Chhota Udaipur

છોટા ઉદેપુર: નસવાડીના લીંડા ગામે પાણી છોડતાં પહેલાં જ ₹1.19 કરોડની કેનાલમાં તિરાડો, ખેડૂતોમાં ભારે રોષ

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના લીંડા ગામે ખેડૂતોને સિંચાઈ માટે 1.19 કરોડના ખર્ચે બનેલી 3.50 કિલોમીટર લાંબી કેનાલ પાણી છોડ્યા પહેલા જ ઠેર-ઠેર તૂટી ગઈ. બોડેલીની ‘વીરકૃપા’ એજન્સી દ્વારા બનાવાયેલી કેનાલની હલકી ગુણવત્તા સામે સરપંચે સિંચાઈ વિભાગને રજૂઆત કરી. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કરોડોનું આદિવાસી વિકાસનું ભંડોળ વેડફાયું. ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: નસવાડીના લીંડા ગામે પાણી છોડતાં પહેલાં જ ₹1.19 કરોડની કેનાલમાં તિરાડો, ખેડૂતોમાં ભારે રોષ

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લીંડા ગામે આવેલા તળાવમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે કરોડોના ખર્ચે નિર્માણ પામેલી કેનાલ વિવાદમાં સપડાઈ છે. 1.19 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી 3.50 કિલોમીટર લાંબી કેનાલમાં પાણી છોડવામાં આવે તે પહેલાં જ ઠેર-ઠેર તિરાડો પડી ગઈ છે અને અમુક જગ્યાએ કેનાલ ભાંગીને ભૂકો થઈ ગઈ છે. આ મામલે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.

પાણી છોડાયા વિના જ કામગીરીનો પોલ ઉઘાડો થયો

સ્થાનિક આદિવાસી વિસ્તારના ખેડૂતો અને આસપાસના ગામોને સિંચાઈની સુવિધા પૂરી પાડવાના હેતુથી સરકારે આ યોજના મંજૂર કરી હતી. બોડેલીની ‘વીરકૃપા’ એજન્સીને આ કેનાલ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જ્યારે તેની કામગીરીની દેખરેખ છોટા ઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા કરવાની હતી. જોકે, લીંડા તળાવમાંથી હજુ સુધી ખેડૂતોને એક વાર પણ પાણી આપવામાં આવ્યું નથી, તે પહેલાં જ તળાવની નજીકના ભાગે કેનાલ તૂટવા માંડતાં હલકી કક્ષાની કામગીરી ચર્ચાનો વિષય બની છે.

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો આક્ષેપ

પાણી છોડ્યા વિના જ જો કેનાલ તૂટી જતી હોય, તો પાણી છોડ્યા બાદ તેની સ્થિતિ કેવી થશે તે અંગે ખેડૂતોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગના અધિકારીઓએ કામગીરીનું યોગ્ય નિરીક્ષણ ન કરતાં કોન્ટ્રાક્ટરે ગુણવત્તા વગરનું હલકી કક્ષાનું કામ કર્યું છે.

સરકારે આદિવાસી વિસ્તારના વિકાસ અને ચિંતા કરીને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે કામગીરી ગુણવત્તાયુક્ત કરાવવામાં સિંચાઈ વિભાગ નિષ્ફળ નીવડ્યો છે. આઝાદીના વર્ષો પછી સિંચાઈનું પાણી મળવાની આશા રાખતા સ્થાનિક ખેડૂતોમાં હાલ અધિકારીઓની બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.