Chitralok

જાહ્નવી કપૂર: 'પૅડી'ના વિવાદને ભૂલી જઈને આગળ વધવું છે

By GS Team
10 Jul 20264 mins read
જાહ્નવી કપૂર: 'પૅડી'ના વિવાદને ભૂલી જઈને આગળ વધવું છે

રોમાન્સ હોરર પેન ઈન્ડિયા ફિલ્મો
જાહ્નવીની આગામી અતિ અપેક્ષિત ફિલ્મોમાં સૌથી પહેલું નામ 'દોસ્તાના-ટુ'નું આવે છે.
ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ ક્યારની આવું-આવું કરે છે. કરણ જોહરની ઔર એક ફિલ્મ 'લગ જા ગલે' પણ જાહ્નવીની કારકિર્દીનો એક મહત્વનો પ્રોજેક્ટ બની રહેશે.

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સતત પોતાના અભિનય અને ફિલ્મોની પસંદગી દ્વારા દર્શકો વચ્ચે પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. છેલ્લે એની 'પૅડી' નામની ફિલ્મ થિયેટરોમાં રજૂ થઈ. આ ફિલ્મમાં જોકે તેની ભૂમિકા વિશે દર્શકો તેમજ સમીક્ષકો તરફથી મિશ્ર પ્રતિભાવો મળ્યા. જાહ્નવીને ખુદને લાગ્યું કે ફિલ્મમાં વાંધાજનક રીતે પેશ કરવામાં આવી છે, એના કિરદારનું 'સેક્સ્યુઅલ ઓબ્જેક્ટિફિકેશન' કરવામાં આવ્યું છે. છતાંય જાહ્નવીના ચાહકોને તો એ આ ફિલ્મમાં પણ પસંદ પડી જ. જાહ્નવી પોતાની જાતને સતત બહેતર બનાવવા મહેનત કરી રહી છે તેની પ્રતીતિ સૌને સતત
થાય છે.
'પૅડી' પછી પણ જાહ્નવી કપૂરની રફતાર ધીમી પડવાની નથી. આગામી બે વર્ષમાં તેની પાસે અનેક મોટા બેનરની અને અલગ-અલગ જોનરની ફિલ્મો છે, જે દર્શકોમાં ઉત્સુકતા જગાવી રહી છે. રોમેન્ટિક ડ્રામાથી લઈને હોરર અને પેન-ઈન્ડિયા એક્શન ફિલ્મો સુધી જાહ્નવીનું શેડયૂલ અત્યારે ફુલ છે.
જાહ્નવીની આગામી અતિ અપેક્ષિત ફિલ્મોમાં સૌથી પહેલું નામ 'દોસ્તાના-ટુ'નું આવે છે. ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ ક્યારની આવું-આવું કરે છે. ફિલ્મના કાસ્ટિંગને લઈને ઘણા વિવાદો થઈ ચૂક્યા છે. ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદન ('સિક્રેટ સુપરસ્ટાર', 'લાલ સિંહ ચઢ્ઢા') કરી રહ્યા છે, જેઓ સંવેદનશીલ શૈલીથી વાર્તા કહેવા માટે જાણીતા છે. આ ફિલ્મમાં જાહ્નવીની સાથે લક્ષ્ય લાલવાની અને વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં નજર આવશે. (અગાઉ કાર્તિક આર્યનનું નામ બોલાતું હતું.) ઓરિજિનલ 'દોસ્તાના'માં અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપડા અને જોન અબ્રાહમ હતાં. ઓડિયન્સને આશા છે કે આ સિક્વલ પણ એટલી જ મનોરંજક પૂરવાર થશે અને સંબંધો, દોસ્તી અને હાસ્યના આકર્ષક રંગો પેશ કરશે.
કરણ જોહરની ઔર એક ફિલ્મ 'લગ જા ગલે' પણ જાહ્નવીની કારકિર્દીનો એક મહત્વનો પ્રોજેક્ટ છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાજ મહેતા કરી રહ્યા છે, જેઓ ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂરની સાથે લક્ષ્ય લાલવાની અને ટાઈગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મ ૨૦૨૭માં થિયેટરોમાં રજૂ થઈ શકે છે. ટાઈગર શ્રોફની એક્શન ઈમેજ અને જાહ્નવીની ઈમોશનલ એક્ટિંગનું આ કોમ્બિનેશન ઉત્સુકતા પેદા કરે છે.
આ સિવાય જાહ્નવી કપૂર ટૂંક સમયમાં જ એક હોરર ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન 'તુમ્બાડ' જેવી ક્લાસિક ફિલ્મ બનાવનાર રાહિલ અનિલ બર્વે કરી રહ્યા છે. ભારતીય સિનેમાની શ્રે હોરર ફિલ્મોમાં સ્થાન પામેલી 'તુમ્બાડ'ના ડિરેક્ટરના કારણે આ પ્રોજેક્ટને લઈને ભારે આતુરતા છે. ઝી સ્ટુડિયોઝ દ્વારા નિમત આ ફિલ્મના નામ અને રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, પણ આ ફિલ્મ જાહ્નવીની કારકિર્દી માટે ટનગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.
જાહ્નવી કપૂર ડિરેક્ટર એટલી કુમારની મહત્ત્વાકાંક્ષી પેન-ઈન્ડિયા ફિલ્મ 'રાકા'માં પણ દેખાશે. આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને દીપિકા પદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. સન પિક્ચર્સના બેનર હેઠળ બની રહેલી આ મોટા બજેટની ફિલ્મમાં જાહ્નવીનું પાત્ર અત્યાર સુધીના તેના તમામ રોલ કરતાં તદ્દન અલગ હોવાનું કહેવાય છે. ભૂતકાળમાં શાહરૂખ ખાન સાથે સુપરહિટ 'જવાન' બનાવી ચૂકેલા ડિરેક્ટર એટલી ભવ્ય પ્રસ્તુતિ માટે જાણીતા છે. 'રાકા' દ્વારા જાહ્નવીને રાષ્ટ્રીય સ્તરે પોતાની લોકપ્રિયતા વધુ મજબૂત કરવાની તક મળશે. શરત એટલી જ છે કે ફિલ્મ સારી બનવી જોઈએ! આ ફિલ્મ પણ ૨૦૨૭માં રિલીઝ થવાની સંભાવના છે.
જૂનિયર એનટીઆર અભિનીત ફિલ્મ 'દેવરા'માં પણ જાહ્નવી કપૂરે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે ફેન્સ આ ફિલ્મના બીજા ભાગ એટલે કે 'દેવરા પાર્ટ ટુ'ની રાહ જોઈ રહ્યા છે. જોકે, હાલ આ પ્રોજેક્ટને નિર્માતાઓએ થોડો સમય હોલ્ડ પર રાખ્યો છે. અપેક્ષા એવી છે કે આ સિક્વલ દ્વારા જાહ્નવી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની પકડ વધુ
મજબૂત કરશે.
સો વાતની એક વાત એટલી જ કે જાહ્નવી કપૂર રાહ જોવાનું મન થાય તેવી ફિલ્મોના મેકિંગમાં બિઝી બિઝી છે. એની આગામી ફિલ્મોની કતાર જોતાં સ્પષ્ટ થાય છે કે એ માત્ર ગ્લેમરસ ભૂમિકાઓ સુધી સીમિત રહેવા નથી માંગતી (આ મુદ્દા પર તો એ કરીઅરની શરૂઆતથી ભાર આપતી રહી છે), પરંતુ અલગ-અલગ પડકારજનક પાત્રો દ્વારા પોતાની જાતને એક વર્સેટાઈલ (બહુમુખી) અભિનેત્રી તરીકે સ્થાપિત કરવા તરફ આગળ વધી રહી છે.
શ્રીદેવી સ્વર્ગમાંથી પોતાની બેડી બેટીની કરીઅર ગ્રાફ જોઈને મીઠું મલકાતાં હશે એ તો નક્કી!