Chitralok

કૃતિ ખરબંદાની સાફ વાત : સોશિયલ મિડીયાના આક્રમણ સામે જરાય નમતું ન જોખશો

By GS Team
9 Jul 20263 mins read
કૃતિ ખરબંદાની સાફ વાત : સોશિયલ મિડીયાના આક્રમણ સામે જરાય નમતું ન જોખશો

'સોશિયલ મિડીયા પર બોલિવુડના કલાકારો વિશે જાતજાતની અને ચિત્રવિચિત્ર વાતો ફેલાતી હોય છે. ઘણા કલાકારોને તેનાથી માનસિક પરેશાની થતી હોય છે'
આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં સોશિયલ મિડિયા અતિ સક્રિય છે.શાળાનાં વિદ્યાર્થીઓથી લઇને મોટેરા સુધીનાં સહુ પોતાની વાત, નારાજી, ખુશી વ્યક્ત કરવા માટે સોશિયલ મિડિયાનો જબરો ઉપયોગ કરે છે. વળી, આ જ સોશિયલ મિડિયાના પ્લેટફોર્મને કારણે જાતજાતના વિવાદ પણ ફૂટી નીકળતા હોય છે.
સોશિયલ મિડિયાના આક્રમણથી ફિલ્મનાં કલાકારો પણ બાકાત નથી. હિન્દી ફિલ્મનાં અભિનેતાઓ અને અભિનેત્રીઓના અભિનય, તેમનાં ફેશનેબલ વસ્ત્રો, શોખથી લઇને અભ્યાસ થી લઇને તેમનાં વાણી -વર્તન વગેરે બાબતોમાં તેમનાં ચાહકો સોશિયલ મિડિયા પર તેમનો ધારદાર અભિપ્રાય વ્યક્ત કરતાં હોય છે. બોલીવુડનાં ઘણાં કલાકારોએ સોશિયલ મિડિયાના આવા આક્રમણ સામે નારાજી વ્યક્ત કરી હોવાના ૃઅખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા છે.
હિન્દી, તેલુગુ, કન્નડ ફિલ્મોની રૂપકડી અભિનેત્રી ક્રિતી ખરબંદા કહે છે, સાચી વાત છે. સોશિયલ મિડિયાના આક્રમણ સામે ટકી રહેવું ખરેખર બહુ જ પડકારરૂપ છે. સોશિયલ મિડિયાના જબરદસ્ત પ્રભાવથી ઘણી વ્યક્તિઓને માનસિક અને શારીરિક સમસ્યા થઇ હોવાનાં ઉદાહરણ મળે છે. હું થોડા સમય પહેલાં કેટલીક વ્યક્તિઓને મળી હતી ત્યારે તેઓએ મારી સમક્ષ સોશિયલ મિડિયા વિશે નારાજી વ્યક્ત કરી હતી.તેઓએ સોશિયલ મિડિયાને કારણે જે માનસિક તકલીફ સહન કરવી પડતી હોવાનું કહ્યું હતું.
એવી નારાજી પણ વ્યક્ત થઇ રહી છે કે સોશિયલ મિડિયા ક્યારેક તો ફિલ્મનાં કલાકારો ઉપરાંત વિવિધ ક્ષેત્રની પ્રસિદ્ધ વ્યક્તિઓને નિશાન બનાવે છે. ખાસ કરીને સોશિયલ મિડિયાની અમુક એપ્લિકેશન પર તેઓ આવી જાણીતી હસ્તિઓ વિશે ચિત્રવિચિત્ર વાતો, અપમાનજનક ટીપ્પણી કરતાં હોય છે. આવાં તત્વો કોઇ એક ચોક્કસ અભિનેત્રી વિશે મર્યાદાહીન કહી શકાય તેવી ટીપ્પણી પણ કરતાં હોય છે. અભિનેત્રી છેવટે તો કોઇની દીકરી, બહેન, પત્ની હોય છે. એક મહિલા વિશે એલફેલ વાતો કે ટીકા થાય ત્યારે તે બાબત અસહ્ય બની જાય.પેલી અભિનેત્રીને માનસિક પરેશાની થાય. તે વિહવળ બની જાય. અભિનેત્રી પેલાં તત્વોને કદાચ પણ વળતો જવાબ આપે પરિસ્થિતિ વધુ વણસવાની શક્યતા રહે. એટલે પેલી અભિનેત્રી કે અન્ય ક્ષેત્રની પ્રસિદ્ધ મહિલા સહન કરી લે.
તેલુગુ ફિલ્મ બોની (૨૦૦૯) થી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનારી અને રાઝ : રિબુત(૨૦૧૬) થી હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કરનારી કિર્તી ખરબંદાબહુ સંવેદનશીલ મુદ્દો રજૂ કરતાં કહે છે, ક્યારેક તો સોશિયલ મિડિયા પર બોલીવુડની અભિનેત્રીના અંગત જીવન પર ટીકા -ટીપ્પણ થતી હોય છે. આવી હરકત ખરેખર અસહ્ય બની જાય. અભિનેત્રીના સાથી અભિનેતા સાથેના સંબંધ કે અફેર, ફિલ્મનાં રોમેન્ટિક દ્રશ્યો, નવી ફિલ્મો ન રજૂ થવી, અભિનય ક્ષમતા, અભિનેત્રીઓમાં જબરી સ્પર્ધા, એકબીજાં સાથે અબોલા વગેરે જેવા સંવેદનશીલ મુદ્દા વિશે અપમાનજક ભાષાનો પ્રયોગ થતો હોય છે.
શાદી મેં ઝરૂર આના, યમલા પગલા દિવાના : ફિર સે, ૧૪ ફેરે, હાઉસફૂલ -૪ વગેરે હિન્દી ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારી ક્રિતી ખરબંદા બહુ તર્કબદ્ધ મુદે રજૂ કરતાં કહે છે, ખરેખર તો લોકોએ સમજવાની જરૂર છે કે સોશિયલ મિડિયાનું અસ્તિત્વ તો બહુ બહુ નાનું અને બહુ બહુ ઓછું મહત્વ ધરાવે છે. આટલું જ નહીં, સોશિયલ મિડિયા જેવું કાંઇ હોત જ નહીં તો પણ આપણા જીવનમાં ઘણી સારી વાતો અને પ્રસંગો બને જ છે.
ક્રિતી ખરબંદા તો ત્યાં સુધી કહે છે કે હું તમામ ભાઇ -બહેનોને કહું છું કે સોશિયલ મિડિયાના પ્લેટફોર્મ પર ભલે ગમે તેટલાખેલ ખેલાય પણ તમારા મગજની શાંતિ જાળવી રાખજો. તમે સંયમ રાખીને વળતો કોઇ જ જવાબ નહીં આપો તો તમને જરાય તકલીફ નહીં થાય. ભરપૂર વિશ્વાસ રાખજો, તમે જરાય એકલા નથી જ નથી.