GST કલેક્શનમાં બમ્પર ઉછાળો: જુલાઈમાં 15.4 ટકાના વધારા સાથે રેકોર્ડ 2.11 લાખ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India GST Collection: ભારતમાં આર્થિક ગતિવિધિઓ અને ખરીદીમાં મોટો ઉછાળો આવવાથી સરકારની આવકમાં જબરદસ્ત વધારો થયો છે. જુલાઈ 2026માં દેશનું ગ્રોસ જીએસટી (GST) કલેક્શન 15.4%ના વધારા સાથે ₹2.11 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. છેલ્લા 14 મહિનામાં ટેક્સ સંગ્રહમાં જોવા મળેલો આ સૌથી ઝડપી ગ્રોથ છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં આ બીજી વખત બન્યું છે જ્યારે કોઈ એક જ મહિનામાં જીએસટી કલેક્શન ₹2 લાખ કરોડનો આંકડો પાર કરી ગયું હોય, જે દેશની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે.
આયાત અને ઘરેલુ આવકમાં બમ્પર વધારો
આંકડાઓ પર નજર કરીએ તો, જુલાઈ મહિનામાં ઘરેલુ જીએસટી આવક 10.1% વધીને 1.45 લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 1.31 લાખ કરોડ રૂપિયા હતી. બીજી તરફ, આયાત પરના જીએસટી કલેક્શનમાં 28.8%નો ભારે ઉછાળો જોવા મળ્યો છે અને તે વધીને 66,511 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ બંને મોરચે થયેલા વધારાના પરિણામે કુલ ગ્રોસ જીએસટી કલેક્શન 2.11 લાખ કરોડ રૂપિયાના ઊંચા સ્તરે પહોંચવામાં સફળ રહ્યું છે.
રિફંડ બાદ નેટ જીએસટી રેવેન્યુ 15.8% વધી
સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ, જુલાઈ દરમિયાન જીએસટી રિફંડ પણ 13.1% વધીને 29,968 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યું છે. આ રિફંડ બાદ કરીએ તો પણ સરકારને મળેલી નેટ જીએસટી રેવેન્યુ 1.81 લાખ કરોડ રૂપિયા રહી છે, જે જુલાઈ 2025ની સરખામણીએ 15.8% વધુ છે.
જો નેટ આવકની વિગતો જોઈએ તો, ઘરેલુ નેટ રેવેન્યુ 10.5% વધીને 1.27 લાખ કરોડ રૂપિયા અને કસ્ટમ્સમાંથી મળતી નેટ જીએસટી આવક 30.3%ના તીવ્ર ઉછાળા સાથે 54,223 કરોડ રૂપિયા થઈ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં (એપ્રિલથી જુલાઈ) કુલ ગ્રોસ જીએસટી સંગ્રહ 10.1% વધીને 8.43 લાખ કરોડ રૂપિયા થયો છે, જે ગત વર્ષના સમાન ગાળામાં 7.66 લાખ કરોડ રૂપિયા હતો. અગાઉ જૂન 2026માં પણ જીએસટી કલેક્શન 13.9% વધીને 1.94 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું.
રાજ્યોની કમાણી વધશે: એસબીઆઈ રિસર્ચનો દાવો
એસબીઆઈ રિસર્ચના તાજેતરના અહેવાલ અનુસાર, જીએસટી સંગ્રહ અને બેસિક એક્સાઈઝ ડ્યુટીમાં રાજ્યોના હિસ્સાને ભેગો કરવામાં આવે તો નાણાકીય વર્ષ 2026-27માં રાજ્યોને ગયા નાણાકીય વર્ષની સરખામણીએ આશરે 1.43 લાખ કરોડ રૂપિયાનો વધારાનો આર્થિક લાભ થવાની શક્યતા છે.
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આગામી મહિનાઓમાં જીએસટી કલેક્શનમાં હજુ પણ સુધારો જોવા મળી શકે છે અને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન તેમાં 8થી 9 ટકાનો ગ્રોથ જોવા મળી શકે છે. હાલમાં જીએસટી રેટ રેશનલાઈઝેશનના કારણે જે થોડી ધીમી ગતિ દેખાઈ હતી તે અપેક્ષિત જ હતી, પરંતુ આગામી સમયમાં ટેક્સ કલેક્શન વધુ મજબૂત બનશે.









