Business

મીઠા, સાબુથી લઈને વાસણ સુધી.., ઓગસ્ટ મહિનામાં મોટાભાગની વસ્તુઓના ભાવ વધી શકે, કંપનીઓએ કરી તૈયારી

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
તહેવારો ટાણે મોંઘવારીનો ડામ લાગશે. ઓગસ્ટથી દૈનિક જરૂરિયાતની વસ્તુઓ જેવી કે, ડિટર્જન્ટ, સાબુ, મીઠું અને પેઇન્ટ સહિત અનેક ઉત્પાદનો મોંઘા થશે. હિન્દુસ્તાન યુનિલિવર, ટાટા કન્ઝ્યુમર અને હેવેલ્સ જેવી કંપનીઓ કાચા માલ અને ઇંધણ ખર્ચ વધવાને કારણે ભાવ વધારી રહી છે. આથી, રક્ષાબંધન, દિવાળી જેવા તહેવારોમાં ઘરનું બજેટ ખોરવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મીઠા, સાબુથી લઈને વાસણ સુધી.., ઓગસ્ટ મહિનામાં મોટાભાગની વસ્તુઓના ભાવ વધી શકે, કંપનીઓએ કરી તૈયારી

Daily Essentials: જો તમે ઓગસ્ટ મહિનાથી તહેવારોની ખરીદીનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા બજેટને બગાડી શકે છે. દેશની ઘણી મોટી ગ્રાહક કંપનીઓ સતત બીજા ત્રિમાસિક ગાળામાં ઉત્પાદનોના ભાવમાં વધારો કરવાની તૈયારીમાં છે. જેમાં ડિટર્જન્ટ, સાબુ, ડીશ વોશિંગ બાર, મીઠું, પેઇન્ટ, ટાયર અને અન્ય વિવિધ દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ વધુ મોંઘી થવા જઈ રહી છે. કંપનીઓનું કહેવું છે કે, કાચા માલ અને બળતણના વધતા ખર્ચના કારણે ભાવમાં વધારો કરવાની મજબૂરીની સ્થિતિ ઊભી થઈ છે.

દેશની સૌથી મોટી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવરે જાહેરાત કરી છે કે, આગામી ત્રણ મહિનામાં ડિટર્જન્ટ અને ડીશવોશિંગ બાર જેવી હોમ કેર કેટેગરીમાં તબક્કાવાર ભાવ વધારવામાં આવશે. તેમજ એશિયન પેઇન્ટ્સ અને ડોડલા ડેરી સહિત ઘણી અન્ય કંપનીઓએ ભાવ વધારાનો સંકેત આપ્યો છે. આ કંપનીઓ જણાવે છે કે, ક્રૂડ ઓઇલમાંથી મેળવાતા કાચા માલના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે એકંદર ખર્ચ પર નોંધપાત્ર દબાણ આવી રહ્યું છે.

મિડલ ઈસ્ટના તણાવની સીધી અસર

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઈરાનને લગતી પરિસ્થિતિ હવે ભારતીય બજારને અસર કરી રહી છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચમાં વધારો કરી રહ્યા છે. પરિણામે હેવેલ્સ ઈન્ડિયાએ તેના કેટલાક ઉત્પાદનોના ભાવમાં 8% સુધીનો વધારો કર્યો છે. જ્યારે ટાટા કન્ઝ્યુમરે મીઠાના ભાવમાં આશરે 7%નો વધારો કર્યો છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો આગામી મહિનાઓમાં વધુ કંપનીઓ ભાવમાં વધારો કરી શકે છે.

તહેવારોની સિઝનમાં ઘરેલુ ખર્ચમાં થશે વધારો

રક્ષા બંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા મુખ્ય તહેવારો ઓગસ્ટ અને નવેમ્બર વચ્ચે આવે છે. આ સમયગાળો કંપનીઓ માટે વેચાણની ટોચની સિઝન છે. તેઓ મજબૂત માગની અપેક્ષા રાખે છે અને ગ્રાહકો ઊંચા ભાવ હોવા છતાં ખરીદી કરશે તેવી અપેક્ષા રાખે છે.

આ પણ વાંચો: GST કલેક્શનમાં બમ્પર ઉછાળો: જુલાઈમાં 15.4 ટકાના વધારા સાથે રેકોર્ડ 2.11 લાખ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન

જૂન મહિનામાં લગભગ દોઢ વર્ષમાં પહેલી વાર ફુગાવો RBIના 4% બેન્ચમાર્કને પાર કરી ગયો હતો. નાણા મંત્રાલયે સ્વીકાર્યું છે કે, ફુગાવો હવે ફક્ત ખાદ્ય ચીજો સુધી મર્યાદિત નથી. તેની અસર હવે પેટ્રોલ, ડીઝલ અને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓના ભાવમાં દેખાય રહી છે. જ્યારે અપૂરતા વરસાદ અને અલ નીનોનું જોખમ ફુગાવાને વધુ ઊંચો કરી શકે છે. આગામી મહિનાઓમાં સામાન્ય માણસ માટે ઘરગથ્થુ ખર્ચમાં વધુ વધારો થવાની સંભાવના છે.