Baroda

વડોદરા: કરચીયા પાસે વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરાના સાવલી તાલુકાના કરચીયા ગામે 66 વર્ષીય રમણભાઈ રાઠોડિયાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. ગામના જ એક સગીર કિશોરે સાપુતારા પ્રવાસે જવા પૈસાની જરૂર હોવાથી રમણભાઈની હત્યા કરી હતી. કિશોરે ધોકા વડે હુમલો કરી, મૃતદેહ કેનાલ પાસે ફેંકી દીધો હતો. ત્યારબાદ, મૃતકના 2 બકરા ₹9500માં વેચી, તે પૈસાથી સાપુતારાનો પ્રવાસ કર્યો અને નવા કપડાં-શુઝ પણ ખરીદ્યા હતા. પોલીસે સગીરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: કરચીયા પાસે વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો

Vadodara: સાવલી તાલુકાના કરચીયા ગામે એક વૃધ્ધની રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલી પોલીસે ગામમાં જ રહેતા સગીરવયના એક કિશોરની અટકાયત કરી છે. સાપુતારા પ્રવાસ જવા માટે પૈસાની જરૂર હોવાથી વૃધ્ધની હત્યા કરી તેના બે બકરા વેચીને આવેલા પૈસાથી પ્રવાસ કર્યો હોવાની વિગતો બહાર આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કરચીયા ગામમાં રહેતા 66 વર્ષના રમણ રયજીભાઇ રાઠોડિયા તા. 17ના રોજ સવારે બકરા ચરાવવા માટે ગયા બાદ સાંજે ઘેર પરત નહી ફરતા તેમની શોધખોળ કરતાં ઇટોલીયાપુરા ગામ તરફ જવાના રસ્તાની કેનાલ પાસે તેમની હત્યા થયેલી લાશ મળી હતી. આ બનાવ અંગે સાવલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યા કોણે અને ક્યાં કારણોસર કરી તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

હત્યાનો ભેદ ઉકેલવા માટે એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ દરમિયાન ગામમાં જ રહેતા સગીરવયના એક કિશોર પર શંકા ગઇ હતી. તેની પૂછપરછ કરતા તેને હત્યાની કબૂલાત કરી પોલીસને જણાવ્યું હતું કે ગામમાંથી સાપુતારા પ્રવાસ માટેની બસ ઉપડતી હતી. મારે પ્રવાસ જવાનું હોવાથી તેમજ રૂપિયાની જરૂર હોવાથી રયજીભાઇની ઘરમાંથી ધોકો લાવીને માથામાં તેમજ મોઢા પર ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી લાશને ધસડીને લઇ જઇ કેનાલ પાસે નાંખી દીધી હતી.

બાદમાં રયજીભાઇના બે બકરા ગામના કસાઇને વેચી રૂ. 9500 મેળવ્યા હતાં. આ પૈસાથી સાપુતારાનો પ્રવાસ ખેડયો હતો એટલું જ નહી પરંતુ પૈસાથી પ્રવાસમાં જવા માટે નવા કપડા અને શુઝ પણ ખરીદ્યા હતાં. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલો ધોકો પણ કબજે કર્યો છે.