Chitralok

'આ વાદ્ય તમારા જેવા કલાકારના હાથમાં જ શોભે...'

By GS Team
9 Jul 20264 mins read
'આ વાદ્ય તમારા જેવા કલાકારના હાથમાં જ શોભે...'

સિને મેજિક- અજિત પોપટ
'ગુડ મોનગ જેન્ટલમેન, આપ ભારતીય જણાઓ છો. કયું વાજિંત્ર નિહાળતા હતા? આપ સંગીત જાણો છો?'
યુવાન આંખો મીંચીને રાગમાં ખોવાઇ ગયો. સ્ટોર માલિક અને સ્ટોરનો સ્ટાફ પણ મંત્રમુગ્ધ થઇને ત્યાં એકઠો થઇ ગયો. સ્ટોરની બહાર પણ મેદની જામી ગઇ. લગભગ પોણો કલાકથી કલાક વીતી ગયો. પેલા યુવાને પોતાનું વાદન પૂરું કર્યું ત્યારે એની આંખો વહેતી હતી.

'એ મિસ્ટર, અહીં કેમ ઊભા છો? કંઇ ખરીદવું છે તમારે કે પછી ટાઇમ પાસ કરવા ઊભા છો?' અમેરિકાના લોસ એન્જલસ શહેરના એક પ્રતિતિ સ્ટોરની સેલ્સ ગર્લે તુચ્છકારથી પૂછયું. સ્ટોરના કાચના શો કેસ સામે સાવ સાદા પોષાકમાં સજ્જ એક શામળો યુવાન ઊભો હતો.
'જી,' પેલા યુવાને નમ્રતાથી જવાબ આપતાં કહ્યું, 'માફ કરજો, હું આ વાજિંત્ર નિહાળી રહ્યો છું.'
'એ ખરીદવાનું તમારા ગજા બહારનું છે, માત્ર જોઇને રાજી થજો', પેલીએ યુવાનના મસ્તકથી પગ સુધી એક નજર ફેરવીને મોં મચકોડતાં ટકોર કરી.
પેલા યુવાનના સદભાગ્યે એ જ ક્ષણે સ્ટોરનો માલિક કોઇ કારણસર પોતાની કેબિનમાંથી બહાર નીકળ્યો. પોતાની સેલ્સ ગર્લનો તૂચ્છકારભર્યો ટોન સાંભળીને એ આ તરફ આવ્યો. સ્ટોર માલિકને જોઇને પેલી યુવતીએ કહ્યું, 'સર, આ માણસ ક્યારનો અહીં ઊભો છે એટલે મારે એને ટોકવો પડયો.' સ્ટોર માલિકે એ યુવતીને આંખના ઇશારે અંદર મોકલી. પછી બહાર ઊભેલા શામળા યુવાનને સંબોધીને કહ્યું, 'ગુડ મોનગ જેન્ટલમેન, પ્લીઝ અંદર આવો. આપ ભારતીય જણાઓ છો. કયું વાજિંત્ર નિહાળતા હતા? આપ સંગીત જાણો છો?'
સિતારસમ્રાટ પંડિત રવિશંકર અને સરોદનવાઝ ઉસ્તાદ અલી અકબર ખાન ૧૯૫૦ના દાયકાની આખરે અમેરિકામાં સ્થાયી થયા ત્યારબાદ શુદ્ધ ભારતીય પોષાક પહેરેલા આપણા લોકો પ્રત્યેના અમેરિકી પ્રજાના વાણી-વર્તનમાં થોડીક કુમાશ આવી છે.
'થેંક્સ સર. હું આ સૂરબહાર જોતો હતો,' ભારતીય યુવાને નમ્રતાથી જવાબ આપ્યો.
એનો જવાબ સાંભળીને સ્ટોર માલિક પ્રભાવિત થયો. એને ખ્યાલ આવી ગયો કે આ માણસ જરૂર સંગીત જાણતો હોવો જોઇએ. એણે પોતાના એક સહાયકને કહ્યું કે પેલું સૂરબહાર લઇ આવ.
વાજિંત્ર આવતાં સ્ટોર માલિકે પેલા યુવાનના હાથમાં મૂક્યું, 'લો, જોઇ લો.'
યુવાને વાજિંત્રને ખોળામાં લેતાં પ્રણામ કર્યા. તારનો ટંકાર કર્યો. કંઈક વિચાર્યું અને સૂરબહારના તાર ચોક્કસ રીતે મેળવવા માંડયા. તાર ચોક્કસ સૂરમાં મેળવાઇ જતાં આંખો મીંચીને પ્રભુસ્મરણ કર્યું….
મહાનગર મુંબઇ બોલિવુડનું હાર્દ છે એમ લોસ એન્જલસ હોલિવુડનું મુખ્ય પ્રવૃત્તિ કેન્દ્ર છે. અહીં બીવર્લી હિલ્સ જેવા વિસ્તારમાં હોલિવુડના કેટલાક ટોચના ફિલ્મ સ્ટાર્સના ભવ્ય બંગલાઓ છે. લોસ એન્જલસમાં સંગીતનાં વાજિંત્રો વેચતા કેટલાક સુપરસ્ટોર્સ છે. અમેરિકાના ટોચના સંગીતકારો અહીં વાજિંત્રો ખરીદવા આવે છે. એવો જ એક પ્રતિતિ સ્ટોર એટલે બેલફ્લાવર મ્યુઝિક સેન્ટર. અહીં એક જૂનું (સેકંડહેન્ડ) સૂરબહાર હતું. એક માન્યતા એવી છે કે સિતાર, સંતુર, સરોદ કે સૂરબહાર જેટલાં જૂનાં અને વગડેલાં હોય એટલી એની મીઠાશ વધુ. સ્વરોનો ગૂંજારવ વધુ ઘેરો. (રમૂજમાં કહીએ તો જેટલો જૂનો શરાબ એટલી એની કિંમત વધુ).
ભારતીય સંગીતમાં સૂરબહાર એક અલૌકિક સાજ ગણાય છે. પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબર ખાન, પંડિત પન્નાલાલ ઘોષ વગેરેના ગુરુ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન સાહેબ અજોડ સૂરબહાર વાદક હતા. એમનો એ વારસો ઉસ્તાદજીની પુત્રી (પંડિત રવિશંકરનાં પહેલાં પત્ની) અન્નપૂર્ણાદેવીએ સાચવ્યો હતો. આજે આ વાદ્યના વાદકો બહુ ઓછા છે. આમ તો સૂરબહાર એક પ્રકારની સિતાર જ છે. પરંપરાગત સિતાર કરતાં એનું કદ મોટું હોય અને એ મંદ્ર સપ્તક એટલે કે ખરજના ધીરગંભીર સૂરથી ગૂંજતું રહે છે. એ વગાડવા માટે વગાડવા માટે વરસોનો રિયાઝ જોઇએ.
બેલફ્લાવર મ્યુઝિક સેન્ટરમાં સૂરબહારને પોતાના ખોળામાં લઇને બેઠેલા એ ભારતીય યુવાને અત્યંત સ્વસ્થપણે સૂરબહારના તાર મેળવ્યા પછી છેડયા. એક રાગના સ્વરો વહેતા કર્યા. ધીમે ધીમે એ રાગની હવા બંધાવા માંડી. એ સૂરાવલિથી સ્ટોર ગૂંજી ઊઠયો. રાગ એવો છેડાયો કે સ્ટોરની બહાર થોડીવારમાં ભીડ જામી ગઇ. પેલો યુવાન તો આંખો મીંચીને રાગમાં ખોવાઇ ગયો હતો. સ્ટોર માલિક અને સ્ટોરનો સ્ટાફ પણ મંત્રમુગ્ધ થઇને ત્યાં એકઠો થઇ ગયો. સ્ટોરની બહાર પણ મેદની જામી ગઇ. લગભગ પોણો કલાકથી કલાક વીતી ગયો. પેલા યુવાને પોતાનું વાદન પૂરું કર્યું ત્યારે એની આંખો વહેતી હતી. સ્ટોરની બહાર ઊભેલા લોકોએ ઉમળકાભેર તાળીનો ગડગડાટ કર્યો. સ્ટોરના સ્ટાફે પણ આ અજનબી વ્યક્તિને ઉલટભેર બિરદાવી. સ્ટોરની બહાર ઊભેલા અજનબી યુવાનને ટકોર કરનારી પેલી યુવતી તો સાવ ભોંઠી પડી ગઇ.
સ્ટોર માલિકે પરસેવે નહાઇ ગયેલા યુવાન માટે ચા-નાસ્તો મંગાવ્યો. 'પ્લીઝ, અમારી મહેમાનગતિ સ્વીકારો કલાકાર…' સ્ટોર માલિકે નમ્રતાથી કહ્યું. પછી પોતાના સ્ટાફને આદેશ આપ્યો, 'આ સૂરબહાર પેક કરો.'
'ના ના, સર. સોરી, મેં એની પ્રાઇઝ ટેગ જોઇ છે. હું એટલી રકમ લઇને આવ્યો નથી. આ તો અહીંથી પસાર થતો હતો એટલે આ સૂરબહાર જોઇને હું આકર્ષાયો,' પેલા યુવાને થોડા સંકોચ સાથે કહ્યું.
'પણ મેં ક્યાં તમારી પાસે આ સાજની કિંમત માગી છે,' સ્ટોર માલિકે સહજતાથી કહ્યું, 'આ સાજ તમારા જેવા કલાકારના હાથમાં જ શોભે. સ્ટોરના શો કેસમાં નીરવ અને નિર્જીવ રીતે પડયું રહે એના કરતાં તમારા જેવા સ્વરસાધક જોડે રહે એમાં એની શોભા છે. આ સાજ હું તમને બેલફ્લાવર મ્યુઝિક સેન્ટર તરફથી ભેટ આપું છું. પ્લીઝ, એનો સ્વીકાર કરીને અમને ઉપકૃત કરો. આપનો પરિચય અને સંપર્ક સૂત્ર જરૂર અમને આપો.'
કોણ હતો આ યુવાન? હિન્દી ફિલ્મ સંગીતકાર વસંત દેસાઇ જેવા જ એક ઓલિયા સ્વભાવના ઔર એક ફિલ્મ સંગીતકારની વાત આજથી આપણે શરૂ કરીએ છીએ. 'ગુજરાત સમાચાર'ના ઘણા સંગીતરસિક વાચકો આ સંગીતકારને પિછાણી ગયા હશે. એમનાં થોડાં યાદગાર ગીતોનો આસ્વાદ હવે આપણે માણવાના છીએ.