ટેરિફ તો બહાનું છે, ટ્રમ્પ બીજી એક વાતનું ખુન્નસ કાઢી રહ્યા છે... માઈકલ કુગલમેનનો દાવો
Michael Kugelman's Big Claim: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારતને મોટો ઝટકો આપતા વધુ 25% ટેરિફની જાહેરાત કરી હતી. ભારત દ્વારા રશિયા પાસેથી સતત સસ્તા દરે ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખવાથી ભડકેલા ટ્રમ્પે ભારત પર વધારાનો ટેરિફ લાદ્યો છે. હવે એનાલિસ્ટ આ પગલાને ટ્રમ્પની ખુન્નસ તરીકે જોઈ રહ્યા છે.
સાઉથ એશિયા ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર માઇકલ કુગલમેને ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને છેલ્લા બે દાયકાના સૌથી ખરાબ સંકટ તરીકે ગણાવ્યા છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે બંને દેશોની પાર્ટનરશિપનો આ સૌથી ખરાબ તબક્કો છે. આનાથી બંને દેશો વચ્ચેના સંબંધો પતન સુધી પહોંચી શકે છે.
બંને દેશો વચ્ચેના સંબંધો સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે
કુગલમેને કહ્યું કે, કમનસીબે બંને દેશો વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ટ્રમ્પનો તાજેતરનો નિર્ણય આશ્ચર્યજનક છે. આ નિર્ણયની હાનિકારક અસરો હોવા છતાં મને એ વાત બહુ આશ્ચર્યજનક નથી લાગતી કે અંતે અમેરિકન પ્રમુખે પોતાની ધમકી પૂરી કરવાનો નિર્ણય લીધો.
પ્રમુખ ટ્રમ્પ ભારત જેવા પોતાના નજીકના ભાગીદાર પર દબાણ ઊભું કરતા અચકાતા નથી. ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત કોઈ પણ રીતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ઘટાડી દે. આનાથી રશિયાને યુક્રેન સામેના યુદ્ધમાં મદદ મળી રહી છે. જોકે, તેમણે કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો બહુપક્ષીય છે અને બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં એકબીજાને સહયોગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સંબંધોમાં ઉતાર-ચઢાવ વાજબી છે.
ટેરિફ તો બહાનુ છે, ટ્રમ્પ આ વાતની ખુન્નસ કાઢી રહ્યા છે
આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા પાસેથી સતત ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ચીનને નહીં પણ ભારતને સજા આપવાનું કેમ નક્કી કર્યું?
આ સવાલના જવાબમાં કુગલમેને કહ્યું કે, ભારતે જે કર્યું તે ચીને નથી કર્યું. ચીને યુદ્ધવિરામમાં પ્રમુખ ટ્રમ્પની ભૂમિકા પર સવાલ નહોતા ઉઠાવ્યા, પરંતુ ભારતે ઉઠાવ્યા હતા. તેથી મને લાગે છે કે ટ્રમ્પે ટેરિફના બહાને ભારત પર પોતાની ખુન્નસ કાઢી છે. જોકે, આ બેવડા ધોરણો છે. પાખંડ છે. પછી તમે જે ઇચ્છો તે બોલી શકો છો.
શું ચીન પર પણ વધારાનો ટેરિફ લાદવામાં આવશે?
ભારત સરકારે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 50% ટેરિફ સામે ખુલ્લેઆમ વાંધો વ્યક્ત કર્યો છે. આવી સ્થિતિમાં જ્યારે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું ચીન પર પણ વધારાનો ટેરિફ લાદવામાં આવશે? આના પર ટ્રમ્પે જવાબ આપ્યો કે તે શક્ય છે.