છોટા ઉદેપુર: નસવાડીમાં હાંડલી ગામની જર્જરિત શાળા તોડ્યા બાદ નવા ઓરડા ન બનાવ્યા, શિક્ષક-બાળકોને હાલાકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Naswadi Handli Primary School Issue: છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા હાંડલી ગામની પ્રાથમિક શાળાની હાલત અત્યંત દયનીય છે. જર્જરિત બનેલા શાળાના ઓરડા તોડી પાડ્યા બાદ નવા ઓરડાઓના નિર્માણની કામગીરી શરૂ ન થતાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા લગભગ 17 જેટલાં બાળકોને હાલાકી પડી રહી છે.
નસવાડીમાં હાંડલી ગામની જર્જરિત શાળા તોડ્યા બાદ નવા ઓરડા ન બનાવ્યા
શાળાના અભાવે બાળકો મધ્યાહન ભોજનના સંચાલક રાઠવા રતનભાઈ સોમજીભાઈના આવાસમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. નવી શાળાના નિર્માણની કામગીરી ન થતાં વિદ્યાર્થીઓ અટવાયા છે. જેને લઈને શિક્ષણ વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ આવાસમાં બાળકો માટે માત્ર એક જ ટેબલ પંખો અને એક લાઈટનો ગોળો ઉપલબ્ધ છે. અપૂરતી સુવિધાઓ વચ્ચે, ગરમી અને અંધારાપટ્ટમાં બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર છે. આ પરિસ્થિતિ બાળકોના શૈક્ષણિક વિકાસ પર નકારાત્મક અસર પાડી રહી છે.
આવાસમાં શૌચાલયની સુવિધાનો અભાવ હોવાને કારણે બાળકોને શૌચક્રિયા માટે બહાર જવું પડે છે. આ સ્થિતિ માત્ર બાળકો માટે જ નહીં, પરંતુ શાળાના શિક્ષક માટે પણ શરમજનક બની છે. જેમને પણ શૌચક્રિયા માટે ગામમાં અન્યના ઘરે જવું પડે છે. આ ઉપરાંત, મધ્યાહન ભોજનનો નાસ્તો પણ આ જ નાના રૂમમાં બનાવવામાં આવે છે. જેમાં આગ જેવી મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના પણ છે, ત્યારે બાળકોના સ્વાસ્થ્ય અને સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
આદિવાસી વિસ્તારમાં બાળકો પ્રાથમિક શાળાના એક ઓરડા જેવી મૂળભૂત સુવિધાથી પણ વંચિત છે. એક તરફ સરકાર વિકાસની મોટી વાતો રહી છે ત્યારે બીજી તરફ હાંડલી ગામમાં બાળકોને આવાસમાં બેસી અભ્યાસ કરવો પડી રહ્યો છે, જે વિકાસના દાવાઓની વાસ્તવિકતા દર્શાવે છે. શાળા નિર્માણ કામગીરીમાં કોન્ટ્રાક્ટર પણ ગાયબ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિક પ્રશાસન અને શિક્ષણ વિભાગ દ્વારા આ ગંભીર સમસ્યાની તાત્કાલિક નોંધ લઈને બાળકો માટે વહેલી તકે નવા શાળાના ઓરડા બનાવવાં પ્રયત્નો કરે તેવી માગ ઉઠી છે.









