India

‘પરિવાર વિશે ખોટું કહેવાયું, સત્ય સામે લાવવા...’, પુસ્તક વિમોચનમાં બોલ્યા સોનિયા ગાંધી, BJPના દિગ્ગજ નેતાએ કાર્યક્રમમાં પહોંચી ચોંકાવ્યા

By GS Team
16 Nov 20264 mins read
TukuTouch Logo
સોનિયા ગાંધીના આત્મકથાત્મક પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'નું વિમોચન થયું. દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં સોનિયા ગાંધીએ પરિવાર વિશેની ભ્રામક વાતો દૂર કરવા પુસ્તક લખ્યાનું જણાવ્યું. ભાજપના કેપ્ટન અમરિંદર સિંહ સહિત 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વિપક્ષી નેતાઓ હાજર રહ્યા. પુસ્તકને બજારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘પરિવાર વિશે ખોટું કહેવાયું, સત્ય સામે લાવવા...’, પુસ્તક વિમોચનમાં બોલ્યા સોનિયા ગાંધી, BJPના દિગ્ગજ નેતાએ કાર્યક્રમમાં પહોંચી ચોંકાવ્યા

Sonia Gandhi Book Launch : કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના અધ્યક્ષ સોનિયા ગાંધીના આત્મકથાત્મક પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ' (Belonging: A Journey of Love)નો સોમવારે ભવ્ય વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. અંગ્રેજી શીર્ષકનો સરળ અર્થ 'પોતીકાપણું: પ્રેમની એક સફર' થાય છે. આ પ્રસંગે સોનિયા ગાંધીએ પુસ્તક લખવા પાછળના કારણો અને પોતાના અંગત અનુભવો વિશે ખુલીને વાત કરી હતી. બીજી તરફ, આ કાર્યક્રમમાં વિપક્ષી નેતાઓની સાથે-સાથે ભાજપના દિગ્ગજ નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે અચાનક હાજરી આપીને સૌને ચોંકાવી દીધા હતા.

પરિવાર વિશેની ભ્રામક વાતો દૂર કરવા લખ્યું પુસ્તક

કાર્યક્રમમાં સંબોધન કરતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, વર્ષોથી તેમના પરિવાર વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે, જેમાંથી ઘણી બાબતો વાસ્તવિકતાથી જોજનો દૂર હતી. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે ઉમેર્યું કે, તેમના સાસુ ઈન્દિરા ગાંધી, પતિ રાજીવ ગાંધી અને પુત્ર રાહુલ ગાંધી વિશે પણ અનેક એવી વાતો કહેવામાં આવી જે સત્ય નહોતી. લોકો સમક્ષ પોતાના પરિવાર અને પોતાના જીવનનો સાચો પક્ષ મૂકવાની ઈચ્છા જ આ પુસ્તક લખવાનું સૌથી મોટું કારણ બની. તેમણે અગાઉ પણ કહ્યું હતું કે તેઓ પોતાના પરિવારને એ રીતે રજૂ કરવા માંગતા હતા જે રીતે તેમણે તેમને જોયા અને જાણ્યા છે.

રાહુલ અને પ્રિયંકાની પ્રેરણાથી મુશ્કેલ કામ સરળ બન્યું

લાંબા સમય સુધી પોતાના અંગત જીવનને જાહેર ચર્ચાઓથી દૂર રાખવાના કારણે સંસ્મરણો લખવા સોનિયા ગાંધી માટે શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલ હતા. જોકે, પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમને આ પુસ્તક લખવા માટે પ્રેરિત કર્યા હતા. ધીમે-ધીમે તેમને પણ લાગ્યું કે પોતાની કહાની પોતાના જ શબ્દોમાં લોકો સમક્ષ મૂકવી અનિવાર્ય છે.

Sonia Gandhi Book Launch2.jpg

બુક સ્ટોર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર પુસ્તકની ભારે માંગ

10 નવેમ્બરના રોજ પ્રકાશિત થયેલા આ પુસ્તકને બજારમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રકાશક હાર્પર કોલિન્સના જણાવ્યા અનુસાર, પુસ્તકની માંગ ખૂબ જ તેજ રહી છે અને બુક સ્ટોર માલિકો તથા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ મજબૂત વેચાણના સંકેતો મળ્યા છે. લોકોએ બતાવેલા સ્નેહ અને પોતીકાપણાથી અભિભૂત થયેલા સોનિયા ગાંધીએ કહ્યું કે, વાચકોની ટિપ્પણીઓ, પુસ્તક ખરીદવામાં બતાવેલો રસ અને વિવેચકોના પ્રતિસાદોએ તેમના હૃદયને સ્પર્શ કર્યો છે.

પુસ્તકના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ચર્ચા

આ પુસ્તકને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ભાજપે સંસ્મરણના કેટલાક ઐતિહાસિક અને રાજકીય હિસ્સાઓ પર સવાલો ઉઠાવ્યા છે, જ્યારે કોંગ્રેસે તેને સોનિયા ગાંધીની અંગત કહાની તરીકે જોવાની વાત કરી છે. સોનિયા ગાંધીએ સ્પષ્ટ કર્યું કે આ કોઈ રાજકીય પુસ્તક નથી, પરંતુ એક અંગત સંસ્મરણ છે જેમાં રાજકારણ માત્ર પૃષ્ઠભૂમિ તરીકે હાજર છે અને તેમનો હેતુ કોઈ રાજકીય વિવાદ ઊભો કરવાનો નથી.

Sonia Gandhi Book Launch3.jpg

જાહેર જીવનમાં થતી આલોચના પર સોનિયા ગાંધીનો મત

જાહેર જીવનમાં થતી ટીકાઓ અંગે વાત કરતા સોનિયા ગાંધીએ સંકેત આપ્યો કે સાર્વજનિક જીવનમાં આલોચનાથી બચી શકાતું નથી. તેમણે આલોચનાને જરૂરી ગણાવતા કહ્યું કે, કેટલીક ટિપ્પણીઓ અત્યંત તીખી, અસહજ કરનારી કે ખરાબ રુચિ ધરાવતી હોય છે, જ્યારે કેટલીક આલોચનાઓ વાસ્તવિક, ગંભીર અને પ્રામાણિક હોય છે, જેમાં લોકો સ્પષ્ટપણે જણાવે છે કે તેમને શું યોગ્ય લાગ્યું અને શું નહીં. આમ, 'બિલોંગિંગ' માત્ર ગાંધી પરિવારની રાજકીય યાત્રા નહીં, પરંતુ સોનિયા ગાંધીના અંગત અનુભવો, સંબંધો, જીવનની ખોટ અને પોતાના વિશે બનેલી ધારણાઓને પોતાની નજરે રજૂ કરવાનો એક પ્રયાસ છે.

Sonia Gandhi Book Launch4.jpg

કેપ્ટન અમરિંદર સિંહની અચાનક હાજરીથી સૌ ચોંક્યા

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ હાલ ભાજપમાં હોવા છતાં સોમવારે સોનિયા ગાંધીના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પહોંચી જતાં સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પંજાબની ચૂંટણી પહેલા તેમની આ અચાનક હાજરીથી નવા રાજકીય સમીકરણોની અટકળો તેજ બની છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સપ્ટેમ્બરમાં જ તેમણે ભાજપ પ્રત્યે ઈશારામાં નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'મેં મારા જીવનના 60 વર્ષ પંજાબના રાજકારણમાં વિતાવ્યા છે. હું એકલો નથી, મારા ઘણા સાથીઓ છે. આ વર્ષોમાં અમે પંજાબમાં અનેક પ્રકારની પરિસ્થિતિઓ જોઈ છે, પરંતુ આજે સ્થિતિ એવી છે કે તેઓ અમને કંઈ પૂછતા જ નથી.'

પક્ષપલટાની અટકળો વચ્ચે કેપ્ટનના જૂના નિવેદનની ચર્ચા

છેલ્લા કેટલાક સમયથી કોઈ મોટા આયોજનમાં ન દેખાયેલા અમરિંદર સિંહે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે તેઓ અહીં ઉપલબ્ધ છે અને પોતાના વિચારો રજૂ કરવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, 'મેં અગાઉ પણ પક્ષો બદલ્યા છે અને ફરી કોંગ્રેસમાં પાછો ફર્યો હતો, પરંતુ મારા નિવેદનનો ખોટો અર્થ ન કાઢવો જોઈએ કારણ કે હું અત્યારે કોઈ પક્ષ છોડવા કે અન્ય પક્ષમાં જોડાવા જઈ રહ્યો નથી.' તેમ છતાં, સોનિયા ગાંધીના કાર્યક્રમમાં તેમની હાજરીના અનેક અર્થો કાઢવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં તેઓ કોઈ મોટો રાજકીય નિર્ણય લઈ શકે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.

6 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વિપક્ષી નેતાઓની હાજરી

આ હાઈ-પ્રોફાઈલ વિમોચન કાર્યક્રમમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના લગભગ તમામ સભ્યો, રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને હિમાચલ પ્રદેશ સહિત કુલ 6 રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ પ્રસંગે હાજરી આપી હતી.

અખિલેશ-ડિમ્પલ સહિત આ દિગ્ગજ ચહેરાઓ પણ રહ્યા ઉપસ્થિત

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ તેમના પત્ની અને સાંસદ ડિમ્પલ યાદવ સાથે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ સિવાય અન્ય મોટા રાજકીય ચહેરાઓમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા, જનાર્દન દ્વિવેદી, મહેબૂબા મુફ્તી, સુપ્રિયા સુલે, અશોક ગેહલોત અને મોન્ટેક સિંહ આહલુવાલિયા પણ આ વિમોચન સમારોહમાં સામેલ થયા હતા.