Chhota Udaipur

છોટા ઉદેપુર: નસવાડીમાં પૂરના 3 દિવસ બાદ પણ તંત્ર નિંદ્રાધીન, ચોરામલ ગામે બ્રિજનો એપ્રોચ ધોવાતા વાહનવ્યવહાર ઠપ

By GS Team
2 Aug 20264 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના જશકી ગામમાં ભારે વરસાદથી 50થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા. ત્રણ દિવસ પછી પણ સરકારી સહાય ન મળતા ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. ચોરામલ ગામનો બ્રિજ એપ્રોચ ધોવાતા સંપર્ક તૂટ્યો, 108 પણ પહોંચી શકતી નથી. ગ્રામજનોએ તાત્કાલિક સર્વે અને સહાયની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: નસવાડીમાં પૂરના 3 દિવસ બાદ પણ તંત્ર નિંદ્રાધીન, ચોરામલ ગામે બ્રિજનો એપ્રોચ ધોવાતા વાહનવ્યવહાર ઠપ

Chhota Udepur Naswadi News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જશકી ગામમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિથી ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં અસરગ્રસ્ત પરિવારોને સરકારી સહાય ન મળતા ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, નસવાડી તાલુકાના ચોરામલ ગામનો સંપર્ક તૂટ્યો હતો. જેમાં બ્રિજનો એપ્રોચ ધોવાતા ત્રણ દિવસથી વાહનવ્યવહાર ઠપ થતાં 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે તેવી સ્થિતિ નથી.

નસવાડીમાં 50થી વધુ ઘરોમાં પૂરના પાણી ઘૂસ્યાં

નસવાડી તાલુકાના જશકી ગામમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરના પાણી ગામના 50થી વધુ મકાનોમાં ઘૂસી ગયા હતા. પૂરના પાણીથી ઘરવખરી, અનાજ, કપડાં, પથારી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક પરિવારો મુશ્કેલીભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે. ગામના લોકોનો આક્ષેપ છે કે, ઘટના બાદ ત્રણ દિવસ વીતી ગયા છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક સહાય આપવામાં આવી નથી. માત્ર અધિકારીઓ ગામની મુલાકાત લઈને પરત ફરી ગયા, પરંતુ નુકસાનનું સર્વેક્ષણ કરવા માટેની ટીમો હજુ સુધી પહોંચી નથી. જેના કારણે સરકાર તરફથી મળવાપાત્ર સહાયથી ગરીબ પરિવારો વંચિત રહ્યા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, જશકી ગામના મોટાભાગના પરિવારો રોજ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પૂરના કારણે ઘરમાં રહેલી તમામ ઘરવખરી તણાઈ જતા તેઓ પાસે ખાવા-પીવાની અને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પણ બચી નથી. આવી વિકટ પરિસ્થિતિમાં તંત્ર તરફથી તાત્કાલિક રાહત મળવી જોઈએ હતી, પરંતુ હજુ સુધી કોઈ મદદ ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગ્રામજનોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

ગ્રામજનોએ ગામમાં એકત્ર થઈ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકારને તાત્કાલિક નુકસાનનો સર્વે કરાવી અસરગ્રસ્ત પરિવારોને સહાય ચૂકવવાની માગ કરી હતી. ગ્રામજનોનું કહેવું છે કે નિયમ મુજબ પૂર બાદ તાત્કાલિક સર્વે કરી દરેક પરિવારે થયેલા નુકસાનનો અહેવાલ તૈયાર કરવો જરૂરી છે, પરંતુ ત્રણ દિવસ બાદ પણ સર્વે ન થતાં ગરીબ આદિવાસી પરિવારોને સહાયથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે, જો તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.

નસવાડી તાલુકાના ચોરામલ ગામનો સંપર્ક તૂટ્યો

બીજી તરફ, નસવાડી તાલુકામાં ભારે વરસાદ બાદ અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત થયું છે. નસવાડી તાલુકાના ચોરામલ ગામ પાસે આવેલા નદી ઉપરના બ્રિજનો એપ્રોચ ધોવાઈ જતાં છેલ્લા ત્રણ દિવસથી ગામનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામનો સંપર્ક છેલ્લા ત્રણ દિવસથી ખોરવાઈ ગયો છે. હાલ ચાર પૈડાંના વાહનો તો દૂર, બે પૈડાંના વાહનો માટે પણ માર્ગ જોખમી બન્યો છે.

બ્રિજનો એપ્રોચ ધોવાતા ત્રણ દિવસથી વાહનવ્યવહાર ઠપ

પરિસ્થિતિ એટલી ગંભીર છે કે તાત્કાલિક આરોગ્ય સેવા આપતી 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકે તેવી સ્થિતિ નથી. કોઈ દર્દી કે ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવારની જરૂર પડે તો ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વરસાદી આપત્તિ વચ્ચે આ સ્થિતિ ગામલોકોમાં ચિંતા વધારી રહી છે.

સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે, પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું નિર્માણ કરતી વખતે પૂરતા આયોજનનો અભાવ રહ્યો હતો. ખાસ કરીને બ્રિજની લંબાઈ પૂરતી રાખવામાં આવી ન હોવાથી દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધતાં એપ્રોચનો ભાગ ધોવાઈ જાય છે. પરિણામે ગામનો સંપર્ક તૂટી જાય છે અને ગ્રામજનોને વારંવાર મુશ્કેલી ભોગવવી પડે છે.
ગ્રામજનો વધુમાં આક્ષેપ કરી રહ્યા છે કે બ્રિજનો એપ્રોચ ધોવાઈ જવા છતાં પંચાયત માર્ગ અને મકાન વિભાગના એકપણ જવાબદાર અધિકારી સ્થળની મુલાકાતે પહોંચ્યા નથી. નુકસાનનું નિરીક્ષણ કે તાત્કાલિક સમારકામ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પીવાનું પૂરતું પાણી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

બીજી તરફ, ગામમાં છેલ્લા બે દિવસથી પીવાના પાણીનો પુરવઠો પણ બંધ થઈ ગયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. પાણી પુરવઠો બંધ થતાં ગામલોકોને પીવાના પાણી માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સંબંધિત વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં નદીનું પાણી ઉતરી ગયું છે, પરંતુ ધોવાઈ ગયેલા એપ્રોચના કારણે વાહનવ્યવહાર હજુ પણ શરૂ થઈ શક્યો નથી. ગ્રામજનો તાત્કાલિક એપ્રોચનું સમારકામ કરવામાં આવે, પીવાના પાણીનો પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સમસ્યા ફરી ન સર્જાય તે માટે બ્રિજની યોગ્ય ડિઝાઇન અને કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

ચોરામલ ગામના લોકો છેલ્લા ત્રણ દિવસથી માર્ગ અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત વિભાગો ક્યારે હરકતમાં આવે છે અને ગ્રામજનોની મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવે છે.