવ્યો 'રામાયણ' અને 'મહાભારત' જેટલી વખત વાંચો, સાંભળો કે જૂઓ એટલી વખત તેમાંથી કાંઈક નવું સમજવા મળે. સામાન્ય માનવીને જીવનની નવી દ્રષ્ટિ આપતાં આ મહાકાવ્યો સીરિયલ સર્જકોમાં પણ લાંબા સમયથી પ્રિય થઈ પડયાં છે. કદાચ એટલે જ અલગ અલગ શો સર્જકો તેને જુદાં જુદાં દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. મઝાની વાત એ છે કે દર્શકો પણ તેનાથી કંટાળ્યા નથી. તેઓ દર વખતે જુદા એંગલ, નવા કલાકારો, વેગળી રજૂઆત જોવા ટીવી સામે ગોઠવાઈ જાય છે. દર વખતે તેમાં કામ કરતાં કલાકારોને તેમના પાત્રો થકી નવી ઓળખ મળે છે. હાલના તબક્કે ટચૂકડા પડદે ચાલી રહેલા પૌરાણિક શો 'હસ્તિનાપુર કે વીર'ની જ વાત કરીએ તો તેમાં 'મહાભારત'ને નોખી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. તેમાં કૌરવો અને પાંડવોના બાળપણ પર ફોકસ કરવામાં આવ્યું છે અને જાણીતી અદાકારા તોરલ રાસપુત્રા આ શોમાં માતા 'કુંતી'ની ભૂમિકા ભજવી રહી છે.
જોકે આ શો જોનારાઓ ચોક્કસપણે એટલું કહેશે કે તોરલ 'કુંતી'નું પાત્ર ભજવી નથી રહી, બલકે જીવી રહી છે. વાસ્તવમાં મહાભારતના કેન્દ્રમાં રહેલા આ કિરદારને 'હસ્તીનાપુર કે વીર'માં જોતાં એવો ભાસ થાય જાણે સ્વયં કુંતી આપણી સામે હાજરાહજૂર છે. કહેવાની જરૂર નથી કે કુંતીના નિર્ણયો, ત્યાગ, સંસ્કાર, અડગતા સાથે જ દેખાઈ આવતી ઋજુતા મહાભારતની રચનામાં મહત્વનું યોગદાન આપે છે. કદાચ એટલે જ 'કુંતી' આ મહાકાવ્યનું ચીરસ્મરણીય પાત્ર બની ગયું છે. સ્વાભાવિક રીતે જ તોરલ આ કિરદાર અદા કરવા મળતાં પોતાને ભાગ્યશાળી માની રહી છે.
તોરલ કહે છે કે મને જ્યારે આ શોની સ્ટોરીલાઈન અને મારા કિરદાર વિશે જણાવવામાં આવ્યું ત્યારે મારા મનમાં ઉત્સાહ સાથે ચોક્કસ જવાબદારીની ભાવના પેદા થઈ હતી. 'કુંતી' મહાભારતનું અત્યંત માનનીય અને જટિલ પાત્ર છે. તેથી મારે તેને કાળજીપૂર્વક અને સંતુલિત રીતે રજૂ કરવાનું છે.

જોકે તોરલે અત્યાર સુધી ઘણાં શક્તિશાળી પાત્રો ભજવ્યાં છે તેથી તેને માટે સશક્ત મહિલાનો રોલ અદા કરવાનું કામ નવું નહોતું. પરંતુ કુંતી દરેક રીતે નોખી તરી આવે છે. તે માત્ર પાંચ પાંડવોની માતા જ નથી, બલકે સહનશીલતા, ત્યાગ, જ્ઞાાનનું પ્રતિક છે. તેના જીવનમાં ફરજ, નૈતિકતા અને ભાવનાઓ પ્રથમ સ્થાને છે. તેની શક્તિઓ શાંત જળ જેવી, છતાં પ્રભાવશાળી છે. તેના આ ગુણો 'કુંતી'ને નોખી તારે છે.
આપણા પૌરાણિક પાત્રો પ્રત્યે દર્શકોને વિશેષ પ્રેમ-રસ-રુચિ છે. તેથી તેમાં કલાકાર દ્વારા થતી ક્ષુલ્લક ક્ષતિ પણ તેઓ સાંખી નથી શકતા. તોરલ આ વાતથી સુમાહિતગાર હોવાથી તેણે કેમેરા સામે જવાથી પહેલા આ કિરદાર વિષયક પૂરતું સંશોધન કરી લીધું હતું. તે કહે છે કે મેં કુંતી વિશે ઘણું વાંચ્યુ, હજી પણ વાંચતી રહું છું. ખાસ કરીને તેની ભાવનાત્મક સફર સમજીને તેને વાસ્તવિક સ્વરૂપ રજૂ કરવાનો પ્રયાસ કરું છું. કુંતી અત્યંત મજબૂત મનોબળ ધરાવતી, તેજસ્વી, ગૌરવશાળી અને માનવતાથી છલોછલ સ્ત્રી છે. મારે તેના આંતરિક સંઘર્ષને સુપેરે રજૂ કરવાનો હોવાથી મેં શોના દિગ્દર્શક અને ક્રીએટિવ ટીમ સાથે તેના વિશે ઘણી ચર્ચાઓ કરી છે. મને આ કિરદાર માટે શારીરિક કરતાં માનસિક અને ભાવનાત્મક તૈયારીઓની વધુ જરૂર પડે છે.
કુંતીના કિરદારની તૈયારી વખતે તોરલે તેના માનવ સહજ પાસાને સ્પર્શ કર્યો હતો. અભિનેત્રી કહે છે કે સામાન્ય રીતે આપણે પૌરાણિક પાત્રોને, ખાસ કરીને ગુણવાન લોકોને અસામાન્ય માની બેસીએ છીએ.
આપણને એમ લાગે જાણે તેમનામાં માનવ સહજ નબળાઈઓ હોઈ જ ન શકે. પરંતુ આ આપણો ભ્રમ છે. કુંતીએ પણ શંકા અને ભયનો સામનો કર્યો હતો. તે માત્ર પાંડવોની માતા નથી, બલકે એક અચ્છી માર્ગદર્શક, વ્યુહરચનાકાર પણ છે. તેના માટે પરિવારનું સુખ જ સર્વસ્વ છે.
તોરલ શૂટિંગ દરમિયાન બાળકલાકારો સાથે કામ કરતી વખતે નોંધતી રહે છે કે તેઓ કેટલા મહેનતુ અને ટેલેન્ટેડ છે. અદાકારા કહે છે કે તેમનું કામ પ્રત્યેનું સમર્પણ અને કૌશલ્ય ચકિત કરી દેનારું છે. તેમની સાથે કામ કરવું મારા માટે એક લ્હાવો છે.