ડી.જી. નાકરાણી સામે PF, ESI, લઘુતમ વેતનના નિયમોના ભંગની અસંખ્ય ફરિયાદો છતાં કોર્પોરેશન દ્વારા 11 કરોડનો કોન્ટ્રાક્ટ પધરાવી દેવા પેરવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી માટે રજૂ થયેલી પાર્કસ એન્ડ ગાર્ડન શાખામાં માનવબળ પૂરું પાડવાની દરખાસ્તને લઈને વિવાદ ઊભો થયો છે. અગાઉ વિપક્ષ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યા બાદ હવે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીને વિવાદિત ઇજારદાર ડી.જી. નાકરાણીની દરખાસ્ત પરત મોકલવાની માંગ કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે પાર્કસ એન્ડ ગાર્ડન શાખામાં 500 વ્યક્તિઓના માનવદિનનું કામ સોંપતા પહેલાં ઇજારદારની કામગીરી અને ભૂતકાળના રેકોર્ડની સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે. ઇજારદાર સામે અગાઉ કર્મચારીઓના શોષણ, પીએફ અને ઈએસઆઈની રકમ ન ભરવા તેમજ લઘુત્તમ વેતન ન ચૂકવવાના ગંભીર આક્ષેપો થયા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
અતુલ ગામેચીએ આક્ષેપ કર્યો છે કે સયાજી હોસ્પિટલમાં વર્ગ-3 અને વર્ગ-4ના 500થી વધુ કર્મચારીઓને વર્ષોથી પીએફનો હિસાબ મળ્યો નથી અને પગાર પાવતી પણ આપવામાં આવતી ન હતી. આવા વિવાદો વચ્ચે ઇજારદારને કામ સોંપવા પાછળની પ્રક્રિયાની પારદર્શકતા અંગે પ્રશ્નો ઊભા થયા હોવાનું તેમણે જણાવ્યું છે.
તેમણે માંગ કરી છે કે તમામ આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરાવી ત્યારબાદ જ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવે, નહીં તો કોર્પોરેશનની કામગીરી સામે પ્રશ્નો ઊભા થઈ શકે છે.








