'શાહરૂખ, હું તમને મારા પતિ કરતાંય વધારે પ્રેમ કરું છું...'

…અને શાહરૂખ ખાન જવાબ આપે છે, 'હું જાણું છું કે આ એક ઇમોશનલ અતિશયોક્તિ છે અને હું તમારી લાગણીઓને સંપૂર્ણપણે સમજી શકું છું. મને ખાતરી છે કે તમારા હસબન્ડ પણ આ વાત સારી રીતે સમજતા જ હશે. હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું, તમારા પતિને પણ પ્રેમ કરું છું…'
કલાકારોના ચાહકોની દુનિયા ખરેખર અનોખી હોય છે. તેમની આકાંક્ષાઓ અને પ્રેમ વ્યક્ત કરવાની રીત સાવ જુદી હોય છે, જે ક્યારેક કલાકારો માટે મીઠી મૂંઝવણ સમાન બની જાય છે. હજુ થોડા દિવસ પહેલાં શાહરુખ ખાન સાથે પણ આવી જ એક રસપ્રદ ઘટના બની. કિંગ ખાન એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપવા મેંગલુરુ પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમના આગમનથી લઈને ઇવેન્ટ સુધીના તેમના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયા, જેમાં શાહરૂખની એક ઝલક મેળવવા માટે ઉમટેલા ચાહકોનો અદભૂત ઉત્સાહ કેદ થયો છે.
આ કાર્યક્રમ દરમિયાન શાહરુખ ખાન પ્રેક્ષકો સાથે સંવાદ કર્યો અને પોતાનાં લોકપ્રિય ગીતો પર ડાન્સ પણ કર્યો. હાજર રહેલી ભીડ રોમાંચિત ન થાય તો જ આશ્ચર્ય. વાઈરલ થયેલા એક વીડિયોમાં એક મહિલા પ્રશંસક જાહેરમાં શાહરુખ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા કહી બેસે છે કે, 'શાહરુખ, મારા હસબન્ડ કરતાં પણ હું તમને વધારે પ્રેમ કરે છે!'
આ સાંભળીને કિંગ ખાને પોતાની આગવી રમૂજી શૈલીમાં હાજરજવાબી પ્રતિક્રિયા આપી. એણે હસતાં હસતાં કહ્યું, 'યે સબ અકેલે મેં બતાના ચાહિયેના!' આટલું કહીને તેણે ઉમેર્યું કે, 'હું જાણું છું કે આ એક ઇમોશનલ અતિશયોક્તિ છે અને હું તમારી લાગણીઓને સંપૂર્ણપણે સમજી શકું છું. મને ખાતરી છે કે તમારા પતિ પણ આ વાત સારી રીતે સમજતા જ હશે. હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું અને તમારા પતિને પણ પ્રેમ કરું છું. ખૂબ ખૂબ આભાર!'
અન્ય એક વીડિયોમાં એક ચાહકના પ્રશ્નનો ઉત્તર આપતા શાહરુખ ખાને જણાવ્યું હતું કે, 'જો હું અભિનેતા ન બન્યો હોત, તો મને મેંગલુરુ જેવા સુંદર શહેરમાં સેટલ થઈને ખૂબ આનંદ થયો હોત. અને હા, હું ચોક્કસપણે એક શિક્ષક બન્યો હોત. મને લાગે છે કે હું અહીંની સેન્ટ એલોયસિયસ સ્કૂલ, શારદા વિદ્યાલય અથવા માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં છોકરાઓને ભણાવતો હોત.'









