Chhota Udaipur

છોટા ઉદેપુર જિલ્લા રેતી માફિયાઓ સામે તંત્રનો સપાટો, છેલ્લા 24 કલાકમાં 33 વાહનો ઝડપાયા

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરમાં ગેરકાયદે ખનિજ ચોરી રોકવા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ મેગા ઓપરેશન હાથ ધરાયું. છેલ્લા 24 કલાકમાં રેતી અને અન્ય ખનિજનું ગેરકાયદે વહન કરતા 33 વાહનો, જેમાં 16 ટ્રેક્ટર અને 17 ટ્રકનો સમાવેશ થાય છે, ઝડપી પાડવામાં આવ્યા. એક ટ્રેક્ટર ચાલકે તો મામલતદારની ગાડી સામે જ રેતી ખાલી કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર જિલ્લા રેતી માફિયાઓ સામે તંત્રનો સપાટો, છેલ્લા 24 કલાકમાં 33 વાહનો ઝડપાયા

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લામાં ગેરકાયદે ખનિજ ચોરી અને પરિવહન કરતા તત્ત્વો સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા એક મેગા ઓપરેશનમાં છેલ્લા 24 કલાકમાં રેતી અને અન્ય ખનિજનું ગેરકાયદે વહન કરતા કુલ 33 વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે. વહીવટી તંત્રની આ આકરી કાર્યવાહીથી ભુમાફિયાઓ અને ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

કલેક્ટરની સૂચનાથી અધિકારીઓ રાત્રે મેદાને ઉતર્યા

મળતી માહિતી અનુસાર, જિલ્લામાં મોટા પાયે ચાલી રહેલી ગેરકાયદે ખનિજ ચોરીને નાથવા માટે કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. તેમની કડક સૂચનાના પગલે જિલ્લાના તમામ નાયબ કલેક્ટરો, તમામ મામલતદારો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓની વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ રાત્રિના સમયે જિલ્લાના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું.

ઝડપાયેલા વાહનોની વિગત

આ રાત્રિ ચેકિંગ દરમિયાન ગેરકાયદે ખનિજ પરિવહન કરતા વાહનો પર તંત્ર ત્રાટક્યું હતું. માત્ર 24 કલાકમાં જ કુલ 33 વાહનોને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં જેમાં 16 ટ્રેક્ટર અને 17 ટ્રકનો સમાવેશ થાય છે.

મામલતદારની ગાડી સામે જ રેતી ખાલી કરી

આ દરોડા દરમિયાન એક ચોંકાવનારી અને ફિલ્મી કહી શકાય તેવી ઘટના પણ સામે આવી હતી. ચેકિંગ દરમિયાન બચવા માટે એક ટ્રેક્ટર ચાલકે ફરજ પરના મામલતદારની સરકારી ગાડીની સામે જ પોતાના ટ્રેક્ટરમાં ભરેલી રેતી ખાલી કરી દીધી હતી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓની ટીમ સામે જ બનેલી આ ઘટનાને પગલે સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, તંત્રએ આવા તત્વો સામે પણ કાયદેસરના કડક પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે.