વડોદરા: 30થી વધુ ગુનાનો ઇતિહાસ ધરાવતા કુખ્યાત બુટલેગર લાલુ સિંધીની જામીન અરજી રદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: સંગઠિત ગેંગ બનાવીને વડોદરા ઉપરાંત સમગ્ર રાજ્યભરમાં વિદેશી દારૂનું નેટવર્ક ઊભું કરી કરોડોનો કારોબાર ચલાવનારા કુખ્યાત બુટલેગર લાલુ સિંધીએ ગુજસીટોકના ગુનામાં જામીન અરજી મૂકતા અદાલતે તે અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામેનો ગુનો અત્યંત ગંભીર છે અને હાલ તપાસ નાજુક તબક્કામાં છે.
કેસની વિગત એવી છે કે, PIએ તા. 3 જૂન 2026ના રોજ લાલુ સિંધી અને તેના 11 સાગરીતો સામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓ ગેરકાયદે આર્થિક લાભ મેળવવા માટે પરપ્રાંતમાંથી વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડી, સંગઠિત ગુનાહિત ટોળકી બનાવીને પ્રજામાં ભય ફેલાવતા હતા. આ ગુનામાં સંગઠિત ગેંગના સૂત્રધાર મનાતા લાલચંદ ઉર્ફે લાલુ સિંધી ખાનાણીએ જામીન અરજી મૂકી હતી. જેની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે, અરજદારને હૃદયની બીમારી હોવાથી મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપવા જોઈએ.
જ્યારે સ્પેશિયલ સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપી સામે પ્રોહિબિશન, મર્ડર અને આર્મ્સ એક્ટ જેવા 30થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જો તેને જામીન આપવામાં આવશે તો તે ફરીથી ગુના આચરશે. ન્યાયાધીશે અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે, આરોપીના મેડિકલ કાગળો જૂના છે અને જેલમાં 24 કલાક તબીબી સુવિધા તેમજ SSG હોસ્પિટલની સારવાર ઉપલબ્ધ હોવાથી, આવા ગંભીર આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં.









