Business

યુરોપના દેશો રશિયા પાસેથી ભારત કરતા બમણું ઓઈલ ખરીદે છે, છતાં ટ્રમ્પે ઓછો ટેરિફ લગાવ્યો

By GS TEAM
7 Aug 20253 mins read
TukuTouch Logo
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (છઠ્ઠી ઓગસ્ટ) રશિયા પાસેથી ક્રૂડની આયાત કરવાને કારણે ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવ્યો હતો, જેનાથી કુલ ટેરિફ 50% થઈ ગયો છે. આ દરમિયાન ફિનલેન્ડના સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA)ના તાજેતરના રિપોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પના બેવડા ધોરણોનો પર્દાફાશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુરોપના દેશો રશિયા પાસેથી ભારત કરતા બમણું ઓઈલ ખરીદે છે, છતાં ટ્રમ્પે ઓછો ટેરિફ લગાવ્યો

Donald Trump New Tariff: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (છઠ્ઠી ઓગસ્ટ) રશિયા પાસેથી ક્રૂડની આયાત કરવાને કારણે ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવ્યો હતો, જેનાથી કુલ ટેરિફ 50% થઈ ગયો છે. આ દરમિયાન ફિનલેન્ડના સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એર (CREA)ના તાજેતરના રિપોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પના બેવડા ધોરણોનો પર્દાફાશ કર્યો છે.

રિપોર્ટમાં સામે આવ્યું છે કે, યુક્રેન-રશિયા યુદ્ધ શરૂ થયું ત્યારથી, રશિયાના ક્રૂડ નિકાસમાંથી થતી આવકમાં ભારતનો હિસ્સો માત્ર 13 ટકા છે, જ્યારે યુરોપિયન યુનિયનનો આવક હિસ્સો 23 ટકા છે, જે ભારત કરતા લગભગ બમણો છે. આ ઉપરાંત G-7 દેશોના ટેન્કરો અડધાથી વધુ બેરલ આયાત કરી રહ્યા છે. તેમ છતાં ટ્રમ્પે ભારત પર 50 ટકા અને યુરોપિયન યુનિયન પર તેના એક તૃતીયાંશથી પણ ઓછા, એટલે કે ફક્ત 15 ટકા ટેરિફ લાદ્યો છે.

રશિયાએ ભારત પાસેથી 12,100 કરોડ રૂપિયાની કમાણી કરી

સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એરના રિપોર્ટ અનુસાર, રશિયાએ અત્યાર સુધીમાં ક્રૂડ, કુદરતી ગેસ, કોલસો, રિફાઈન્ડ ઈંધણની નિકાસમાંથી 923 અબજ યુરો (92,300 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. આમાંથી 212 અબજ યુરો (21,200 કરોડ રૂપિયા) યુરોપિયન યુનિયન દેશોમાંથી આવ્યા હતા, જ્યારે ભારતમાંથી માત્ર 121 અબજ યુરો (12,100 કરોડ રૂપિયા) જ આવ્યા હતા, જે લગભગ અડધા છે. ચીન 200 અબજ યુરો (20,000 કરોડ રૂપિયા)થી વધુ મૂલ્યની રશિયન ઊર્જા ખરીદી સાથે રશિયાના ઈંધણ ખરીદનારા દેશોમાં પ્રથમ ક્રમે છે. તેમ છતાં, ટ્રમ્પે હજુ પણ ચીન પર માત્ર 30 ટકા ટેરિફ લાદ્યો છે.

આ પણ વાંચો: ટેરિફ તો બહાનુ છે, ટ્રમ્પ આ વાતની ખુન્નસ કાઢી રહ્યા છે... માઈકલ કુગલમેનનો મોટો દાવો

આ રિપોર્ટમાં જૂન 2025માં યુરોપિયન યુનિયન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો પછી રશિયાના ક્રૂડ પરિવહનમાં G-7 ટેન્કરોની વધતી ભૂમિકા તરફ પણ ઈશારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી રશિયાના ક્રૂડ આયાતમાં G7+નો હિસ્સો 36%થી વધીને 56% થયો છે. આ ઉપરાંત જૂનમાં રશિયાની દરિયાઈ ક્રૂડ નિકાસના અડધાથી વધુ G7+ ટેન્કરો દ્વારા કરવામાં આવ્યા હતા, જે મે મહિનાની સરખામણીમાં 6 ટકા વધુ છે.

યુરોપિયન યુનિયનમાં કયા દેશો શામેલ છે?

ઉલ્લેખનીય છે કે, યુરોપિયન યુનિયન 27 સભ્ય દેશોનું રાજકીય અને આર્થિક જોડાણ છે. તેના સભ્ય દેશોમાં ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, સાયપ્રસ, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, આયર્લેન્ડ, ઇટાલી, લાતવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, સ્પેન અને સ્વીડનનો સમાવેશ થાય છે. આ દેશો એક સામાન્ય આર્થિક અને રાજકીય માળખા હેઠળ કાર્ય કરે છે, જેમાં માલ, સેવાઓ, મૂડી અને લોકોની મુક્ત અવરજવરનો સમાવેશ થાય છે.

ટેરિફ વૉર વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન

બીજી તરફ ભારત માટે ટેરિફમાં વધુ 25 ટકાનો વધારો ઝીંક્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પ આગળ ઝૂકવાનો ઈનકાર કર્યો છે. તેમણે ખેડૂતોના હિતમાં મોટું નિવેદન આપ્યું છે કે, 'અમારા માટે ખેડૂતોના હિતોની રક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે.'